ગ્રીષ્મમાં સ્વસ્થ કેમ રહેશો?
આરોગ્ય ચિંતન : વૈદ્ય મનુભાઈ ગૌદાની
આપણે જાણીએ છીએ કે દરેક ઋતુ પોતાની ખાસ વિશેષતા હોય છે. જેમ કે ગ્રીષ્મમાં પિત્ત અને રક્તની વિકૃતિઓ થાય છે. આ પિત્ત પ્રકોપની ઋતુ શરદ છે. છતાં પણ ગ્રીષ્મમાં પિત્ત વિકૃતિઓ જોવામાં આવે છે. એટલા માટે ખાસ કરીને ગ્રીષ્મમાં પિત્ત અને રક્તની વિકૃતિઓ ન થાય, એવા આહાર વિહાર દૈનિક જીવનમાં પ્રયોજવા જોઈએ.
ઋતુઓ પર આપણો કોઈ કાબૂ નથી. એટલે ગ્રીષ્મમાં જો વધારે પડતી ગરમી પડે, તો તેની અસર આપણા શરીર પર થવાની જ. આ અસરથી બચવા માટે સૌ પોતપોતાની રીતે ઉપાયો તો કરે જ.
ગ્રીષ્મમાં ખાસ કરીને જ લૂ લાગવી, અપચો, મંદાગ્નિ, અતિસાર, કોલેરા, પેટની વિકૃતિઓ, ઓરી, અછબડા, ચક્કર, બેહોશી, ટાઈફોઈડ, ફોડા, ફુન્સીઓ વગેરે ચામડીની વિકૃતિઓ વિશેષ જોવામાં આવે છે.
આ ઋતુમાં અત્યંત ગરમીને લીધે, પાચનક્રિયા નિર્બળ બને છે. એટલે વારંવાર અને માત્રાથી વધારે ખાવું ન જોઈએ. તમે જે પહેલાં પાંચ-છ રોટલી ખાતા હતા તે ગ્રીષ્મમાં ત્રણ-ચાર જ ખાવી જોઈએ છતાં પણ ભૂખ સંતોષાય ના તો એટલા પ્રમાણમાં ગ્રીષ્મના તાજાં ફળો જેવાં કે તરબૂચ, ટેટી, ફાલસા, શેતુર, કેરી વગેરેનો રસ પીવો જોઈએ. ગ્રીષ્મમાં છાશનું મહત્ત્વ સૌથી વધારે છે. છાશને આયુર્વેદમાં- પેટમાટે ઉત્તમ ટોનીક કહેવાયંુ છે. જે છાશનો છૂટથી ઉપયોગ કરે છે, તેની પાચન-પ્રણાલી ક્યારેય બગડતી નથી, છાશને આયુર્વેદમાં મૃત્યુલોકનું અમૃત કહેવાયું છે. શંકર ભગવાને હળાહળ ઝેર પીધું. એ વખતે સ્વર્ગમાં જો છાશ રૂપી અમૃત હોત તો તેનો કંઠકૃષ્ણ ન થાત, એવું પ્રાચીન ગ્રંથોમાં સ્પષ્ટ વિધાન છે. આ ઉપરથી છાશનું મહત્ત્વ સમજીને ગ્રીષ્મમાં તેનો વધારે ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદનું સૂત્ર છે કે, ‘અતિ સર્વત્ર વર્જયેત.’ એ પ્રમાણે છાશનો છૂટથી ઉપયોગ કરજો પણ ‘અતિ’ ન કરજો.
ગ્રીષ્મમાં આહાર પચવામાં હલકો, તાજો, મધુર, દ્રવ, સ્નિગ્ધ અને શીતળ ગુણવાળો હોવો જોઈએ. મઠો, રાયતુ, છાશ, ડુંગળી, લીંબુ અને કેરીનું શરબત લેવા જોઈએ. પેટના તમામ રોગો માટે ગ્રીષ્મમાં આદુ ઉત્તમ ગણાવાયું છે. ૧૦ ગ્રામ આદુના રસને ઠંડા પાણીમાં નાખીને શરબત બનાવી પીવું જોઈએ. અથવા તેમાં સાધારણ મીઠું નાંખીને લઈ શકાય. જો આ શરબતમાં એકથી દોઢ ચમચી ફુદીનાનો રસ ઉમેરાય તો તે વધારે ઉત્તમ ગણાય. કાચી કેરીને શેકીને તેનો રસ કાઢવો. એક ગ્લાસ શીતળ જળમાં બે ચમચી આ રસ અને જરૂર પ્રમાણે થોડો ગોળ ઉમેરી શરબત બનાવી પીધા પછી બહાર જવામાં આવે તો ગ્રીષ્મમાં લૂ લાગવાની બીક રહેતી નથી અને આંતરડાના રોગો દૂર થાય છે. લસણ ૨૦ ગ્રામ, આદુ ૨૦ ગ્રામ, અજમો ૨૦ ગ્રામ, કાળા મરી ૨ ગ્રામ, આમળા ૪૦ ગ્રામ, સિંધવ ૧૦ ગ્રામ. આ બધા ષધોનું મિશ્રણ કરી વાટીને ચણા જેવડી ગોળીઓ બનાવીને સૂકવી લેવી. જમ્યા પછી બબ્બે ગોળીઓ ગ્રીષ્મઋતુમાં લેવાથી ગ્રીષ્મજન્ય આંતરડાની અને પાચનતંત્રને લગતી વિકૃતિઓ થતી નથી.
આવી જ રીતે ગ્રીષ્મના પ્રખર તાપમાંથી તરત જ એરકન્ડિશન્ડવાળી જગ્યામાં ન જવું જોઈએ. અને એરકન્ડિશન્ડવાળી જગ્યામાંથી તરત જ પ્રખર તાપમાં ન જવું જોઈએ. આ વખતે થોડીવાર છાયે ઊભા રહ્યા પછી જ પ્રયાણ કરવું.
ધારો કે ગ્રીષ્મમાં લૂ લાગી જ જાય તો તરત જ શીતળ છાંયે સૂતાપછી આખા શરીરે કેરી અને ડુંગળીના રસનો લેપ શરીરે કરવો જોઈએ. અને ઈચ્છાનુસાર શીતળ જળ પ્રર્યાપ્ત માત્રામાં પીવું જોઈએ. ડુંગળીનો રસ ત્રણથી ચાર ચમચી દર ત્રણ કલાકે આપવો જોઈએ. સૌરાષ્ટ્રના ખેડૂતો ખેતી કામ પછી લૂ ન લાગે એટલે માટે બપોરના જમણ સાથે આંબલવાણું તથા છાશ અને ડુંગળીનો છૂટથી ઉપયોગ કરે છે. આંબલવાણું એટલે આમલી અને ગોળમાંથી બનતું સુમધુરામ્લ શીતળપીણું.
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગ્રીષ્મમાં સ્વસ્થ કેમ રહેશો? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/summer-healthy-why-stay/
via Best Gujarati News
0 Comments