યે કૈસી હૈ કસોટી પ્રેમ કી…
વાર્તા :- અમૃત વડિયા
રિયાજી… આઈ લવ યુ…! વીલ યુ લાઈક ટુ મેરી વિથ મી… કંપનીની કેન્ટિનમાં જમતાં જમતાં જ રાજીવે અચાનક જ લવપ્રપોઝ કરતા રિયા સ્તબ્ધ થઈ ગઈ. કોઈ વ્યક્તિ આમ પ્રપોઝ જ કઈ રીતે કરી શકે ? એને શું જવાબ આપવો એ એને સમજાયું નહીં. એ તે જ ક્ષણે એને ના પાડી શકે એમ હતી. હા પાડવાનો સવાલ ના હતો, કારણ કે એ રાજીવની સાથે ઔપચારિક મૈત્રી રાખી રહી હતી. એક સાથે સર્વિસ કરતા હોવાથી તે સ્વાભાવિક બાબત હતી. પરંતુ એણે થોડી ક્ષણો રાજીવ સામે જોયા કર્યા બાદ કહ્યું, ખોટું ના લગાડતો વિચારીને જવાબ આપીશ..!
જેવી તમારી મરજી… , મને ના પાડશો તો ય હું તમારી ફ્રેન્ડશિપ નહીં છોડું. આઈ લવ. યુ.. બસ એથી વધુ કશું નહીં. લંચ બાદ ઓફિસવર્ક દરમિયાન પણ સતત વિચારોથી એ અસ્વસ્થતા અનુભવતી રહી. સાંજે ઘરે પણ એનું મન મમ્મી, પપ્પા કે ભાઈ સાથે વાતચીત કરવામાં લાગ્યું નહીં… એણે જેમ તેમ જમીને ટી.વી. પણ જોવાનું પણ મન ના થતા પોતાના બેડમાં જઈ લંબાવ્યું. એને આજે ફરી એવી પરિસ્થિતિ સામે આવી હતી કે એનું સમગ્ર અસ્તિત્વ ખળભળી ઊઠયું હતું. રાજીવને પ્રેમ નહોતી જ કરતી એટલે એને નકારવો ખૂબ સહજ હતું. પરંતુ એ એમ એટલા માટે કરવા નહોતી માંગતી કે એ આખરે તેને પ્રેમ કરતો હતો. એણે પોતે પ્રેમ કર્યો હતો અને એનો એવો આઘાતજનક અનુભવ થયો હતો કે એ હવે ઝડપથી કોઈને પ્રેમ કરી શકે એમ જ નોહતી.
અગાઉ જે કંપનીમાં કામ કરતી હતી તે છોડવાનું કારણ બની ગયો હતો પ્રેમ. એણે ક્યારેય ધાર્યું નહોતું કે મનજીત સાવ બટકણો નીકળશે. એ ઓફિસમાં ઘણો મોટો સ્ટાફ હતો અને એને ઘણાં કલિગ્સ સાથે ફ્રેન્ડશિપ હતી. હળી મળીને રહેવું અને બધા સાથે ખુલ્લા મને વાત કરવી. હસીમજાક કરવી એ એનો નેચર હતો. એ બધા કલિગ્સ વચ્ચે અતડો રહેતો મનજીત અચાનક એની સાથે વાતચીત કરવા માંડયો હતો. રોજ સાથે કોફી પીતા. ફ્રેન્ડશિપ ક્યારે ક્લોઝ બની ગઈ તે ય ખ્યાલ ના રહ્યો. તે મનજીત સાથે વધુ ફ્રેન્ડશિપ રાખવા માંડી એ ઘણાં કલિગ્સને ના ગમતું. આ વાત પોતે સમજતી હતી, પરંતુ એને મનજીત ગમવા માંડયો હતો અને એને પ્રેમ કરવા લાગી હતી એટલે જ તો તે દિવસે મનજીત એને એક હોટલનાં રૂમમાં લઈ ગયો તો પોતે તૈયાર થઈ ગઈ હતી. એ મનજીતનો ઈરાદો સમજી ગઈ હતી છતાં વાંધો ના લીધો. આખરે એ એના મનના માણીગર સાથે જ અંગત પળો માણવાની હતી ને ? પરંતુ એનું નસીબ એટલું સારું નીકળ્યું કે એ ત્યારે બાલ બાલ બચી ગઈ. મનજીતે એને બેડમાં આલિંગનમાં લેતાં લેતાં જે કહ્યું એ તેણે કદી ધાર્યું પણ નહોતું. મનજીતે આલિંગન દૃઢ કરતાં કહ્યું કે રિયા… આપણા બીજા કલિગ્સ કરતાં હું તને વધુ મોજ કરાવીશ.! તેના એ શબ્દો સાંભળતાં જ કંઈક વિચિત્ર લાગતા એનાથી અળગા થઈ પૂછયું તું શું કહેવા માંગે છે ? બીજા કલિગ્સ એટલે ? મનજીતે એને ફરી આલિંગનમાં લેવા કરવા પ્રયાસ કરતાં કહ્યું, ડાર્લિંગ તું આ હોટલમાં આપણા ફ્રેન્ડઝ સાથે આવી ચૂકી છે તો મને શા માટે વધુ બોલાવે છે ? એ બધાની વાતો સાંભળીને જ તો મેં તારી સાથે ફ્રેન્ડશિપ કરી છે.. પણ હવે એ કોઈ નહીં જોઈએ.. હું એકલો જ તારો યાર રહીશ… એ બધાઓની સામે જોતી પણ નહીં… તું એ બધા સાથે હસી હસીને વાતો કરે છે અને શેક હેન્ડ કે હગ કરે છે ત્યારે મારું મગજ ઉકળી ઉઠે છે. હવે એ બધું બંધ….! યુ આર ઓન્લી માઈન.. કહેતા મનજીતે ખેંચીને બેડ પર પાડી એવી જ એણે તેને પગથી લાત મારીને પાડી દીધો. એ નાલાયકને એના શરીરમાં જ રસ હતો. છી.. છી… છી… એ એના વિશે કેટલું ખરાબ વિચારતો હતો ? એણે ક્યારેય અન્ય કોઈ સાથે પ્રેમસંબંધ બાંધ્યો જ ના હતો. કેટલી ગલીચ ગંદી વાતો એના વિશે ઓફિસમાં ચર્ચાતી હતી ? ઓહ… માય.. ગોડ.. એ જ ક્ષણે એ ત્યાંથી ઝડપથી નીકળી ગઈ હતી. ખૂબ રડી અને બધા પર રોષ પણ આવ્યો. આખરે બીજા જ દિવસથી નોકરી છોડી.. અત્યારની બીજી કંપનીમાં જોડાઈ હતી. મનજીતે એના પ્રેમની જે બેઈજ્જતી કરી હતી તે ક્યારેય ભૂલાય એમ ના હતી. પ્રેમમાં પોતે જે આઘાત સહ્યો એવો એ બીજા કોઈને તો ક્યારેય ના આપી શકે…
રાજીવનો પ્રેમ પ્રસ્તાવ એ સ્વીકારી લે અને ભવિષ્યમાં એને તેના વિશે કંઈ ખરાબ સાંભળવા મળે ત્યારે એની હાલત કેવી થાય ? અને એ પણ મનજીત જેવો નીકળે તો ? પરંતુ ખરેખર પ્રેમ કરતો હોય તો શું ? પોતાનું દિલ તૂટયું એમ એનું ય તૂટે ને ? અને તેના કિસ્સામાં તો તે પોતે એને લવ પણ ક્યાં કરે છે ! માત્ર ઔપચારિક ફ્રેન્ડશિપ જ છે. શું કરવું ? એમ સતત વિચારતી રહેલી બીજા દિવસે કેન્ટિનમાં જમતાં જમતાં કંઈ ના બોલી.. એટલે રાજીવે હસતાં હસતાં કહ્યું, રિયાજી… તમારી જૂની ઓફિસમાં એક મારો પણ ફ્રેન્ડ છે, એનું નામ મનજીત! એણે મને તમારા વિશે ઘણી વાતો કરી છે.!
તેના એ શબ્દો સાંભળતાં જ રિયા ગુસ્સાથી લાલપીળી થઈ ઊભી થઈને બોલી.. એ નાલાયક તારો ફ્રેન્ડ છે એટલે જ તે મારી સાથે આવો વર્તાવ કર્યો ? તું ય એવો જ નીકળ્યો.. છી.. છી..! કહી રિયાએ ત્યાંથી જવા પગ ઉપાડયા એવો જ રાજીવ બોલ્યો, રિયાજી, એની બદમાશી એણે પોતે કબૂલીને ખૂબ અફસોસ વ્યક્ત કર્યો હતો. અને ધારો કે એ બધા વાતો કરતા હતા તેવા ખરેખર તમે હો તો પણ મારા પ્રેમમાં કંઈ જ ફરક પડવાનો નથી. હું તમને પ્રેમ કરું છું અને કરતો રહીશ. તમે મારી સાથે મેરેજ કરો કે ના કરો.. તેથી શું ? તમે મને પ્રેમ કરતો તો રોકી નહીં જ શકો..!
એમ વાત છે તો આવ… પહેલા મારી સાથે મેરેજ કર.. જોઉં છું તું મને કેટલો લવ કરે છે!.. બધાના આશ્ચર્ય વચ્ચે બીજા જ દિવસે રાજીવે રિયા સાથે મેરેજ કરવાની જાહેરાત કરી અને પછી થોડા દિવસ બાદ બન્ને એક થઈ ગયા..
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post યે કૈસી હૈ કસોટી પ્રેમ કી… appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/yeh-kaisi-hai-test-love-ki/
via Best Gujarati News
0 Comments