કાવ્યાનુભૂતિ
આવો ફૂલડાં
આવો ફૂલડાં મધૂરાં રે,
આપણે સંગે રહીએ.
સંગે રહીએ ને ઉમંગે રહીએ…આવો કૂલડાં
તારા સ્પર્શે હું રાજી થાઉ.
નિખાલસ ભાવે વારી જાઉં.
તારી સુગંધ અનેરી ભાસે,
જગમાં ફેલાઈ જાય સુવાસે.
જગમાં જોટો ન મળે તારો,
તું જ સંગે હું રંગાઈ જાઉ.
શહીદોની અર્થી પર ફૂલ ચડાવે;
સૌ દેશવાસીઓ નત મસ્તકેઃ
સૌ સ્વજનો અને સંબંધીઓ.
બહુમૂલ્ય બન્યું તેથી દેવ શિરે ચડે!
જગમહીં ફળ આપીને પરોપકારી બનીને;
માનવો થાય સદા સુખી તારી કૃપાથી.
આવો ફૂલડાં મધૂરાં રે.
આપણે સંગે (સાથે) રહીએ…
- શ્રી ડાહ્યાભાઈ એલ.પંચાલ. – દરામલી, તા.ઈડર (સા.કાં.)
તમારા માટે…
દીવો, ધૂપબતી કે ઘી કયાં હતું?
હતું હૈયું રોજ એને બાળતો રહ્યો.
વેદનામાં ના રડી કે હસી શક્યો,
દુઃખોમાં તમારું નામ મમળાવતો રહ્યો.
બાંધી બેઠો ક્ષણે ક્ષણે વિરહનું પોટલું,
તમે ના વિચાર્યું આપવા મિલનનું બચકું.
હૈયાની તરસ બુઝાવવા રણમાં વસ્યો,
આશા લઈ રણમાં વીરડો ખોદી રહ્યો.
તમે રોજ ફરો છો કોની શોધમાં?
મળ્યું નથી હજું કોઈ આપવા સાથ?
સુમન શું ખોટો છે પ્રતીક્ષા કરતો?
કૂવાના ઊંડાણે જળ વહી નૈન ભરે.
- સુમન ઓઝા, ખેરાલુ
મૌનથી જે સંવાદ થાય
એ ભાષાથી ક્યાં થાય છે?
અર્થ હિન રોજ ઘણું થાય છે
જેમા જીવન એ કયાં થાય છે?
પ્રત્યેક ઘરમાં હોય મંદિર
દિલથી પ્રભુ પૂજા ક્યાં થાય છે?
સત્યના હોય છે પ્રયોગો-
અસત્યનો જાકારો ક્યાં થાય છે?
મંદિર બહાર ભૂખ ટળવળે
પરંતુ ઈશ્વરને છપ્પન ભોગ થાય છે!!
આદર્શોની વાતો કરે બધા
મોકો મળતા શૈતાન થાય છે!
પ્રેમના વહેમમાં જીવે બધા
શુદ્ધ પ્રીતના દર્શન કયાં જાય છે?
કોઈ બંધાયા વિનય યા તહેવારે
દિલની વાત સાચી વ્યક્ત કયાં થાય છે?
- મહેન્દ્ર એમ. ત્રિવેદી – (અમદાવાદ)
ડર રહ્યા કરતો હતો
અમે તો રહ્યા ભટકેલા મુસાફીર
અજાણ્યા લોકોની આદત પડી જવાનો
ડર રહ્યા કરતો હતો
ન સાંજ જાણુ ન સવાર જાણું
ખુદને સાચી રીતે જાણવાનો
ડર રહ્યા કરતો હતો
કોઈની સાથે ન રહું કે વાટે ન રહું
કોઈનો સાથ મળી જવાનો
ડર રહ્યા કરતો હતો
જિંદગીને જાણીને માણી લીધી હતી
ફરી એના મોહમાં પડી જવાનો
ડર રહ્યા કરતો હતો
ન રદીફ હતા ન કાફિયા હતા
પણ દર્દની ગઝલ બની જવાનો
ડર રહ્યા કરતો હતો
- અંજલી એસ. પરમાર – બનાસકાંઠા
અવ્યક્ત કવિતા
ઘણા સમયથી લખી નથી શક્યો,
લખાણ છે મૌન મહોબ્બત મારી;
સંદર્ભ છે અશાબ્દિક લખાણ,
જે છે અવ્યક્ત કવિતા મારી;
સ્નેહના બિંદુ ઝરે આંખથી શાને;
સંવેદના જ છે સવાલ અઘરો,
વળી નિરુત્તર છે નયનમાં વસેલ,
હૃદય રક્ત રાધિકા મારી;
બને છે જગત આખુંય આતુર
વેદના સભર પંક્તિ વાંચવા,
એક સહારો ન મળ્યો સારાંશ સમયે,
વળી અબોલ છે કથા મારી;
લાગે જો પ્યાસ દુષ્કાળ સમયે,
ટાઢક વળે ન જો હૈયા વરાળને;
મૃગજળ છું છતાં યાદ કરજે,
પ્રયત્ન કરીશ, ખૂબ લાંબી છે બથામારી;
રોકી શકે તો રોક આ માવઠાના બુંદને
કુદરત રડે છે નયન જાગતા જોઈને;
યાદ આવશે ત્યારે ખુદને રોકી નહીં શકીશ,
છું ‘અનિયમિત’ ખૂબ કઠીન છે કલ્પના મારી!!
- રમેશ પ્રજાપતિ ‘અનિયમિત’ – સિદ્ધપુર
આદત પડી ગઈ છે!
શું કહું મારા વ્હાલા બાળ દોસ્તો!
તમને નિશાળે આવતા જોઈને,
નિશાળે આવવાની આદત પડી ગઈ છે.
તમને વર્ગમાં બેઠેલા જોઈને,
ભણાવવાની આદત પડી ગઈ છે.
તમારું ગૃહકાર્ય તપાસતાં, તપાસતાં,
ભૂલો સુધારો એવું લખવાની આદત પડી ગઈ છે.
તમારા શબ્દોની જોડણી જોઈને,
જોડણીકોશ જોવાની આદત પડી ગઈ છે.
કાલે કેમ નો’તા આવ્યા સાહેબ,
એ વાક્ય સાંભળીને,
રોજ આવવાની આદત પડી ગઈ છે.
તમારો પ્રેમ જોઈને,
સંતાઈને કેજ્યુઅલ રિપોર્ટ,
લખવાની આદત પડી ગઈ છે.
તમારા મોઢે પલાખા શબ્દ સાંભળીને,
પલાખા એટલે શું? એ જાણવાની આદત પડી ગઈ છે.
તમને પ્રજ્ઞાગીત ગાતા જોઈને,
પ્રવૃત્તિ કરવાની આદત પડી ગઈ છે.
સાંજે પાંચ વાગ્યે તમને છૂટતા જોઈને,
ગેટને તાળું મારવાની આદત પડી ગઈ છે.
પતંગડીની વનરાજીમાં આવીને,
કવિતા કરવાની આદત પડી ગઈ છે.
- અજય ચૌધરી – વ્યારા (તાપી)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post કાવ્યાનુભૂતિ appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/kavyanyutti-2-54/
via Best Gujarati News
0 Comments