। માન્ચેસ્ટર ।

ચેમ્પિયન્સ લીગમાં ક્વાર્ટર ફાઇનલના ફર્સ્ટ લેગમાં લિયોનેલ મેસ્સીએ માન્ચેસ્ટર યુનાઇટેડ સામેની મેચમાં પોતાના ધારાધોરણ મુજબ દેખાવ નહોતો કરી શક્યો અને તે આ મેચમાં પોતાના શ્રેષ્ઠ દેખાવની નજીક પણ પહોંચી શક્યો નહોતો પરંતુ આ મેચમાં સુઆરેઝના હેડર પર માન્ચેસ્ટર યુનાઇટેડના લ્યૂક શોએ આત્મઘાતી ગોલ કરતાં બાર્સેલોનાએ ૧-૦થી વિજય મેળવ્યો હતો. બાર્સેલોનાનો માન્ચેસ્ટર યુનાઇટેડ સામે તેના હોમગ્રાઉન્ડ ઓલ્ડ ટ્રેફર્ડમાં આ પ્રથમ વિજય હતો.  માન્ચેસ્ટર યુનાઇટેડ સામે બાર્સેલોનાએ ચાર અલગ-અલગ મેદાન પર આ ચોથો વિજય મેળવ્યો હતો. બાર્સેલોનાએ આ પહેલાં નાઉ કેમ્પ, સ્ટેડિઓ ઓલિમ્પિકો, વેમ્બલીમાં જીત મેળવી હતી. બાર્સેલોનાએ ઇંગ્લિશ ટીમો સામે ચેમ્પિયન્સ લીગમાં છેલ્લી સાત પૈકી પાંચ અવે મેચમાં જીત મેળવી છે જ્યારે એક મેચ ડ્રો કરી છે અને એકમાં હાર મળી છે.

માન્ચેસ્ટર યુનાઇટેડનો ચેમ્પિયન્સ લીગના નોકઆઉટમાં હોમ ગ્રાઉન્ડ પર સતત ત્રીજો પરાજય હતો જ્યારે ચેમ્પિયન્સ લીગમાં હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી છ મેચ પૈકી ચાર મેચમાં હાર મળી છે. મેચની શરૂઆત બાર્સેલોના માટે ઘણી સારી રહી હતી. મહેમાન ટીમે પ્રથમ મિનિટથી જ એટેક કરવા પર ભરોંસો કર્યો હતો અને યુનાઇટેડના ડિફેન્સ પર દબાણ વધાર્યું હતું. બાર્સેલોનાએ ૧૨મી મિનિટે એટેક કર્યો અને બોક્સની અંદર સ્ટ્રાઇકર લુઇસ સુઆરેઝે હેડર લગાવ્યો હતો. આ સમયે બોલ માન્ચેસ્ટર યુનાઇટેડના લ્યૂક શોને ટચ થઈ બોલ ગોલ પોસ્ટમાં જતાં જતો રહ્યો હતો પરંતુ રેફરીએ તેને ઓફ સાઇડનો નિર્ણય કર્યો હતો. તે પછી વીએઆરની મદદ લેવાઈ હતી જેમાં મહેમાન ટીમને ૧-૦ની લીડ મળી ગઈ હતી. ૦-૧થી પાછળ રહેલી માન્ચેસ્ટર યુનાઇટેડે પોતાની રમત સુધારી હતી. ખાસ કરીને માન્ચેસ્ટરના ખેલાડીઓએ લિયોનેલ મેસ્સીને કોઈ ખતરનાક મૂવ બનાવવા અથવા ગોલ કરવાની તક આપી નહોતી. બીજા હાફમાં યજમાન ટીમે આક્રમણનો પ્રયાસ કર્યો પરંતુ બોક્સની પાસે તેના ખેલાડીઓ બાર્સેલોનાના ડિફેન્સને ભેદવામાં નિષ્ફળ રહ્યા હતા.

એજેક્સ-યુવેન્ટ્સ વચ્ચેની મેચ ૧-૧થી ડ્રો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના હેડર દ્વારા કરાયેલા ગોલની મદદથી યુવેન્ટસે એજેક્સ સામેની મેચ ૧-૧થી ડ્રો કરી હતી. રોનાલ્ડોએ આ મેચમાં ૪૫મી મિનિટે ગોલ કર્યો હતો પરંતુ બીજા હાફની પ્રથમ મિનિટે જ એજેક્સના ડેવિડ નેરેઝે ગોલ કરી ટીમને ૧-૧ની બરાબરી અપાવી હતી. બંને ટીમો ત્યારબાદ ગોલ કરવામાં સફળ ન થતાં મેચ ૧-૧થી ડ્રો થઈ હતી. બંને વચ્ચે સેકન્ડ લેગ મુકાબલો ૧૭મી એપ્રિલે ટયૂરિન ખાતે યુવેન્ટ્સના હોમ ગ્રાઉન્ડ પર યોજાશે. રોનાલ્ડોને ચેમ્પિયન્સ લીગમાં આ ૧૨૫મો ગોલ હતો. એજેક્સની ટીમ વર્ષ ૨૦૦૩ બાદ પ્રથમ વખત ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં રમી રહી હતી પરંતુ તેઓને આ મેચમાં ગોલ કરવાની તક મળી હતી તેનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા. એજેક્સની ટીમ યુવેન્ટસ સામે છેલ્લી ૧૦ મેચમાં જીત મેળવી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post માન્ચેસ્ટર યુનાઇટેડ સામે બાર્સેલોનાનો ૧-૦થી વિજય appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/manchester-united-vs-2/
via Best Gujarati News

0 Comments