વોટ્સએપ કોર્પોરેટ : કલ્પેશ શેઠ

‘પહેલી નજરે ઊંધી ખોપરીના માણસ જેવા વહેવાર કરનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને કરડી રહ્યા છે. અગાઉ પોતાના સ્વાર્થ ખાતર જગત જમાદાર બનીને ઇરાન પાસેથી ક્રૂડતેલની ખરીદી બંધ કરાવવાના  ફ્તવા કર્યા ત્યારે પણ ભારતની તિજોરીને કાણાં પડવા માંડયા હતા. પણ માથે ચૂંટણીઓ આવતી હોવાથી મોદીજીના પ્રતિનિધિઓ એ સમયે ભારતને ક્રૂડની આયાત ભારે ન પડે તે માટે અમેરિકાને રાજી કરી આવ્યા તે સમયે ભારત સહિત આઠ દેશોને છ મહિના માટે ઇરાન પાસેથી ક્રૂડતેલની ખરીદીની પરમિશન લઇ આવ્યા.  હવે એ છ મહિનાનો સમય પણ પુરો થાય છે અને મોદીજી નો ચૂંટણીઓનો સમય પણ ..! તેથી ટ્રમ્પ સાહેબે ફ્રી જાહેરાત કરીને ઇરાન પાસેથી ક્રૂડતેલની આયાત બંધ કરાવી. હવે સવાલ એ છે કે આ નિર્ણય ભારત તથા ઇરાનને કેટલો મોંઘો પડશે અને તેનાથી  અમેરિકાને શું લાભ થશે..!

એનાલિસ્ટોના મતે આ પગલાંથી ભારતના રિફઈનરોને જ ૨,૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન જશે. ઇરાનનું ક્રૂડતેલ વૈશ્વિક બજારમાં વેચાવાનું બંધ થાય તો  ભારત જ નહીં વૈશ્વિક સમુદાયને તેની અસર પડે તેમ છે. કારણ કે આ અહેવાલો આવ્યા કે તુરત જ ક્રૂડતેલના ભાવમાં ઊભરા આવવા માંડયા હતા. ક્રૂડતેલના ભાવ ૭૫ ડોલરની સપાટી કુદાવી ગયા  એટલે સ્વાભાવિક રીતે જ જનતા ટેન્શનમાં આવી જાય  પણ મોદીજી અને તેમના વિરોધીઓ હાલમાં જનતા પાસે વોટ માગવા નીકળ્યા છે તેથી ટ્રમ્પ સાહેબ પાસે રાહત માગવા જવાનો તેમને સમય નથી અથવા તો તેમનો સમય પૂરો થઇ ગયો છે.

ભારતની કુલ ક્રૂડતેલની જરૂરિયાતનો ૧૦ ટકા હિસ્સો એટલે કે આશરે ૨૪૦ લાખ ટન ક્રૂડતેલ ઈરાન પાસેથી ખરીદતું હતું. જેનું ચુકવણું રૂપિયામાં થઇ શકતું હોવાથી ભારત તથા ભારત બાસમતી ચોખા, ઘઉં તથા પશુ આહાર જેવી વસ્તુઓની નિકાસ કરી શકતું હોવાથી ભારતને મોટો ફયદો થતો હવે જે હવે બંધ થતા ભારત તથા ઇરાન બંને દેશોને નુકસાન સહન કરવું પડશે. આ ચાલમાં અમેરિકાના ટેક્સાસના ક્રૂડતેલ તથા ગેસની નિકાસમાં ૪૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકન સરકારી સંસ્થાના આંકડા પ્રમાણે વર્ષ-૨૦૧૮માં અમેરિકાએ ૩૮.૬૭ અબજ ડોલરના ક્રૂડતેલની નિકાસ કરે છે જે વર્ષ ૨૦૧૭ ની નિકાસ કરતા ૧૨૭ ટકાનો ઉછાળો દેખાડે છે. હવે સૌને સમજાશે કે ટ્રમ્પ સાહેબ ઇરાનને ક્રૂડતેલના વૈશ્વિક બજારમાથી આઉટ કેમ કરી રહ્યા છે..!. યાદ રહે કે છેલ્લા થોડા સમયથી અમેરિકામાં શેલ કંપનીઓના સક્રિય કૂવાઓની સંખ્યા ધીમી ગતિએ વધીને ૧૦૩૮ સુધી પહોંચી છે.

વ્યવસાયિક વર્તુળોના મતે હવે ભારતને અમેરિકા પાસેથી પણ ક્રૂડતેલ ખરીવાની શક્યતા ઊભી થઇ શકે.  જેનો લાભ અમેરિકાને થશે. અગાઉ ઇરાન ભારતને ભાડામાં ઘટાડો, વીમાની રકમમાં રાહત પેમેન્ટમાં ક્રેડિટ જેવી સુવિધા હતું. તેથી અમેરિકા પણ બે થી ચાર ટકા ડિસ્કાઉન્ટ આપે તેવી સંભાવના છૈ. ભારત ઉપરાંત જાપાન, ચીન, કોરિયા, ઇટાલી, ગ્રીસ તથા ટર્કી જેવા દેશોને હવે તેમની ક્રૂડતેલની જરૂરિયાત પૂરી કરવા માટે OPEC દેશો પર મદાર રાખવો પડશે.  નિર્માણ થયેલા આ નવા સંજોગોએ અચાનક ક્રૂડતેલના ભાવને છ મહિનાની ટોચની સપાટી દેખાડી હતી. જોકે ત્યાર બાદ અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટયૂટ (API) નાં રિપોર્ટમાં જણાવાયું કે અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૬૮.૬૦ લાખ બેરલ વધ્યો છે. જેના કારણે ફ્રી ક્રૂડતેલના ભાવ ૭૦ ડોલરની સપાટીએ આવી ગયા હતા.

હવે જ્યારે ક્રૂડતેલના ભાવ ૧૦ ડોલર ઊંચકાય ત્યારે ભારતની રાજકોષીય ખાધ તેના GDPનાં સંદર્ભમાં ૦.૪ ટકા સુધીનો નવો બોજ સહન કરવો પડે છે. બેરલ દીઠ ૧૦ ડોલરના ઉછાળાના કારણે દેશના ફુગાવાના દરમાં ૦.૧૦ ટકા સુધીનો ઉછાળો જોવા મળે છે. આવા સંજોગોમાં જો RBI ને વ્યાજના દરમાં ફેરફર કરવો હોય  તો થઇ શકતો નથી. ઇકોનોમિસ્ટોની ગણતરી એવું કહે છે કે ક્રૂડતેલના ભાવમાં એક બેરલ દીઠ ડોલરનો વધારો દેશની તિજોરી પર નવો ૧.૪ અબજ ડોલરનો નવો બોજ નાખે છે.  મતલબ કે અમેરિકાનું ઈરાન સાથેનું વેર ભારતીય ઈકોનોમી પર કાળો કેર વર્તાવે છે..!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમેરિકા-ઈરાનનું વોર, ક્રૂડ ઇકોનોમીમાં કાળો કેર…! appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/donald-trump-saudi-arabia-make-up-for-oil-supply-after-new-iran-sanctions/
via Best Gujarati News