સંગીતના મહારથીઓના સૂરીલા સુરતાલ
સાત સૂરોના સંગમથી સર્જન થયેલું શાસ્ત્રીય સંગીત ભારતીય શાસ્ત્રીય સંગીતકારો માટે તો તેમના જીવનું અવિભાજ્ય અંગ છે. સંગીત વાદ્યો પર રેલાતા શાસ્ત્રીય સંગીતના સૂરોનો આનંદ અકલ્પનીય છે. તેમાં પણ સંગીતની દુનિયામાં નામ કરી ગયેલા સંગીતકારોએ પોતાના હુન્નર અને આવડતથી શાસ્ત્રીય સંગીતની આ શૈલીને નવાં રૂપ રંગ આપ્યાં છે અને એક નવા મુકામે સ્થાપિત કર્યું છે. આજે આપણે એવા જ કેટલાક સંગીતકારોની વાત કરીશું જેમણે શાસ્ત્રીય સંગીતમાં મોટું યોગદાન આપ્યું છે.
ઉસ્તાદ સબરી ખાન
ઉસ્તાદ સબરી ખાન ભારતીય શાસ્ત્રીય સંગીતમાં જાણીતું નામ છે. તેમણે સંગીતવાદ્ય સારંગીને આખા વિશ્વમાં લોકપ્રિય બનાવ્યું હતું. તેમનો જન્મ ૨૧ મે ૧૯૨૭ના રોજ મોરાદાબાદમાં થયો હતો. ઉસ્તાદ સબરી ખાન સૈન્ય ઘરાનાના સંગીતકાર હતા. શરૂઆતના દિવસોમાં તેમણે તેમના દાદા ઉસ્તાદ હાજી મોહમદ પાસેથી સારંગી વગાડવાનું શીખ્યા હતા. ત્યારબાદ તેમણે પિતા ઉસ્તાદ છજ્જુ ખાન પાસેથી સારંગી વાદ્યની તાલીમ લીધી હતી. આ ઉપરાંત રામપુરમાં રહેતા તેમના કાકા ઉસ્તાદ લદ્દન ખાન પાસેથી પણ સંગીત વાદ્યની કેટલીક મહત્ત્વપૂર્ણ અને દુર્લભ તકનીક શીખ્યા હતા. ઉસ્તાદ સબરી ખાને અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન, જાપાન, રશિયા, યુએસ, કેનેડા જેવાં સમગ્ર દેશોમાં પ્રવાસ ખેડયો હતો અને પોતાના સંગીતને ઉજાગર કર્યું હતું. અમેરિકા અને યુરોપ જેવા દેશોના પ્રેક્ષકોને સારંગીના સૂરોનો પરિચય કરાવાનો શ્રેય સબરી ખાનને જાય છે. તેમણે યહૂદી મેનુહિન સાથે જુગલબંધી કરીને સંગીતના સૂરો રેલાવ્યાં હતાં. એટલું જ નહીં, પણ તેમને યુ.એસ.ના વોશિંગ્ટનની યુનિવર્સિટીમાં પ્રવાસી અધ્યાપક તરીકે પણ આમંત્રણ મળ્યું હતું. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં યોગદાન બદલ ઉસ્તાદ સબરી ખાનને સાહિત્ય કલા પરિષદ પુરસ્કાર, યુપી સંગીત નાટક અકાદમી પુરસ્કાર, રાષ્ટ્રીય સંગીત નાટક એકાદમી પુરસ્કાર અને પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર જેવા અનેક સન્માનજનક પુરસ્કારો મેળવ્યાં હતાં. આ સાથે ૨૦૦૬માં તેમને ભારત સરકાર દ્વારા ભારતના રાષ્ટ્રપતિ તરફથી પદ્મભૂષણ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. આમ તેમની સંગીત યાત્ર ખૂબ જ ગૌરવશાળી અને યાદગાર રહી છે. ૧ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ હૃદય હુમલાને કારણે સંગીતની દુનિયાનો એક સિતારો આ ફાની દુનિયાને અલવિદા કહી ગયો હતો.
પુર્બયન ચેટર્જી
પુર્બયન ચેટર્જીનો જન્મ મુંબઈમાં થયો હતો. સંગીતની દુનિયામાં સિતારવાદક તરીકે તેમણે સારી એવી નામના મેળવી છે. આ ઉપરાંત તેઓ સમકાલીન વિશ્વ સંગીત શૈલીઓ સાથે પરંપરાગત ભારતીય શાસ્ત્રીય સંગીતનું મિશ્રણ કરવા માટે જાણીતા છે. પુર્બયન ચેટર્જીને બાળપણથી જ સંગીતમાં ઊંડો રસ હતો. શરૂઆતમાં પિતા પાર્થપ્રતિમ પાસેથી તેમણે સંગીતવાદ્ય સિતારની તાલીમ લીધી હતી. તેમનું સંગીત પંડિત નિખિલ બેનર્જીનાં સંગીતથી પ્રેરિત છે. તેમણે અનેક સોલો સ્ટેજ પરફોર્મન્સ આપ્યા છે. આ સાથે તેઓએ શાસ્ત્રીય સિન્ડિકેટ અને સ્ટ્રિંગસ્ટ્રક નામના ગ્રૂપ સાથે મળીને પણ સંગીતના સૂરો રેલાવ્યાં છે. એટલું જ નહીં, પણ તેઓ એક સારા ગાયક પણ છે. તેમણે શંકર મહાદેવન સાથે મળીને આલ્બમમાં ગીત પણ ગાયું છે. આ ઉપરાંત તેમણે શાસ્ત્રીય સિન્ડિકેટ અને સ્ટ્રિંગસ્ટ્રકની સાથે સાથે ઈન્ડિયન ક્લાસિક બેન્ડ સાથે મળીને ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા દેશોમાં પોતાના સૂરોથી લોકોને ડોલાવ્યાં. ૨૦૦૮માં રિલીઝ થયેલું તેમનું આલ્બમ ‘લહેર’ દોઢ વર્ષ સુધી દર્શકોની લાઈમલાઈટ મેળવી હતી. ટાઈમ્સ મ્યુઝિક દ્વારા રજૂ કરાયેલ ઈન્ડો- પાક શાંતિ પ્રોજેક્ટ હેઠળ તેમણે ‘અમન કી આશા’ નામના આલ્બમમાં પણ સંગીતના સૂરો રેલાવ્યા હતા. અને આ આલ્બમ માટે તેમને પામ આઈઆરએએ પુરસ્કાર પણ મળ્યો હતો. આ ઉપરાંત ઘણી વખત તેમણે શ્રેષ્ઠ તબલાંવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈન સાથે મળીને પણ સંગીતની મહેફીલ સજાવી છે. પુર્બયન ચેટર્જીએ પંદર વર્ષની ઉંમરે સૌથી નાની વયના સંગીતવાદક તરીકે રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવ્યો હતો.
શુભા મુદ્ગલ
શુભા મુદ્ગલ જાણીતા શાસ્ત્રીય સંગીતકારા છે. આ સાથે તે એક સારી ગાયિકા પણ છે. તેઓએ ખ્યાલ, ઠુમરી, દાદરા અને ભારતીય પોપ મ્યુઝિક જેવી સંગીત શૈલીમાં મહારથ હાંસલ કરી છે. તેમની સંગીત કારકિર્દી સફળ પુરવાર થઈ છે. ૨૦૦૦માં તો તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં પણ આ ઉપરાંત બીજા અનેક પુરસ્કારોથી તેમને નવાજવામાં આવ્યા છે. શુભા મુદ્ગલનો જન્મ અલ્હાબાદમાં થયો છે. તેમની માતા અને પિતા પણ શાસ્ત્રીય સંગીતમાં ઊંડો રસ દાખવે છે. આ કારણે બાળપણમાં તેઓએ શુભા મુદ્ગલ અને તેમની બહેનને શાસ્ત્રીય નૃત્ય કથકની તાલીમ અપાવી હતી. જોકે શુભાને નૃત્યમાં ક્યારેય રસ હતો નહીં. એક વખત જ્યારે તેમના નૃત્ય ગુરુએ તેને સવાલ કર્યો કે તમે કયા ઘરાનાનું કથક નૃત્ય કરો છો? ત્યારે તેના જવાબમાં શુભા મુદ્ગલે કહ્યું કે હું મારી પોતાની શૈલીનું કથક નૃત્ય કરું છું. ત્યારબાદ તેણીએ શાસ્ત્રીય નૃત્ય છોડીને શાસ્ત્રીય સંગીત તરફ પોતાની પસંદગી ઉતારી, પણ તેણીએ તેનું વ્યક્તિગત વલણ પહેલા જેવું જાળવી રાખ્યું. તેમાં તેમના પ્રથમ ગુરુ અલ્હાબાદનાં રામશ્રેય ઝા હતા. આમ તેમણે ૧૯૮૦નાં દાયકામાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ગાયિકા તરીકે પ્રથમ ડગ માંડયાં અને આગળ જતાં તેણી પ્રતિભાશાળી ગાયિકા તરીકે ચોક્કસ પ્રતિષ્ઠા મેળવી. દિલ્હીમાં તેમણે લલિત કલાના પ્રસિદ્ધ શાળા ગંધર્વ મહાવિદ્યાલયના સ્થાપક એવા પંડિત વિનય ચંદ્ર મૌદગ્લ્ય હેઠળ સંગીતની તાલીમ લીધી.
cine@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સંગીતના મહારથીઓના સૂરીલા સુરતાલ appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/musicians-surrender/
via Best Gujarati News
0 Comments