આવનારા દાયકામાં શું આ ત્રણ હીરોનું સામ્રાજ્ય હશે?
સિનેમેટિક :- એમ. એ. ખાન
સિનેજગતમાં દરેક તબક્કે ત્રણ હીરો એવા રહ્યા છે કે જેમનું સામ્રાજ્ય સમગ્ર સિનેજગત પર હોય. આમ તો દરેક દાયકામાં અનેક સારા હીરો જોવા મળ્યા છે. એમની ફિલ્મો હિટ કે સુપર હિટ પણ થઈ છે. છતાં આપણે એવા હીરો લોકોની વાત કરીએ છીએ જેમના નામે એ જમાનામાં ફિલ્મો વેચાઈ જતી હોય. દરેક દાયકાના હીરો ત્યાર પછીના દસ-વીસ વર્ષ સુધી સિનેજગતમાં ટકી રહ્યા હોય અને એક પછી એક અનેક સફળ ફિલ્મો આપી હોય એવા ડઝનબંધ નામ છે, પરંતુ આપણે ફક્ત એવા ત્રણ હીરોની વાત કરી રહ્યા છીએ જેમણે એ દાયકામાં બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હોય. સિનેજગતમાં એમના નામની બોલબાલા રહી હોય.
શરૂઆત ૧૯૩૦થી ૧૯૪૦ના દાયકાથી કરીએ તો એ જમાનામાં અશોકકુમાર, કે.એલ.સાયગલ અને પૃથ્વીરાજ કપૂરનો દબદબો હતો. એમના નામની ચર્ચાઓ હતી. લોકો એમના નામથી જ ફિલ્મો જોવા જતા હતા. ૧૯૪૦થી ૫૦ના દાયકામાં ચન્દ્ર મોહન, સોહરાબ મોદી અને વી. શાંતારામનો દબદબો રહ્યો. એ પછી ૧૯૫૦થી ૬૦ના દાયકામાં દિલીપકુમાર, રાજ કપૂર અને દેવ આનંદનો જમાનો આવ્યો. ૧૯૬૦થી ૭૦નો દાયકો શમ્મી કપૂર, રાજેન્દ્રકુમાર અને રાજેશ ખન્નાનો બની રહ્યો.
૧૯૭૦થી ૧૯૮૦ના દાયકામાં ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન અને સંજીવકુમારનો જમાનો હતો. એ પછી ૧૯૮૦થી ૧૯૯૦ના દસ વર્ષ અનિલ કપૂર, જેકી શ્રોફ અને રિશી કપૂરનાં બની રહ્યાં. ૧૯૯૦થી ૨૦૦૦ના દાયકામાં સિનેજગત ઉપર ખાન ત્રિપુટીનું સામ્રાજ્ય રહ્યું. શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાનના નામના સિક્કા પડતા રહ્યા. આ ત્રિપુટી આમ તો છેક હમણાં સુધી સિનેજગત પર રાજ કરતી રહી હતી, પરંતુ એમના દાયકા જેવો દબદબો નહોતો રહ્યો. ૨૦૦૦થી ૨૦૧૦ના દાયકામાં અજય દેવગણ, રિતિક રોશન અને રણબીર કપૂર સિનેજગત પર છવાયેલા રહ્યા હતા. એ પછી ૨૦૧૧થી ૨૦૨૦નો દાયકો રણવીરસિંહ, અક્ષયકુમાર અને ઈરફાન ખાનનો ગણવો પડશે.
હવે પછી આરંભ થનાર ૨૦૨૦થી ૨૦૩૦ના દાયકામાં કોણ સિનેજગત પર રાજ કરતું હશે જાણો છો? આમ તો નિષ્ણાતો કહે છે કે હવેના દાયકામાં કોઈ સ્ટાર કે કલાકારનો દબદબો રહેશે જ નહીં. હવે પછી સિનેજગતમાં બેસ્ટ વાર્તા, શ્રેષ્ઠ પટકથા અને ઉત્કૃષ્ટ રજૂઆતનું જ સામ્રાજ્ય રહેશે. એક રીતે જોઈએ તો આ ત્રણ ગુણોની ત્રિપુટીનું સામ્રાજ્ય આવનાર દાયકામાં સિનેજગત પર રહેશે. જોકે સાવ એવું નથી. આવનારા દાયકામાં સિનેજગત પર રાજ કરવા માટે બળકટ અભિનેતાઓ મેદાનમાં આવી ચૂક્યા છે અને એક પછી એક અનેક હિટ-સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યા છે. એવો એક હીરો છે, રાજકુમાર રાવ. એની ખરી અટક યાદવ છે, પરંતુ પડદા માટે તેણે રાવ અટક અપનાવી છે. એ પોતાના સાદગીભર્યા, પરંતુ બિલકુલ વાસ્તવિક લાગે એવા અભિનય માટે નેશનલ એવોર્ડ, ત્રણ ફિલ્મફેર એવોર્ડ અને એશિયા પેસિફિક સ્ક્રીન એવોર્ડ જીતી ચૂક્યો છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયૂટનો ૨૦૦૮નો આ ગ્રેજ્યુએટ ૨૦૧૦માં લવ સેકસ ઔર ધોખા ફિલ્મથી સિનેજગતમાં આવ્યો અને અનેક ફિલ્મોમાં સાવ નાના-નાના રોલ કર્યા. કાઈપો છે ફિલ્મથી એ બધાના ધ્યાનમાં આવી ગયો હતો. પછી શાહિદ ફિલ્મથી એ ખૂબ વખણાયો. એને નેશનલ એવોર્ડ પણ મળ્યો. કંગનાની ફિલ્મ ક્વીન અને સોનમની ફિલ્મ ડોલી કી ડોલીમાં નાની ભૂમિકાઓમાં તે ચમકી ઉઠયો હતો. એ પછી અલીગઢમાં એણે બેસ્ટ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મેળવી લીધો. ટ્રેપ્ડ ફિલ્મ માટે પણ બેસ્ટ એક્ટરનો ક્રિટિક્સ એવોર્ડ મેળવી લીધો. જોકે બંને ફિલ્મો બોકસ ઓફિસ પર ખાસ ચાલી નહોતી. બોઝ અને ઓમેર્તા ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ, પરંતુ રાજકુમાર રાવનો અભિનય ઝળકી ઉઠયો. ન્યૂટન ફિલ્મ માટે તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી ગઈ.
રાજકુમાર રાવને બરેલી કી બરફી ફિલ્મથી પ્રેક્ષકો ઓળખવા લાગ્યા. આ ફિલ્મ માટે પણ ફિલ્મફેરનો બેસ્ટ સહાયક અભિનેતાનો એવોર્ડ મેળવી લીધો. એ પછી શાદી મેં જરૂર આના અને સ્ત્રીમાં એની લોકપ્રિયતામાં વધારો થયો. એક લડકી કો દેખા તો ઐસા લગામાં એનો અભિનય વખણાઈ રહ્યો છે. હવે પછી એ મેન્ટલ હૈ ક્યા?, મેડ ઈન ચાઈના, તુર્રમ ખાન, રૂહ અફઝા અને અનુરાગ બસુની રોમેન્ટિક કોમેડી કરી રહ્યો છે.
બીજો આવો સ્ટાર છે, આયુષ્યમાન ખુરાના. ટ્રેઈનમાં ગીતો ગાવાથી માંડીને ગાયક બનવા સુધી અને ફિલ્મોમાં જે મળે એ ભૂમિકા કરવાથી માંડીને લોકપ્રિય અભિનેતા બનવા સુધી આયુષ્યમાન ખુરાનાએ ખૂબ મહેનત કરી છે. અનેક ફિલ્મોમાં જાતજાતની ભૂમિકાઓ કર્યા પછી તેને વિકી ડોનરથી ઓળખ મળી અને ઝોર લગા કે હઈસાથી લોકપ્રિયતા મળી ગઈ. શુભ મંગલ સાવધાન અને બધાઈ હોમાં એને પહેલી વખત જોરદાર લોકપ્રિયતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. અંધાધુન ધાર્યા પ્રમાણે સફળ નથી થઈ, પરંતુ હવે એની ગાડી સતત સફળતાઓ જ મેળવશે એમાં શંકા નથી. તે ડ્રીમ ગર્લ, આર્િટકલ ૧૫ અને બાલા જેવી ફિલ્મોમાં આવી રહ્યો છે.
ત્રીજો આવો સ્ટાર છે, વિકી કૌશલ. ઉરિ પછી એની ઓળખાણ આપવાની જરૂર નથી રહી. આ અગાઉ એ મસાનમાં અને લવ પર સ્ક્વેર ફૂટ ફિલ્મોમાં જબરજસ્ત અભિનય કરીને બધાનું ધ્યાન ખેંચી ચૂક્યો છે. આલિયા ભટ્ટની ફિમ રાઝીમાં નાની ભૂમિકામાં પણ ઝળકી ગયો હતો. રણબીર કપૂરની ફિલ્મ સંજુમાં સંજય દત્તના ગુજરાતી દોસ્ત કમલી તરીકે એ બધાના હૃદયમાં વસી ગયો હતો. ઉરિ પછી એની ટોચની લોપ્રિયતાની યાત્રા આરંભાઈ ગઈ છે. હવે પછી એ તખ્ત ફિલ્મમાં ઔરંગઝેબની નિગેટિવ ભૂમિકા કરી રહ્યો છે. આ ત્રણેય કલાકારો એક વાતે એકસમાન છે, ત્રણેય અભિનયમાં જાન રેડી દે છે, ત્રણેય અતિ નમ્ર છે અને માને છે કે ફિલ્મનો અસલી હીરો એની કથા-પટકથા હોય છે.
smakhan.cc@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આવનારા દાયકામાં શું આ ત્રણ હીરોનું સામ્રાજ્ય હશે? appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/in-the-coming-decade-what-is-tr/
via Best Gujarati News
0 Comments