કોમોડિટી કરંટ : કમલ શર્મા

કોટન સીડ ઓઇલ કેકના ભાવ છેલ્લાં એક મહિનામાં ઝડપથી વધ્યાં છે, પરંતુ હવે હાજર બજારમાં ભાવમાં હજી વધારાની સંભાવના ઓછી થઇ ગઇ છે. ઉનાળાની શરૂઆત થવાની સાથે જ પશુ આહાર તરીકે તેનો ઉપયોગ ઘટી જાય છે તેમજ અન્ય પશુ આહારના ભાવ તુલનામાં ઓછા હોવાને કારણે વિકલ્પોની માગ વધી રહી છે.

કોટન સીડ ઓઇલ કેકના કારોબારી ગોપાલ દરકના કહેવા અનુસાર કોટન સીડ ઓઇલ કેકના વાયદાને કોમોડિટી એક્સચેન્જ ઉપર સટોડિયાઓ કોઇપણ સ્તરે લઇ જઇ શકે છે, પરંતુ હાજર બજારમાં તેના ભાવમાં વધારો ધીમો પડી રહ્યો છે. વારાંગલમાં કોટન સીડ ઓઇલ કેક ક્વિન્ટલદીઠ રૂ. ૨,૬૦૦ના ભાવે વેચાઇ રહ્યું છે, જે એક મહિના પહેલાં ક્વિંટલદીઠ રૂ. ૨૧૦૦ના ભાવે ઓફર થઇ રહ્યું હતું. ગત વર્ષે સમાન સમયગાળામાં તેના ભાવ ક્વિન્ટલદીઠ રૂ. ૨૩૦૦ હતાં. ઉલ્લેખનીય છે કે કોટન સીડ ઓઇલ કેકના ભાવ છેલ્લાં એક મહિનામાં ક્વિન્ટલદીઠ રૂ. ૫૦૦-૫૫૦ વધ્યાં છે તેવાં સંજોગોમાં હવે તેમાં ક્વિન્ટલદીઠ રૂ. ૧૦૦-૨૦૦થી વધારાની શક્યતા નથી. કોટન સીડ ઓઇલ કેક હાજર બજારમાં ક્વિન્ટલદીઠ રૂ. ૩૦૦૦ના સ્તરને સ્પર્શે તેવી સંભાવના ઓછી છે.  કોટન સીડ ઓઇલ કેક ગરમીની સિઝનમાં પશુઓને ખવડાવવામાં આવતું નથી. આ દિવસોમાં સરસવ ખલ, ચણા ચૂરી સહિતના વિકલ્પો સસ્તા છે અને પશુઓના આરોગ્ય માટે તે વધુ લાભદાયી છે. સરસવ ખલી જયપુરમાં રૂ. ૧૭૫૦ અને શ્રીગંગાનગરમાં ક્વિંટલદીઠ રૂ. ૧૬૨૫ના ભાવે વેચાઇ રહ્યું છે, જે કોટન સીડ ઓઇલ કેકની સરખામણીમાં ઘણું સસ્તું છે. ઓલ ગુજરાત કોટન સીડ ક્રશર્સ એસોસિયેશનના અધ્યશ્ર દેવચંદ ઠક્કરનું કહેવું છે કે કડી હાજર માર્કેટમાં એક મહિના પહેલાં કોટન સીડ ઓઇલ કેક ક્વિન્ટલદીઠ રૂ.૨૧૦૦-૨૧૫૦ વચ્ચે હતાં,જે હવે ક્વિન્ટલદીઠ રૂ. ૨,૪૦૦ના સ્તરે સ્પર્શી ગયાં છે. જોકે, હવે ભાવમાં વધારો ધીમો પડયો છે. તેમણે ઉમેર્યું હતું કે આ વર્ષે સિઝનની શરૂઆતમાં કોટન સીડ ઓઇલ કેકનો કેરી ફોરવર્ડ સ્ટોક ન હોવો તથા કોટનની ઊપજમાં ઘટાડાને કારણે સીડની તંગી છે. હવે કોટન સીડ ઓઇલ કેકની માગ જુલાઇમાં શરૂ થશે અને ઉત્તર ભારતમાં વરસાદ થવા સાથે પશુઓના દૂધની માત્રા પણ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post કોટન સીડ ઓઇલ કેકના ભાવમાં વધારો ધીમો પડશે appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/cotton-seed-oil-cake-prices/
via Best Gujarati News