કુપોષણ અનેક રોગોનું કારણ બની શકે
હેલ્થ ઇઝ વેલ્થ : નેહા ચૌહાણ
મનુષ્યનું શરીર રોગનો ભોગ બે રીતે બને છે.
(૧) શરીર ઉપર બહારથી થતાં જીવાણુઓ-વિષાણુઓનાં આક્રમણ દ્વારા, અને…
(૨) શરીરમાં પોષણની ઊણપને કારણે સ્વયંભૂ ઉદ્ભવતા રોગો દ્વારા.
ન્યુમોનિયા અને ઝાડા-ઊલટી પછીના, બાળકોના ત્રીજા નંબરના દુશ્મન એટલે પોષણની ઊણપના ખોળે જન્મ લેતા રોગો. આ વિષયને વિસ્તારથી સમજીએઃ
બાળકનું (મનુષ્યનું) શરીર હાડકાં, સ્નાયુઓ, ચરબી, ચામડી તથા લોહીનું બનેલ હોય છે. હાડકાંને હાડકાં જેવાં નક્કર બનાવવા કેલ્શિયમ જોઈએ, સ્નાયુઓને ફૌલાદી બનાવવા પ્રોટીન જોઈએ, લોહીને લાલચટ્ટાક રાખવા (લોહતત્ત્વ) હીમોગ્લોબિન જોઈએ અને કેટલાક અવયવોની કાર્યક્ષમતા ટકાવી રાખવા તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા-ટકાવવા વિટામિન્સ જોઈએ. આવાં દરેક તત્ત્વો જો શરીરને મળતાં રહે તો જ શરીર તંદુરસ્ત રહે, નહીં તો તે તંદુરસ્તી ગુમાવે અને રોગોની હડફેટમાં આવે.
પોષણની ઊણપથી થતા રોગો વિશે ટૂંકાણમાં જાણકારી મેળવીએ તે પહેલાં કેટલીક કડવી વાસ્તવિક્તા તરફ નજર નાખીએઃ
૧. તંદુરસ્ત બાળકમાં રોગથી મૃત્યુ થવાની સંભાવના હોય તે કુપોષણથી પીડાતા બાળકમાં બેવડાય છે. પોષણની ઊણપ જો નોંધપાત્ર માત્રામાં આગળ વધી ચૂકી હોય તો મૃત્યુ થવાની સંભાવના ત્રણગણી અધિક થઈ જાય છે! અને કુપોષણ જો ગંભીર સ્વરૂપે ઘર કરી ગયું હોય તો, રોગથી થતાં મૃત્યુનું પ્રમાણ, તંદુરસ્ત બાળકની સરખામણીએ આઠગણું અધિક જોવા મળે છે!
જાગ્રત વાચકના મનમાં એવો પ્રશ્ન ઊભો થયો કે, ફૂલથીયે અધિક કોમળ એવાં બાળકોની પોષણ જેવી પ્રાથમિક જરૂરિયાતને સંતોષવા આપણે કાચા કેમ પડીએ છીએ?
જવાબ એવો હોઈ શકેઃ આપણો દેશ પૂર્ણ વિકસિત નથી, આપણે ગરીબ છીએ. આ જવાબ નહીં પણ બહાનું કહેવાય, આવા બહાના હેઠળ આપણે છટકી ન શકીએ. ખરું પૂછો તો કુપોષણ એટલે પોષણ વિશેની આપણી અજ્ઞાનતાનું અનૌરસ સંતાન. કુપોષણ કે અપૂરતા પોષણથી કથળતા બાળઆરોગ્ય માટે ગરીબી નહીં, પરંતુ બાળઉછેર વિશેનું આપણું અલ્પજ્ઞાન જવાબદાર હોય છે.
બાળઆહાર મુખ્યત્વે માતાની જવાબદારીના ક્ષેત્રમાં આવે છે. આ જવાબદારીમાં જાણકારી ભળે તો જ ભલીવાર વળે. ચતુર અને સુજાણ માતા કુપોષણનાં લક્ષણો વહેલી તકે ઓળખી કાઢે અને ડોક્ટરની સલાહ પ્રમાણે બાળઆહારમાં પોષક તત્ત્વોની આર્પૂિત કરે તો બાળકને પોષણની ઊણપ (કુપોષણ)થી બચાવી શકાય.
કુપોષણનાં લક્ષણો
- બાળકનું વજન વધતું અટકી જાય અથવા તેના વજનમાં સંતોષકારક ઈજાફો ન થાય તો તે કુપોષણનો ભોગ બન્યું છે, એવું અંદાજિત તારણ કાઢી શકાય.
- તેના સ્નાયુઓ દુર્બળ અને ઢીલાઢફ લાગે, હાથનો માંસલ બાંધો અને પગની પિંડીઓ સીધી અને સપાટ લાગે.
- પેટ બહાર લચી પડે. હાથ પગ દોરડી પેટ ગાગરડી!
- માથાના વાળ ભૂખરા અને બરછટ થઈ ગયા હોય.
- ચામડી અને ચહેરો ફિક્કા લાગે.
- હાથપગના છેડા ઉપર સોજા આવવા લાગે.
- આંખો નિસ્તેજ અને ડહોળી લાગે.
- પગ વચ્ચેથી વળેલા ધનુષ્ય આકારના લાગે.
- મોઢું વારંવાર આવી જાય, જીભ ઉપર ચાંદાં પડે.
- તે ધૂળ, માટી, ઠીકરાં, ચીંથરાં ખાવા લલચાય.
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કુપોષણ અનેક રોગોનું કારણ બની શકે appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/malnutrition-many-diseases-cause/
via Best Gujarati News
0 Comments