ટેક્સ પ્લાનિંગ : મુકેશ પટેલ

  • પબ્લિક પ્રોવિડન્ટ ફંડની યોજના, અસરકારક કરવેરા આયોજનનો લાભ મેળવવા ઈચ્છતા પ્રત્યેક કરદાતા માટે  એક અત્યંત લાભદાયી યોજના છે ! PPF Accountમાં જમા રકમ દીવાની ટાંચ (Civil Attachment)થી મુક્ત છે, તે એની આગવી લાક્ષણિકતા છે.
  • આવકવેરાના કાયદાની કલમ ૧૦(૧૧) અન્વયે પબ્લિક પ્રોવિડન્ટ ફંડની વાર્ષિક જમા રકમ ઉપર મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ સંપૂર્ણપણે કરમુક્ત ગણાય છે.
  • પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં પ્રતિવર્ષ કરેલા રોકાણના સંદર્ભમાં કલમ ૮૦સીની જોગવાઈઓ હેઠળ કરદાતાને તેની કુલ ગ્રોસ આવકમાંથી કપાતનો લાભ મળે છે. વ્યક્તિએ પોતાના ખાતામાં અથવા પોતાના લગ્નસાથી કે સગીર કે પુખ્ત વયના બાળકના PPF ખાતામાં જમા કરાવેલ રકમના સંદર્ભમાં તેને આવકવેરા કપાતનો લાભ મળી શકે છે.

PPFમાં લઘુતમ અને  મહત્તમ રોકાણની મર્યાદાઓ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડના કાયદાની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ પ્રતિવર્ષ રોકાણ કરવા માટે ઓછામાં  ઓછા રૂ.૫૦૦ અને વધુમાં વધુ રૂ.૧,૫૦,૦૦૦ની મર્યાદા રાખવામાં આવી છે.

કલમ ૮૦સી હેઠળ કપાતને પાત્ર અન્ય રોકાણો જેવા કે જીવન વીમો, કે યુનિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સની સરખામણીમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડની યોજનાનો  સૌથી વિશિષ્ટ લાભ એ છે કે, ઉપરોક્ત જોગવાઈઓના સંદર્ભમાં  આ યોજનાઓમાં રોકાણ કરવાની રકમ, પ્રતિવર્ષ કરદાતા પોતાની વધતી ઓછી આવકને લક્ષમાં રાખીને તેને અનુરૂપ કપાતની જરૂરિયાત તથા બચત કરવા  માટે પોતાની નાણાકીય સગવડ અનુસાર લઘુતમ અને મહત્તમ મર્યાદાઓની વચ્ચે વધતા ઓછા પ્રમાણમાં  રોકાણ કરીને અસરકારક કરવેરા આયોજન કરી શકે છે. વળી કરદાતા PPFમાં  રોકાણ પોતાના હિસાબી વર્ષમાં  ગમે ત્યારે (વધુમાં વધુ બાર હપતાઓમાં), અર્થાત્ વર્ષના છેલ્લા દિવસે પણ કરી શકે છે. આમ PPFની યોજના આ Flexibility એ તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે.

PPFમાં નાણાંની વૃદ્ધિ તથા લોન અને ઉપાડની સગવડો

પબ્લિક પ્રોવિડન્ટ ફંડની યોજના અન્વયે રોકાણકારને ત્રીજા વર્ષથી માંડીને છઠ્ઠા વર્ષના અંત સુધી લોનની તેમજ સાતમા વર્ષથી માંડીને સોળમા વર્ષ સુધી ઉપાડની સગવડો મળી શકે છે. આ યોજનાની પંદર વર્ષની મુદ્દત પૂરી થતાં તેને પાંચ-પાંચ વર્ષની મુદ્દત માટે સ્વૈચ્છિક રીતે લંબાવી પણ શકાય છે અને તે સંજોગોમાં  પણ કરવેરા આયોજન તથા ઉપાડના લાભ મેળવી શકાય છે. PPFનું ખાતું કોઈ પણ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, નિયત રાષ્ટ્રીયકૃત બેન્કની શાખા, તમામ નિયત પોસ્ટ ઓફિસ તેમજ નિયત ખાનગી ક્ષેત્રની બેન્કમાં પણ ખોલાવી શકાય છે.

એચ.યુ.એફ.ના PPFના ખાતા સંબંધી મહત્ત્વની જોગવાઈઓ

૧૩મી મે, ૨૦૦૫થી અમલી બને તેમ જાહેર કરાયેલ નોટિફિકેશન અનુસાર એચ.યુ.એફ.ના નામે PPFનું નવું ખાતું ખોલી શકાશે નહીં. તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ સંદર્ભમાં, તે સમયે એવી પણ સ્પષ્ટતા કરાઈ હતી કે, ૧૩મી મે, ૨૦૦૫ અગાઉ એચ.યુ.એફ. દ્વારા ખોલવામાં  આવેલ. PPFનું ખાતું તેની નિયત પાકતી તારીખ સુધી ચાલુ રાખી શકાશે તેમજ એવા ખાતામાં નિયમ અનુસાર વાર્ષિક   રોકાણ પણ કરી શકાશે.

દૃષ્ટાંત સ્વરૂપે, ૧લી જાન્યુઆરી ૨૦૦૫ના રોજ કોઈ એચ.યુ.એફ.નું ખાતું ખોલવામાં આવ્યું હોય, તો તેવા ખાતાને ૩૧મી માર્ચ, ૨૦૨૦ સુધી કોઈ પણ અવરોધ વિના ચાલુ રાખી શકાશે, તેમજ તેવા ખાતામાં નિયત નિયમો અનુસાર પ્રતિ વર્ષ રોકાણ  પણ એચ.યુ.એફ. દ્વારા કરી શકાશે.

એચ.યુ.એફ. દ્વારા તેના સભ્યના ખાતામાં PPF રોકાણ કલમ ૮૦સી હેઠળ કપાતને પાત્ર ગણાય ?

૧૩મી મે, ૨૦૦૫થી અમલી PPFમાં કરાયેલા સુધારા અનુસાર, એચ.યુ.એફ.ના નામે PPFનું નવું ખાતું ખોલી શકાતું નથી પરંતુ કલમ ૮૦સીની જોગવાઈઓ હેઠળ જો કોઈ એચ.યુ.એફ. દ્વારા તેના સભ્યના PPFના ખાતામાં રોકાણ કરવામાં આવે, તો  તે સંબંધી કપાત મળી શકે તેવી જોગવાઈમાં હજુ સુધી કોઈ સુધારો કરાયો નથી. આને અનુલક્ષીને, એચ.યુ.એફ.ના નામે ભલે કોઈ PPFનું નવું ખાતું ખોલી શકાય તેમ ન હોય, પરંતુ એચ.યુ.એફ.ના કોઈ પણ સભ્ય (તેના સગીર પુત્ર/પુત્રી તેમજ પૌત્ર/પૌત્રી સહિત)ના PPF ખાતામાં, એચ.યુ.એફ. દ્વારા કરાયેલ રોકાણના સંદર્ભમાં  એચ.યુ.એફ.ને કલમ ૮૦સીની કપાતનો લાભ જરૂરથી મળી શકે.

NRIના PPF ખાતા સંબંધી આટલું ખ્યાલમાં રાખશો !

૨૫મી જુલાઈ, ૨૦૦૩ના રોજ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં કરાયેલ સુધારા અનુસાર, તે તારીખથી NRIના કેસમાં PPFનું ખાતું ખોલી શકાશએ નહીં તેવી જોગવાઈ કરવામાં  આવી હતી. અલબત્ત, આ સાથે એવી પણ મહત્ત્વની છૂટછાટ આપવામાં આવી કે ૨૫-૭-૨૦૦૩ અગાઉ ખોલવામાં આવેલ NRIના PPFના ખાતાને પાકતી મુદ્દત સુધી ચાલુ રાખી શકાશે.

૩જી ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ અત્યંત વિવાદાસ્પદ બનેલ એક નોટિફિકેશન હેઠળ એવી જાહેરાત કરાઈ કે રોકાણકાર રહીશ હોય ત્યારે ખોલવામાં આવેલ PPF Account રોકાણકાર તે પછીથી NRI બને ત્યારે, બંધ થયેલું માની લેવામાં આવશે. આ દરખાસ્તની સામે ઉગ્ર રજૂઆતને લક્ષમાં લઈને ૨૩મી ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ ઉપરોક્ત નોટિફિકેશનનો અમલ સ્થગિત જાહેર કરવામાં આવ્યો. આ સંદર્ભમાં હાલમાં ૨૫મી જુલાઈ, ૨૦૦૩નું ઉપરોક્ત નોટિફિકેશન અમલી ગણાશે.

PPFનો વ્યાજનો અસરકારક દર

ઉપર જણાવ્યા મુજબ પબ્લિક પ્રોવિડન્ટ ફંડના રોકાણ ઉપર પ્રવર્તમાન ૮%ના દરે મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ કરમુક્ત હોવાથી તેમજ રોકાણની રકમ આવકવેરાના કાયદાની ૮૦સી હેઠળ કુલ ગ્રોસ આવકમાંથી કપાતને પાત્ર હોવાથી, વાસ્તવમાં PPF ઉપર વ્યાજનો વાસ્તવિક દર (break even rate of interest) પ્રમાણમાં વધુ મળે છે. જેમ કરદાતાની કરપાત્ર આવક વધુ ઊંચા સ્લેબમાં, તેમ વ્યાજનો અસરકાર દર ઉત્તરોત્તર વધુ ને વધુ.

PPFમાં રોકાણ સંબંધી મહત્તમ વ્યાજનો લાભ લેવાનું  આયોજન કરો !

PPFમાં રોકાણ સંબંધી પ્રવર્તમાન દરે વાર્ષિક ૮%નું  વ્યાજ મળવાપાત્ર છે. PPF સ્કીમના ક્લોઝ ૮માં જણાવાયા અનુસાર આ વ્યાજની ગણતરી પ્રત્યેક મહિનાની પાંચમી તારીખના અંતથી શરૂ કરીને તે મહિનાની છેલ્લી તારીખ વચ્ચે રોકાણકારના ખાતે જમા ઓછામાં ઓછી રકમ ઉપર વ્યાજની ગણતરી કરવામાં આવશે.

ઉપરોક્ત જોગવાઈને લક્ષમાં રાખીને, પ્રત્યેક શાણા રોકાણકારે તે જે મહિનામાં PPFનું રોકાણ કરવા માગતો હોય, તે મહિનાની પાંચમી તારીખ સુધીમાં  તેના ખાતામાં રોકાણ કરી દેવું જોઈએ. જો PPFના ખાતામાં  ચેક (સ્થાનિક અથવા બહારગામના) દ્વારા રોકાણ કરવામાં આવે, તો ચેકના ‘રિયલાઈઝેશન’ની તારીખને ‘ડિપોઝિટ’ની તારીખ તરીકે ગણવામાં આવશે તેવી સ્પષ્ટતા નાણાં મંત્રાલયના ૨૯મી માર્ચ ૨૦૧૦ના પરિપત્ર હેઠળ કરવામાં આવી છે. આમ PPFના ખાતામાં તમારું રૂ.૧,૫૦,૦૦૦નું  વાર્ષિક રોકાણ તારીખ ૫મી એપ્રિલ પહેલાં સ્થાનિક ચેક દ્વારા કરી દેવામાં આવે, તો તમને આખા એપ્રિલ મહિનાનું વ્યાજ મળવાપાત્ર થતાં રૂ.૧,૦૦૦નો લાભ થાય.

આ ઉપરાંત, એ પણ ખ્યાલમાં રાખશો કે તમારા સેવિંગ્સ બેન્ક અકાઉન્ટમાં આ રકમ આખું વર્ષ પડી રહે અને એપ્રિલમાં કરી શકાતા PPFના રોકાણને તમે નાણાકીય વર્ષના અંત અર્થાત્ માર્ચ સુધી વિલંબમાં રાખો, તો એક તરફ ૮%ના કરમુક્ત PPFના વ્યાજની સામે તમે માત્ર ૩.૫%ની આજુબાજુના કરપાત્ર સેવિંગ્સ બેન્કના વ્યાજની કમાણી મેળવો. આવા વિલંબના કારણે તમે રૂ.૧,૫૦,૦૦૦ ઉપર ૮%ના દરે રૂ.૧૨,૦૦૦ના કરમુક્ત વ્યાજના સ્થાને, અંદાજે રૂ.૫,૨૫૦ (સેવિંગ્સ બેન્કના ૩.૫%ના દરે)નું કરપાત્ર વ્યાજ મેળવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આવકવેરા આયોજન માટે રોકાણોનો બેતાજ બાદશાહ-પબ્લિક પ્રોવિડન્ટ ફંડ appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/income-tax-planning-for-investment/
via Best Gujarati News