મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ જેલ ભોગવી
સિને ફ્લેશબેક : અક્ષયકુમાર વિદ્યાર્થી
વીસમી સદીની શરૂઆતના વર્ષ ૧૯૦૧માં બ્રિટિશ રાજના સેરામ્પોર નગરમાં જન્મેલા અમિય ચક્રવર્તિ બાળપણથી જ ગાયન અને અભિનયમાં રસ ધરાવતા હતા. એટલો જ રસ દેશની આઝાદીમાં પણ હતો. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના નજીકના સાથી રહ્યા અને ૧૯૩૦માં ગાંધીજીના નમક સત્યાગ્રહમાં ઉમંગભેર જોડાઈને જેલ પણ ભોગવી આવ્યા. ૧૯૩૫માં આઝાદીની લડતમાં ભાગ લેવાના કારણે તેમણે બંગાળ છોડવું પડયું. એમાંથી સિનેજગતને યાદગાર ફિલ્મસર્જક મળ્યા.
અમિય ચક્રવર્તિ મુંબઈ આવ્યા અને બોમ્બે ટોકિઝ સ્ટુડિયોમાં જોડાઈ ગયા. શરૂઆત તો નિરંજન પાલના પુત્રને બંગાળી શીખવવાની નોકરીથી થઈ હતી. ૧૯૪૦માં નિઝામ નકવીની પુનર્મિલન ફિલ્મમાં એમણે સિનારિસ્ટ (દ્રશ્યકલ્પના કરનાર) તરીકે કામ કરવા માંડયું. બોમ્બે ટોકીઝના માલિક હિમાંશુ રોયના મૃત્યુ પછી મેનેજમેન્ટ હાથમાં લેનાર દેવિકા રાનીએ ૧૯૪૪માં અમિયને ફિલ્મ અન્જાનનું દિગ્દર્શન સોંપ્યું. દેવિકા રાની અને અશોકકુમાર બંને એ જમાનાના સ્ટાર હતાં. આ અગાઉ અમિય પાસે દેવિકા રાનીએ મુમતાઝ શાંતિને ચમકાવતી બસંત અને દિલીપકુમારને ચમકાવતી જ્વાર ભાટાનું દિગ્દર્શન કરાવ્યું હતું.
પછીથી અમિય ચક્રવર્તિએ પોતાની કલ્પના પ્રમાણે ફિલ્મો સર્જવા માટે માર્સ એન્ડ મૂવીઝ નામની કંપની સ્થાપી. એમાં દિલીપકુમારની સૌ પ્રથમ સુપરહિટ ફિલ્મ દાગ બનાવી. અમિય ચક્રવર્તિ ૧૯૫૭માં અવસાન પામ્યા ત્યાં સુધી સતત ફિલ્મસર્જન કરતા રહ્યા. તેમની યાદગાર ફિલ્મોમાં અન્જાન, બસંત, જ્વારભાટા, મેરા સુહાગ, ગર્લ્સ સ્કૂલ, ગૌના, બાદલ, દાગ, પતિતા, શહનશાહ, બાદશાહ, સીમા, દેખ કબીરા રોયા અને કઠપુતલીનો સમાવેશ થાય છે.
અમિય ચક્રવર્તિ સતત રાજકીય ગતિવિધિમાં રસ લેતા, પોતાની ફિલ્મોમાં પણ રાજકીય વાતાવરણ પ્રતિબિંબિત કરતા રહેતા. એમણે ૧૫ વર્ષની ફિલ્મસર્જક તરીકેની કરિયરમાં દિલીપકુમાર, મુમતાઝ શાંતિ(મહેમૂદના પિતા) જેવા નવા કલાકારોને સ્થાપિત કર્યા. અશોકકુમાર અને દેવિકા રાની જેવા ટોચના સુપરસ્ટાર્સની ફિલ્મો બનાવી. અમિય ચક્રવર્તિનું દરેક દ્રશ્ય સતત રસપ્રદ રહે એવી રીતે શાસ્ત્રીય નૃત્યની અંગભંગીમાઓ સાથેના ગીત અને સ્થિર કેમેરા છતાં શોટ-કટ કરીને ફિલ્મને ગતિ આપવાની ફિલ્મસર્જનની સ્ટાઈલ એ પછી વર્ષો સુધી વી. શાંતારામ જેવા અનેક ફિલ્મસર્જકો અપનાવતા રહ્યા.
cine@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ જેલ ભોગવી appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/salt-satyagraha-part/
via Best Gujarati News
0 Comments