ટાઇફોઈડની આધુનિક રસીથી દુખાવો નથી થતો
બાળઉછેર :- ડૉ. હર્ષદ કામદાર
ટાઇફોઇડ એ ‘સાલમોનેલા ટાયફી’ નામના સૂક્ષ્મ જીવાણુઓ-બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે. આ બેક્ટેરિયા ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. દૂષિત પાણી કે ખોરાક દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં આ બેક્ટેરિયા ફેલાય છે. સામાન્ય રીતે ૧૦થી ૧૪ દિવસ પછી તાવની શરૂઆત થાય છે. આંતરડામાંથી આ બેક્ટેરિયા લોહીમાં ભળી જઈ યકૃત (લીવર) નીચે પિત્તાશયમાં ભેગા થાય છે. આ વખતે દર્દીને સેપ્ટીક સ્ટેજમાં તાવ આવે છે. જો સારવાર બરાબર ન અપાય તો આ બેક્ટેરિયા લોહી મારફત હાડકાં, લીવર વગેરેમાં પરુ કરે છે. આંતરડામાં ચાંદા પડી કાણું પડી જવાના પણ બનાવ બને છે. આવા વખતે દર્દીની હાલત ગંભીર બની જિંદગી ખતરામાં પણ પડી શકે છે.
એકસરખો સતત ચડતો રહેતો તાવ તેનું મુખ્ય લક્ષણ છે. જે દિવસ દરમિયાન સામાન્ય થતો જ નથી. આ ઉપરાંત દર્દીને પેટમાં દુખાવો, ઝાડા-ઊલટી કે માથાનો દુખાવો થઈ શકે છે. જીભ ઉપર સફેદ છારી બાઝી જાય છે અને મોં લેવાઈ જાય છે.પાંચમા દિવસે લાલ દાણા જેવું ચામડી પર દેખાય છે, જેને લોકો ‘મોતીઝરા’ કહે છે.
ટાઇફોઇડનું નિદાન કરવા લોહીની તપાસ કરાવવી જરૂરી છે. પહેલા અઠવાડિયે લોહીના કલ્ચરમાં ટાઇફોઇડના બેક્ટેરિયા માલૂમ પડે છે. આ એક એવો તાવ છે. જેમાં શ્વેતકણોની સંખ્યા ઘટે છે, અને નાડીના ધબકારા તાવના પ્રમાણમાં વધતા નથી.
તાવના બીજા અઠવાડિયે લોહીના સીરમનો ‘વીડાલ ટેસ્ટ’ ચોક્કસ નિદાન આપી દે છે. તેનું પ્રમાણ ૧:૬૦ના પ્રમાણ કરતાં વધારે હોય તો ટાઇફોઇડનું નિદાન ચોક્કસ થઇ જાય છે.
હવે ટાઇફોઇડની સારવાર નવી એન્ટીબાયોટીક આવતાં સરળ બની ગઈ છે. એમોક્સીસીલીન યોગ્ય ડોઝમાં આપવી જરૂરી છે. આ ઉપરાંત સીપ્રોફ્લોકસાસીન પણ એટલી જ ઉપયોગી છે. બહુ નાનાં બાળકોમાં તે આપવી યોગ્ય નથી. જો દર્દી મોંએથી ન લઈ શકે તો નસમાં બાટલા રૂપે આ દવાઓ આપી શકાય છે.
અમુક દર્દીઓમાં તાવ ઊતરી જાય પછી પણ તેમના પિત્તાશયમાં ટાઇફોઇડના બેક્ટેરિયા મહિનાઓ સુધી રોગ ફેલાવતાં રહે છે. આવા લોકોને ‘ટાઇફોઇડના કેરિયર’ કહે છે. આવા કેરિયર દર્દીઓને લાંબા સમય સુધી એમ્પીસીલીનની દવા આપવાથી રોગ સમાજમાં ફેલાતો અટકે છે.
બજારુ ખુલ્લા પદાર્થ ખાવાથી કે વાસી ઊતરી ગયેલાં ફળો ખાવાથી ટાઇફોઇડ થઇ શકે છે. માટે ટાઇફોઈડના વાવર હોય ત્યારે, એટલે કે ઉનાળા અને ચોમાસામાં લારીનો ખુલ્લો, વાસી, ઊતરી ગયેલો ખોરાક ખાવો નહિ. બની શકે તો પાણી પણ ગાળી ઉકાળીને પીવું, તેમાં ક્લોરિનની ટીકડીઓ નાંખવી.
વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં અડચણ ન પડે તે માટે ટાઇફોઇડની રસી મૂકાવી દેવી. જેમને બહારનું ખાવા-પીવાનું વધારે થતું હોય, બહારગામ જવા-આવવાનું વધારે થતું હોય તેમણે પણ ટાઇફોઇડની રસી મૂકાવવી. જેમના ઘરમાં, પડોશમાં કે પોળમાં ટાઈફોઇડના કેસો જણાય તો ગ્રૂપમાં ટાઈફોઇડની રસી મૂકાવવી.
ટાઇફોઈડની આધુનિક રસી
પહેલાના વખતમાં ટાઈફોઈડની ટી.એ.બી. વેક્સીન મળતી હતી જે ખૂબ જ દુખાવો કરતી અને બે ઇંજેકશનના રૂપમાં લેવી પડતી તેની અસરકારક્તા પણ છ મહિનાની જ હતી. હવે આધુનિક આવેલી ઇંજેકશનની રસી દુખાવારહિત છે અને ત્રણ વર્ષ સુધી ટાઇફોઇડ સામે રક્ષણ આપે છે.
રસી આપ્યા પછી ૨-૩ અઠવાડિયા પછી ટાઇફોઇડ સામે રક્ષણ મળે છે, અને ત્રણ વર્ષ સુધી રહે છે.
આ રસી આપ્યા પછી સામાન્ય તાવ કે દુખાવો થઈ શકે છે. જે દવાથી ઊતરી જાય છે.
ટાઇફોઇડની રસી તાવ ચાલુ હોય ત્યારે, ગંભીર બીમારીમાં, સગર્ભા સ્ત્રીઓને, રસીની એલર્જીવાળાને કે બે વર્ષના બાળકને પણ ડોક્ટરની સલાહ પછી જ અપાવવી જોઈએ.
અત્યારે ટાઇફોઈડની રસી વિદેશથી આયાત થતી હોવાથી પ્રમાણમાં મોંઘી છે. છતાં પણ ટાઇફોઇડ જેવા મહારોગ સામે અસરકારક રક્ષણ આપતી હોવાથી આ રસી મૂકાવવી સરવાળે ફાયદાકારક છે.
ટાઇફોઇડની રસી મોંએથી લેવાની કેપ્શ્યુલના રૂપમાં પણ ઉપલબ્ધ થયેલ છે. એકાંતરે દિવસે ત્રણ કેપ્શ્યુલના રૂપમાં તેનો ડોઝ પૂરો કરવો પડે છે. પરંતુ તેને બદલે ઇંજેકશન દ્વારા લેવાતી ટાઇફોઇડની રસી વધારે સારી પડે છે.
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ટાઇફોઈડની આધુનિક રસીથી દુખાવો નથી થતો appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/%e0%aa%9f%e0%aa%be%e0%aa%87%e0%aa%ab%e0%ab%8b%e0%aa%88%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80-%e0%aa%86%e0%aa%a7%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%95-%e0%aa%b0%e0%aa%b8%e0%ab%80%e0%aa%a5%e0%ab%80-%e0%aa%a6/
via Best Gujarati News
0 Comments