ખુલ્લી વાત :- અમિતા મહેતા

પહેલી વાર પ્રેમમાં પડતા લોકો આસમાનમાં ઉડવા માંડે છે દુનિયા આખી એમના માટે કલરફૂલ બની જાય પણ અડધોઅડધ કિસ્સામાં પ્રેમનો પરપોટો ફૂટી જાય ત્યારે જીવન ઝેર જેવું લાગે. વાસ્તવમાં તેઓ પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો તફવત સમજતા નથી. અથવા તો પ્રેમમાં બધું સારું અને મજાનું જ હોય એવા વ્હેમમાં જીવે છે. પ્રેમમાં પડતાં પહેલાં ખુદને એક વખત ચકાસી લેવી જરૂરી છે.

કોઈને પ્રેમ કરવાનો મતલબ ખુદને બદલવાનો કે પોતાની સ્વતંત્રતાને ગુમાવવાની એવો નથી હોતો. જ્યારે તમે કોઈનાં પ્રેમમાં પડો ત્યારે જે પરિવર્તન આવે એ બિલકુલ સાહજિક હોવું જોઈએ. ગમતી વ્યક્તિ સાથે જિંદગી ગુજારવાની ઈચ્છા હોવી એ પ્રેમમાં જરૂરી છે. આ ઈચ્છા જીવનમાં મીઠાશ ભરે છે અગર તમે પ્રેમમાં પડયાં છો કે એ માટે મેન્ટલી પ્રીપેર છો તો ખુદને બદલવાની કોશિષ ન કરો. તમે જેવા છો તેવા જ રહેશો તો બંને એકબીજાને ઝડપથી સમજી શકશો. અગર તમારો બદલાવ ક્ષણિક રહ્યો તો સામી વ્યક્તિ છેતરાયાની લાગણી ફીલ કરશે. બદલાવું એ લાંબી અને સાહજિક પ્રક્રિયા છે જે પ્રેમમાં લાંબો સમય સાથે રહ્યા પછી આવે છે.

જે સંબંધમાં તમે આગળ વધવા ઈચ્છો છો એ સંબંધથી તમે ખરેખર ખુશ છો ? એ પ્રશ્ન સ્વને પૂછો. તમને અંદરથી ખુશી મળે છે તો જ તમે એ દિશામાં આગળ વધો. અગર કોઈ કારણસર પાર્ટનર દુઃખી છે તો દુઃખી થવાને બદલે તમારા સ્મિત દ્વારા એનાં ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરો. પ્રેમમાં માત્ર ફૂલો નથી હોતા કંટકો પણ હોય છે. એકબીજાને સમજતાં સમય લાગે છે. આ વાસ્તવિકતા સ્વીકારીને અગર તમે ખુશ રહી શકો છો, તો વારંવાર તમારા મનમાં પ્રશ્નાર્થ ચિન્હો નથી ઉદ્દભવતા અને અદૃશ્ય ટેન્શન નથી જન્મતું તો પ્રેમનો રસ્તો આગળ સરળ હશે એવું માની શકાય. અગર સ્વભાવવશ તમે ટેન્શનમાં રહો છો તો મનને શાંત કરવા માટે મેડિટેશન કરો તમે ખુશ અને હકારાત્મક રહી શકશો.

પ્રેમને વ્યક્ત કરવો જરૂરી છે. અગર તમે શરમાળ છો અને ડાયરેક્ટલી લાગણી વ્યક્ત નથી કરી શકતા તો મનને એ માટે તૈયાર કરો. પ્રેમ કરો છો તો દેખાવો જોઈએ. દરેક વ્યક્તિમાં બીજાનાં મનનાં ભાવોને વાંચવાની આવડત નથી હોતી. મૌન ઝઘડા ટાળે છે પરંતુ ગેરસમજ વધારે છે તેથી પ્રેમમાં પડતાં પહેલાં ખુદને લાગણી વ્યક્ત કરવા જેટલાં બોલ્ડ બનાવો.

અગર તમે પાર્ટનરની સાથે ટીમવર્કથી કામ કરશો તો કામ માત્ર જલદી નહીં, પરંતુ સારું પણ થશે. ટીમવર્ક માટે ઈગોને તિલાંજલી આપવી પડે. ટીમવર્કથી કામ આસાન બને છે અને બંનેને સાથે સમય પસાર કરવાનો ચાન્સ મળે છે.

નાના- મોટા લડાઈ- ઝઘડાઓ તો દરેક કપલની વચ્ચે થાય જ છે. પરંતુ ઘણી વાર નાની વાત ખૂબ મોટી બની શકે. તમારી લડાઈ – ઝઘડા એ લેવલે ન પહોંચે એનું ધ્યાન રાખો. લડાઈ- ઝઘડાથી પ્રેમ વધે છે, પરંતુ ક્યારેક સંબંધો તૂટે પણ છે તેથી લોજીક વિનાની લડાઈને મહત્વ ન આપો. કોઈ એક વ્યક્તિ ચૂપ રહેશે કે હાર માનશે તો બાજી હાથમાં રહેશે. બંને આક્રમક બનશે તો સંબંધો તરત જ ખતમ થઈ જશે.

હસતાં અને આનંદિત રહેવાની ટેવ તમને એક સારા માણસ બનાવી શકે. નાની વાતો પર દુઃખી ન થાઓ અને કોઈ મજાકને વધારે પડતું મહત્વ ન આપો. મજાકને મજાકનીજ  રીતે લો. સેન્સ ઓફ હ્યુમર કેળવો જેથી ગંભીર બાબતોનાં પડધા સંબંધો તૂટવા સુધીનાં ન પડે.

પ્રેમમાં પડયાં પછી કંઈ અંશે મિત્રો સાથેનો સમય કોમ્પ્રોમાઈઝ કરવો જ પડે છે. અગર તમારા ફ્રેન્ડ સીંગલ છે તો એમના માટે સંવેદનશીલ જરૂર બનો પરંતુ તમારો અંગત સમય ક્યારેય એમના નામે ન કરો. મૈત્રી અને પ્રેમ વચ્ચે એક સ્વસ્થ અંતર રાખતાં શીખો.

પ્રેમમાં પડેલી વ્યક્તિ પાસે ઘણું બધું કહેવાનું હોય છે પરંતુ બોલવા જેટલું જ સાંભળવાનું મહત્વનું છે. તેથી તમારી વાત જ કહેવાને બદલે પ્રિયજનની વાત સાંભળો. પ્રેમમાં તમને ધ્યાન દઈને સાંભળે એ બાબત એ વ્યક્તિનાં મહત્વનો સ્વીકાર ગણાય છે.

જ્યારે તમે પ્રિયજનનો કહો કે હું તને મારા જીવનનું સીક્રેટ શેર કરું છું. ત્યારે એ સિક્રેટ અગાઉ કોઈને કહેવાયેલું ન હોવું જોઈએ. નહીંતર તમે ખાલી ગપ્પાં મારો છો એવું સાબિત થશે. સીક્રેટ શેરીંગ એ પ્રેમની સાથે ભરોસો દર્શાવી સ્પેશિયલ ફીલ કરાવે છે.

પ્રેમમાં પડવાથી તમારી નોર્મલ લાઈફ ખતમ નથી થતી સ્પેશિયલ બને છે. તેથી તમારા શોખ, તમારી મૈત્રી, તમારું કરિયર કે તમારું ફેમિલી તમારાથી દૂર ન થવું જોઈએ. આ બધું પણ જીવનનો મહત્વનો ભાગ છે. પ્રેમ વધુ સ્પેશિયલ છે એટલું જ પ્રેમની સાથે અન્ય બાબતો પણ જીવવા માટે એટલી જ આવશ્યક છે.

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પ્રેમ એ જીવનનું એવું રસાયણ છે જે તન- મનને ઊર્જાથી ભરી દે appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/love-a-life-of-life/
via Best Gujarati News