મનોવૃત્તિ :  ડો. નમિતા ગાંજાવાલા

દેશ આખામાં ઇલેક્શનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઇલેક્શનનાં કારણે અનેક બદલાવ આવતા હોય છે. આ સમય ખૂબ મહત્ત્વનો હોય છે. તેનાથી જે તે દેશનું ભવિષ્ય નક્કી થતું હોય છે. નેતાઓનું કરિયર પણ આ સમયે દાવ પર લાગેલું હોય છે. હાલના પી.એમ. ફરી પસંદગી પામશે  કે કોઈ બીજાને ચાન્સ મળશે? હાલના સમયમાં આ એક મોટી ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે. આવા સમયે લોકોની મનોસ્થિતિમાં પણ અનેક બદલાવ આવતા હોય છે.

રોહિતભાઈની વાત કરીએ. તે અમારી બાજુની સોસાયટીમાં જ રહે. સ્વભાવ એકદમ મિલનસાર, હસમુખા. પોતાની સોસાયટીમાં તે પ્રમુખ પણ ખરા. સોસાયટીમાં થતી નાની મોટી તકલીફો, ઝઘડા વગેરે તે ખૂબ સમજદારીથી પતાવે. બંને પક્ષનું માન રાખે. પણ, જે સાચું હોય, તેનો જ સાથ આપે. ઇલેક્શન અને પોલિટિક્સમાં તેમને ઘણો રસ. તેમાં જ્યારથી હમણાં ઇલેક્શનનો માહોલ છે, તેમનું વર્તન કંઈ બદલાઈ ગયું હોય, તેવું લાગે છે. સવાર સવારમાં એકદમ વહેલા ઊઠી જાય. પહેલાં કરતાં વધારે એનર્જી તેમનામાં આવી ગઈ હોય, તેવું લાગે. ઓફિસ હોય કે, રોજ સાંજે તેમના મિત્રોની ટોળી હોય, તે આ જ વિશે સતત વાતો કર્યાં રાખે. કોઈ જો સામે જરા સરખું પણ તેમની સાથે સહમત ના થાય, તો તે તેની સાથે લડવાના મોડમાં જ આવી જાય. તેમના અભિપ્રાયો જ સાચા. તે જે માને છે, તે જ યોગ્ય છે. બીજાને બોલવા જ નહીં દે. જરા સરખા પણ જો નવરા પડે, તો ઇલેક્શનને લાગતાં ન્યૂઝ જોયે રાખશે. બીજે કશે બહાર જવા આવવાનું, સોશિયલ થવું તેમનું સદંતર બંધ થઇ ગયું. તેમની નજીકના વ્યક્તિઓને તેમનામાં આવેલ બદલાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પણ, તે પોતે આ વાત માનવા તૈયાર નહોતા. તેમની ઘરવાળીને તરત ખ્યાલ આવી ગયો. આવું પહેલી વાર નથી બન્યું. આગળ પણ જ્યારે જ્યારે ઇલેક્શનનો સમય આવે, ત્યારે ૧-૨ મહિના માટે, તેમનામાં આ બદલાવ આવતો!

ઇલેક્શનનો સમય આમ પણ ખૂબ જ નાજુક સમય હોય છે. દરેક પાર્ટી જીતવા માટેના અનેક ફેર્મ્યુલાઓ અપનાવતી હોય છે. આ સમયે અનેક લોકો એવા પણ જોવા મળશે, કે જેને ઇલેક્શન આવે કે જાય, કોણ જીતે કે કોણ હારે કશો ફર્ક નથી પડતો. તો કેટલાય લોકોને ઇલેક્શનની દરેક નાની-નાની વાતોથી પણ ખૂબ ફરક પડતો હોય છે. તેમનું મન સતત કઈ પાર્ટીમાં કોણ જોડાયું, કોણ છોડી ગયું? શા માટે આવું થયું? તેના તર્ક – વિતર્કમાં જ અટવાયેલું રહેતું હોય છે. ઇલેક્શન પૂરું થઇ ગયા બાદ પણ, કોણ જીતશે? તેમાં તેમનું મન અટવાયેલું રહે. ઇલેક્શન ઇલેક્શન, તેમના મનમાં બીજી કોઈ વાત આવે જ નહીં. તેમાં ઘણીવાર તેમનું બ્લડ પ્રેશર વધી જાય, હૃદયનાં ધબકારા વધી જાય, શ્વાસ ચડે, ગભરામણ થાય, જેવાં અનેક લક્ષણો આવી જાય. આ જ વિચારોમાં અનેકની તો ઊંઘ પણ અનિયમિત થઇ જાય કે ઊડી જાય, એવું પણ બને. ઇલેક્શન જાણે કે તેમના પોતાના ઘરમાં કે જીવનમાં જ થવાનું હોય, તેવું તેમનું વર્તન થઇ જાય.

જો કોઈ ઉમેદવારને ટિકિટ નહીં મળે, તેમાં તે સ્ટ્રેસમાં આવી જાય, તેવું આપણે જોયું અને સાંભળ્યું જ છે. તેવા સમયે, તે અણ- છાજતું વર્તન કરી બેસે છે. જેમાં તે આક્રોશમાં આવી જાય, બીજા માટે એલફેલ બોલી નાખે, ગમે તેમ વર્તન કરી નાખે.. આવા સમયે જે તે વ્યક્તિએ પોતે કાબૂ ના ગુમાવી દે અને યોગ્ય સામાજિક વર્તન થઇ શકે, તેનું ખૂબ ધ્યાન રાખવું રહ્યું!

એક ભાઈ હમણાં ક્લિનિક પર આવ્યા હતા. પહેલા તો ખૂબ શાંતિથી બેઠા હતા. પણ, જેવી તેમની સાથે ચર્ચા શરૂ થઇ, તે શું બોલે છે, તેનો ખ્યાલ જ ન આવે. તેઓ એવું માનતા હતા કે, તેઓ પોતે જ ગુજરાતના મુખ્ય મંત્રી છે, તેમણે ઇલેક્શનની ઘણી તૈયારીઓ કરવાની છે. બધા જ ઉમેદવારો સાથે તેમને જૂનો પરિચય છે. એટલું બધું તેમને કામ રહે છે કે, તેઓ રાત્રે ઊંઘી જ નથી શકતા! આ વિશે તેઓ ખૂબ જોર જોરથી બોલ્યે જ રાખતા. અટકવાનું નામ જ ના લે. માંડ માંડ તેમને શાંત પાડયા. હકીકતમાં તેઓ આમાંના કંઈપણ નહોતા. તે કોઈ એક મિલમાં નોકરી કરતા હતા. ઇલેક્શન સાથે કે તેના કોઇપણ ઉમેદવાર સાથે દૂર દૂર સુધી, તેમને કોઈ લેવા દેવા જ નહોતી. તેમને ઉન્માદ નામની માનસિક બીમારીએ ઉથલો માર્યો હતો. જે માટે તેમનો ઈલાજ શરૂ કરવામાં આવ્યો. આપણે એવા અનેક કિસ્સા સાંભળ્યા હશે કે, જેમાં મેચની નિર્ણાયક સ્થિતિમાં વ્યક્તિ એટલી હદે એક્સાઇટ થઇ જાય કે, તેને હાર્ટ એટેક પણ આવી જાય. એવું જ ઈલેક્શનના સમયમાં પણ બની શકે છે.

જે વ્યક્તિને પહેલેથી જ માનસિક બીમારી હોય, તેમની તકલીફ આ સમયે વધી જાય, એવુંય બને. સ્ટ્રેસવાળા વાતાવરણને કારણે, વ્યક્તિની શારીરિક તકલીફો પણ વધતી જોવા મળે છે. ઇલેક્શન પૂરું થઇ ગયા બાદ, તેના પરિણામ આવે ત્યાં સુધી, તેની અસર જોવા મળી શકે છે. અમેરિકામાં નવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા, ત્યારે લોકોમાં ઘણો આક્રોશ – વિરોધ જોવા મળ્યો હતો. જે તેનું તાજું જ ઉદાહરણ પૂરું પાડે છે. જો કે સમય જતા, તે શાંત પણ થઇ જાય છે.

ઇલેક્શન હોય ત્યારે, સામાન્ય વ્યક્તિ કે કોઇપણ બીજી વ્યક્તિ, સારો બદલાવ આવે તેની અપેક્ષા રાખતો હોય છે. આજના સમયમાં વ્યક્તિ માત્રનો ઇલેક્શન માટેનો અભિગમ પણ બદલાયો છે. પહેલા લોકો વોટ આપવા જાય, તેની સરખામણીમાં આજે વધુ સંખ્યામાં જાય છે. તેમની ટકાવારી વધી છે. તેમની આ માટેની સમજ પણ વધી છે. જે હકારાત્મક બદલાવ લાવવા માટે જરૂરી પણ છે. આવા સમયે વ્યક્તિ માત્રએ પોતાનાં સ્વાસ્થ્યનું – શારીરિક હોય કે માનસિક, પણ ધ્યાન રાખવું ઘટે !

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચૂંટણી માનસિક સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડી શકે appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/election-mental-health/
via Best Gujarati News