ચલના હી જિંદગી હૈ…
સ્વાસ્થ્ય સલાહ : શુભાંગી ગૌર
ચાલવું એ આપણાં જીવનની ફરજિયાત પ્રક્રિયા હોવી જોઇએ. જોકે હવેના સમયે આ પ્રક્રિયાને માણસે છેલ્લી પાટલીએ ધકેલી દીધી છે. આપણે આપણાં વાહન ઉપર એટલાં તો નિર્ભર થઇ ગયા છીએ કે નજીકમાં ક્યાંય દૂધની કોથળી લેવા જવાની હોય તો પણ વાહન વગર નથી જતા. એ વાત કબૂલ કે ઉનાળાના આકરા તાપમાં ચાલવું શક્ય નથી હોતું. પણ તમે બપોરે ચાલો એવું તમને કોઇ જ નથી કહેતું. સવારના સમયે થોડું વોકિંગ કરો, રાત્રિના સમયે ચાલો, તમને એવું લાગે કે બહાર ચામડીને દજાડે નહીં તેવું વાતાવરણ છે. ત્યારે ચાલવાનું રાખવું. પણ ચાલવું જરૂરી છે. મહત્ત્વની વાત જ આ છે. આપણા મગજમાં અત્યારે એ માનસિકતા ઠસી ગઇ છે કે ચાલવું કે મહેનત કરવી એ માત્ર જરૂરિયાતમંદ લોકો જ કરે છે. વેલ ખરેખર એવું નથી. શરીરની ઘણી એવી મુશ્કેલીઓ છે જે ચાલવાથી દૂર થાય છે. હવેનો સમય એવો આવી રહ્યો છે કે આવનાર પેઢીના બાળકોને અમુક સમયથી વધારે ઊભા રહેવું પડશે તો પણ તેઓ બેસી નહીં શકે. પહેલાં આવું નહોતું. પહેલાના સમયમાં બાળકો કેટલાંય કિલોમીટર ચાલીને પોતાની સ્કૂલે કે કોલેજ ભણવા જતા. જો આપણાં વડીલ આપણને પોતે કેટલું ચાલ્યા છે એવા કિસ્સા સંભળાવે તો ખરેખર આપણને આશ્ચર્ય થાય કે શું આ શક્ય છે? અલબત્ત તે શક્ય છે જ, અને હતું જ. એટલે જ આપણા વડીલો આટલી ઉંમરે પણ તંદુરસ્ત છે, જ્યારે આપણે તો થોડીવાર ઊભા રહેવું પડે તો પણ આપણને થાક લાગવા માંડે છે. જેમ જેમ સગવડતાં વધતી જાય છે તેમ તેમ આપણું શરીર આળસુ બનતું જાય છે. અને તેમ તેમ આપણી તંદુરસ્તી વધારે બગડતી જાય છે. આમ જોવા જઇએ તો આપણે ઇતિહાસની સૌથી ઓછી ચાલતી પેઢી છીએ. તો તમે વિચારો કે આગામી પેઢી વિશે શું કહેવાશે.
ખરેખર ચાલવાથી શરીર ખૂબ જ તંદુરસ્ત રહે છે. જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણાં શરીરમાં વહેતો રક્તપ્રવાહ વધારે સ્પીડમાં વહેવા લાગે છે. આના કારણે શરીરના ખૂણે ખૂણે રક્ત પહોંચે છે અને તેને કારણે કોઇ જગ્યાએ દુખાવો થવાની તકલીફ હોય તો તે દૂર થાય છે. ચાલવાથી વજન ઘટાડવા ઇચ્છતા લોકોને પણ ખૂબ ફાયદો થાય છે. રોજ અડધો કલાક ચાલવાથી ભોજન સરખું પચી જાય છે અને વજન આપોઆપ ઘટવા લાગે છે. એટલું જ નહીં ચાલવાથી માંસપેશીઓમાં હલનચલન થાય છે, તે લચીલી બને છે અને તેમાં રક્ત પ્રવાહ વધે છે. આ રક્ત પ્રવાહની ગતિ વધતાં માંસપેશીમાં ચોંટેલો કચરો તે રક્ત તેની સાથે સાથે લેતું જાય છે, અને શરીરની બહાર તેને ફેંકી દે છે. ચાલવાથી શરીરમાં આનંદ આપતાં રાસાયણ સેરેટોનીનનો સ્રાવ વધે છે. જેનાથી આપણો તણાવ દૂર થાય છે અને આપણે ખુશ રહેવા લાગીએ છીએ.
ચાલવાથી આંતરડાની મૂવમેન્ટ વધે છે, જેને કારણે અપચાની તકલીફ તેમજ કબજિયાતની તકલીફમાં રાહત મળે છે. તેમજ ચાલતા સમયે શુદ્ધ હવા શ્વાસમાં જતાં એસિડિટીની તકલીફમાંથી પણ છુટકારો મળે છે. જેને એસિડિટીની સીવીયર તકલીફ હોય તેણે રેગ્યુલર એક મહિના સુધી ચાલવું જોઇએ. જો તમે લાંબા શ્વાસ લેતાં લેતાં એક મહિના સુધી ચાલશો તો ચોક્કસપણે એસિડિટીની તકલીફ દૂર થઇ જશે. જો તમે વ્યાયામ કરવાનું પસંદ ન કરતા હોવ, કે તમને તેનો સમય ન મળતો હોય તો તેના બદલામાં ચાલવું એ ખરેખર શ્રેષ્ઠ ઉપાય બની રહેશે. વધારે નહીં તો રોજ કમ સે કમ ૩ કિલોમીટર અથવા તો દસ હજાર ડગલાં ચાલવાના ક્રમને ફરજિયાત બનાવી દો. આ ક્રમ તમને લાંબેગાળે ખૂબ ખૂબ ખૂબ ઉપયોગી નિવડશે.
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચલના હી જિંદગી હૈ… appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/variable-hi-zindagi-hai/
via Best Gujarati News
0 Comments