મૂવી રિકોલ : અભિમન્યુ મોદી

‘વોર એન્ડ પીસ’. વિશ્વ સાહિત્યમાં કેન્દ્રસ્થાને ગણાતી લિયો તોલ્સતોયની આ મહાન નવલકથાના શીર્ષકમાં રહેલા બે શબ્દો પરસ્પર વિરોધી છે એવો ઘણાંનો મત છે. યુદ્ધ અને શાંતિ શબ્દાર્થની દ્રષ્ટિએ વિરોધી શબ્દો ખરા, પરંતુ તે સમાનાર્થી કે એકબીજાના પુરક પણ ખરા. ઇતિહાસ એવા ઘણા શાસકો અને તેના બનાવેલા લશ્કરની સાક્ષી પૂરે છે કે જે શાંતિ સ્થાપવા માટે યુદ્ધને અનિવાર્ય માને છે. યુદ્ધનો નખશીખ વિરોધી શબ્દ શોધવો હોય તો શાંતિ કરતાં બચપણને વધુ માર્ક્સ દેવા પડે. બાળપણને અને યુદ્ધને ક્યારેય કોઈ સંબંધ નથી હોતો. જ્યારથી બાળક યુદ્ધની ગંભીરતા સમજવા માંડે ત્યારથી તે બાળક નથી રહેતું. માટે જ નિર્દોષ બાળપણ અને યુદ્ધો એ સાવ ઓપોઝિટ ટર્મિનોલોજી કહેવાય. આવી સદંતર વિરોધી ભાવનાઓ ૧૯૫૨ની એક ક્લાસિક ફ્રેન્ચ ફ્લ્મિમાં સમાંતર બતાવવામાં આવી છે. ગમખ્વાર યુદ્ધ અને બાળપણની માસુમિયત, આ બંને બાબતો એકસાથે સ્ક્રીનના પડદે જોવા મળે તેવી ઓછી ફ્લ્મિો બની છે અને તેમાં ‘ફેરબિડન ગેમ્સ’ શ્રેષ્ઠ ફ્લ્મિોમાંની એક ગણાય છે.

વીસમી સદીમાં બંને વિશ્વયુદ્ધોએ જગતને બે બાબતોની ભેટ આપી છેઃ કદાપિ ન ભૂંસી શકાય એવું નુકસાન અને અદ્ભુત વાર્તાઓનું અક્ષયપાત્ર. આજથી દોઢસો વર્ષ પછી પણ વિશ્વયુદ્ધના બેકગ્રાઉન્ડમાં વાર્તાઓ લખાતી હશે, કાવ્યાંજલી અપાતી હશે અને ફ્લ્મિો બનતી હશે. એમાં પણ યુદ્ધની ભીષણતા ઉપસાવવા માટે તેને બાળકના પરિપ્રેક્ષ્યથી નેરેટિવ બતાવવામાં આવે તે દર્શકોને વધુ અસર કરતું હોય છે. પરંતુ યુદ્ધના મેદાનમાં નાના બાળકને બતાવીને દર્શકોની લાગણી સાથે રમવું એ થોડી ચીપ ટ્રીક કહેવાય. સારી કોટીના ડિરેક્ટર એવું દ્રશ્ય બતાવે નહિ. માટે જ ફ્રાન્સના ફ્લ્મિ ડિરેક્ટર રેને ક્લેમાની ‘ફેરબિડન ગેમ્સ’માં યુદ્ધ દરમિયાન બાળક સાથે થતા અત્યાચારો નથી બતાવ્યા પણ બાળકની નિર્દોષતાની સળંગ સફ્ર બતાવી છે, સ્મિત સાથે. આ ફ્લ્મિને જ્યારે વેનીસ ખાતે ગોલ્ડન લાયન એવોર્ડ મળ્યો ત્યારે કહેવામાં આવેલું કે ‘અર્થસભર પ્રયત્નો અને ઊર્િમ કાવ્યોની શૈલી વડે બાળપણની નિર્દોષતાને ઉન્નત કરવા માટે’ આ એવોર્ડ અપાય છે. બાળપણની નિર્દોષતાને એક બીજા જ સ્તર ઉપર લઇ જવી- આ વન્સ ઇન અ લાઈફ્ટાઈમ કોમ્પ્લિમેન્ટ કહેવાય જે આ ફ્લ્મિ માટે મળ્યું હતું. બેસ્ટ ફેરેન ફ્લ્મિ તરીકેનો ઓસ્કાર મળ્યો તે ઘટના આ કોમ્પ્લિમેન્ટ પછી થોડી ગૌણ ગણાય.

ટુ ફેરબીડ એટલે ન કરવાનો હુકમ આપવો, મનાઈ ફ્રમાવી. ફેરબીડન ગેમ્સ એટલે એવી રમતો જે રમવાની પરવાનગી આ સમાજ નથી આપતો, આ દેશ નથી આપતો કે આ સમાજની કહેવાતી સભ્યતા નથી આપતી. છતાં પણ બાળકોને એનાથી રમવું છે. બાળકોને એનાથી આનંદ આવે છે. કેમ? કારણ કે એ જોઇને તો આ બાળકો મોટા થઇ રહ્યા છે. આ કહેવાતો ડાહ્યો સમાજ અને સુસંસ્કૃત માનવજાત નવી પેઢીને એ વાતાવરણ નથી આપી શક્યા જેમાં તેઓને કોઈ રમતની મનાઈ ન ફ્રમાવવી પડે પણ તેઓ જાતે જ એવી રમતો ન રમે. આ ફ્લ્મિના બે બાળકો કઈ રમત રમે છે? કબર ખોદીને તેમાં મૃતદેહો દાટવાની રમત!

પોલેટ નામની ભયંકર માસુમ છોકરી તેના મા-બાપથી વિખૂટી પડી ગઈ. ૧૯૪૦નો સમય છે અને હિટલરના નાઝી લશ્કરના એરફેર્સે પેરિસ ઉપર હવાઈ હુમલો ચાલુ કરી દીધો હતો. પેરિસના રહીશો શહેર છોડીને હિજરત કરી રહ્યા છે અને એ હિજરતીઓની લાંબી લાઈન ઉપર હવામાંથી અંધાધુંધ ગોળીબાર થવા લાગ્યો. જે બાળકને હજુ ડરતા પણ નથી આવડતું એવી નાદાન છોકરી ચાલુ ગોળીબારે તેના હાથમાંથી ભાગેલા ગલુડિયાને પકડવા ગઈ. પોતાની છોકરીને ખુલ્લામાં દોડતા જોઇને તેને બચાવવા તેના મા-બાપ પણ દોડયા. નાઝી યમદુતોની ગોળીઓએ એટલી રહેમ કરી કે કૂતરાને અને મા-બાપને મારી નાખ્યા, પણ આ પાંચ વર્ષની છોકરીને સ્પર્શ ન કર્યો. હવે એ ઘાત ટળી કે જિંદગી વધુ કરપીણ બની તે કહેવું મુશ્કેલ બની ગયું કારણ કે જે હજુ માંડ બોલતા શીખી છે એવી છોકરી દુનિયામાં એકલી થઇ ગઈ. તેની આજુબાજુ બધા અજાણ્યા સામાન્ય માણસો નથી પણ યુદ્ધમાં પોતાના સામાન સાથે અસુરક્ષા અને અવિશ્વાસ લઈને ભાગતા ફ્રતા તથા ડરેલા અને સ્વાર્થવૃત્તિથી તરબતર થયેલા માણસો છે. આમાં આ છોકરીનું ધ્યાન કોણ રાખે?

પોલેટ પોતાના ગલુડિયાના મૃતદેહને બચાવવા માટે નદી પાસે ગઈ અને તેને ત્યાં દસ વર્ષના છોકરા સાથે ભેટો થાય છે. એ મિશેલ નામનો છોકરો એને ઘરે લઇ આવે છે. શહેરની પોલેટ આ ગામડાંના ખેડૂતો અને તેની રહેણીકરણી જોઇને થોડી ડઘાઈ જાય છે. મરેલા ગલુડિયાનું શું કરવું? મિશેલ એને સમજાવે છે કે તેને કબરમાં દફ્નાવી શકાય. એ બંને તે ઘરથી દૂર એક બંધ જગ્યામાં કબર ખોદે છે. ધીમેધીમે તે બંને બાળકોની આ ફેવરિટ રમત બની ગઈ. મરેલો ઉંદર, પક્ષી, પ્લેટ, જીવડાં જે પણ મળે તેની કબર બનાવવા માંડે છે. કબર સંપૂર્ણ ક્યારે ગણાય? જયારે તેની ઉપર ઇસુ ખ્રિસ્તને જે વધસ્થંભ ઉપર ચડાવવામાં આવેલા એ ક્રોસ રહેલો હોય. એ ક્રોસ ક્યાંથી મળે? મિશેલ પોતાના પપ્પાની ગાડી ઉપર લગાડેલા ક્રોસ ચોરે છે. યુદ્ધના માહોલમાં દીવાસળી ચોરાય તો પણ મોટેરાઓને ખબર પડી જતી હોય છે જ્યારે આ તો ભગવાનના ક્રોસ ચોરાયા હતા. ચોરની તપાસ ચાલી. મિશેલ અને પોલેટ બંને ખૂબ હેરાન થયા. તે બાળકો એકબીજાને તકલીફ્માં જોઈ શકતા ન હતા. છેલ્લે મિશેલ અને પોલેટને જુદા થવું પડયું.

ડિરેક્ટર રેને ક્લેમાં ફ્રેન્ચ સિનેમામાં મોટું નામ પણ તે વિટોરીઓ ડી સીકાની ‘બાયસિકલ થીવ્ઝ’ કે આન્દ્રે ટેશનીની ૨૦૦૩માં આવેલી ‘સ્ટ્રેય્ડ’ જેવા અનુક્રમે ગરીબી કે બોમ્બમારાના અત્યંત નાટયાત્મક દ્રશ્યો ન બનાવી શક્યા કારણ કે રેને ક્લેમાં મૂળભૂત રીતે ડોક્યુમેન્ટરીના ડિરેક્ટર હતા. જે અરસામાં ફ્લ્મિ આવી તેના પછી ફ્રેન્ચ ન્યુ વેવ સિનેમા નામની ઐતિહાસિક ફ્લ્મિ મૂવમેન્ટ શરૂ થવાની હતી અને ત્રોફં જેવો કમાલનો ડિરેક્ટર પરંપરાગત શૈલીમાં માનનારા ફ્લ્મિમેકર્સને આડે હાથે લઇ લેવાનો હતો. છતાં પણ ‘ફેરબિડન ગેમ્સ’ એક યાદગાર ફ્લ્મિ ગણાય છે. શરૂઆતમાં વ્યવસાયિક નિષ્ફ્ળતા મળી હોવા છતાં અને ફ્રેન્ચ ખેડૂતોને અમુક રીતે કોમિક બતાવવાને કારણે વિવાદો ઊભા થયા હોવા છતાં આ ફ્લ્મિ પ્રેક્ષકોની આંખો ભીંજવવામાં સફ્ળ થઇ હતી, દર્શકોને રડાવવાનો ફ્લ્મિનો હેતુ ન હોવા છતાં.

પાંચ વર્ષની પોલેટણો રોલ કરનારી બ્રીગીટે ફેસી આજે પણ બોત્તેર વર્ષની ઉંમરે ફ્લ્મિોમાં કાર્યરત છે. યુદ્ધમાં બાળપણને દર્શાવનારી ‘ફેરબિડન ગેમ્સ’ ભવિષ્યમાં પણ આટલી મહત્ત્વની ફ્લ્મિ ગણાશે.

facebook.com/abhimanyu. modi.7

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કબરને રમકડું અને મૃત્યુને રમત સમજતાં બાળકો   appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/tomb-toy-and-death/
via Best Gujarati News