જ્યારે જ્યારે દક્ષિણ ભારતમાંથી ગાંધી પરિવાર ચૂંટણી લડયું, ત્યારે કેવા આવ્યા છે પરિણામો?
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે અમેઠી સંસદીય બેઠકની સાથે સાથે કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણીમાં ભાગ્ય અજમાવશે. વાયનાડ બેઠક દ્વારા રાહુલ ગાંધી કેરળ સહિત આખા દક્ષિણ ભારત ઉપર પ્રભાવ પાથરવાના વ્યૂહના ભાગરૂપે જંગમાં ઊતરી રહ્યા છે. જો કે તેમના પહેલાં માતા સોનિયા ગાંધી અને દાદી ઇંદિરા ગાંદી પણ દક્ષિણ ભારતમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે. તેનો રાજકીય ફાયદો ઇંદિરા – સોનિયા ગાંધીની સાથે સાથે કોંગ્રેસને પણ થયો છે.
યાદ રહે કે દક્ષિણ ભારતમાં એવી સતત માગ થતી રહી છે કે દિલ્હીની સત્તાના સિંહાસન પર તેમનું પ્રતિનિધિત્વ હોય. તેને નજર સમક્ષ રાખીને રાહુલ ગાંધીએ પોતાની માતા અને દાદીની જેમ જ દક્ષિણ ભારતનું દિલ જીતવા માટે વાયનાડ પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાની પરંપરાગત અમેઠીથી ચૂંટણી લડવાની સાથે સાથે કોંગ્રેસ માટે મજબૂત કિલ્લા તરીકે મશહૂર વાયનાડ બેઠક ઉપર પણ પસંદગી ઉતારી છે.
ઇંદિરા ગાંધી ચિકમંગલૂર બેઠક પરથી લડયા હતા પેટા ચૂંટણી
પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી ‘ગાંધી પરિવાર’ના પહેલા સભ્ય રહ્યા છે, જેઓ દક્ષિણ ભારતમાંથી ચૂંટણી જંગમાં ઊતર્યા હતા. 1977માં રાયબરેલી બેઠક પરથી રાજનારાયણ સામે હાર્યા બાદ ઇંદિરા ગાંદી 1978માં કર્ણાટકની ચિકમંગલૂર લોકસભા બેઠક પરથી પેટાચૂંટણીમાં ઊતર્યા હતા. ઇંદિરા ગાંધી ચિકમંગલૂર પરથી ચૂંટણી લડયા એ કોંગ્રેસ માટે સંજીવની બન્યું હતું. બે વર્ષ બાદ 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ તો કર્ણાટકની તમામ 27 સંસદીય બેઠકો કોંગ્રેસ જીતવામાં સફળ રહી હતી.
સોનિયા ગાંધી અમેઠી અને બેલ્લારી ચૂંટણી મેદાનમાં
ઇંદિરા ગાંધી બાદ ગાંધી પરિવારના બીજા સભ્ય તરીકે સોનિયા ગાંધી દક્ષિણ ભારતના રાજકીય મેદાને જંગમાં ઊતર્યા હતા. સોનિયા ગાંધીએ 1998માં રાજનીતિમાં પગલાં રાખ્યા બાદ 1999ના લોકસભા ચૂંટણીમાં અમેઠીની સાથે સાથે કર્ણાટકની બેલ્લારી સંસદીય બેઠક પરથી ભાગ્ય અજમાવ્યું હતું. સોનિયાની વિરુદ્ધ ભાજપના સુષમા સ્વરાજને મેદાનમાં ઉતાર્યા હતા, સોનિયા ગાંધી એ બેઠક પરથી લગભગ 56 હજાર મતોથી વિજય હાંસલ કર્યા હતા.
કોંગ્રેસને એ રીતે મળતો હતો ફાયદો
સોનિયાના કર્ણાટકના રાજકીય મેદાનમાં ઊતરવાથી કોંગ્રેસને પણ જબરજસ્ત ફાયદો થયો હતો. કર્ણાટકની 28 લોકસભાની બેઠકોમાંથી કોંગ્રેસને 18 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 7 તથા જનતા દળને 3 બેઠકો સાથે સંતોષ માનવો પડયો હતો. જ્યારે આ પહેલાં કોંગ્રેસની પાંચ બેઠકો હતી. આ પ્રકારે પાર્ટીને 11 બેઠકોનો ફાયદો થયો હતો.
મા અને દાદીની જેમ રાહુલ ગાંધીએ અમેઠીની સાથે સાથે કેરળની વાયનાડ બેઠકને પસંદ કરી છે. કેરળની 20 લોકસભા બેઠકોમાંથી અત્યારે કોંગ્રેસ પાસે માંડ 8 બેઠકો છે. એ રીતે રાહુલ સમક્ષ પોતાની બેઠક જીતવાની સાથે સાથે કેરળમાં બેઠકો વધારવાનો પડકાર છે. એ ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ કોંગ્રેસના ખોવાયેલા જનાધાર ફરી મેળવવાનો મોટો પડકાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post જ્યારે જ્યારે દક્ષિણ ભારતમાંથી ગાંધી પરિવાર ચૂંટણી લડયું, ત્યારે કેવા આવ્યા છે પરિણામો? appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/with-eye-on-south-india-rahul-gandhi-may-fight-from-kerala/
via Best Gujarati News
0 Comments