ભારતની સ્પેસ સ્ટ્રાઇકઃ અવકાશમાં દુશ્મનને મ્હાત કરવાની ટેક્નિક
સિમ્પલ સાયન્સ :- અશોક પટેલ
ગઇ તા.૨૭મીએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ જાહેરાત કરવાની ટ્વીટ કરી. એ જાહેરાત એટલે એન્ટી સેટેલાઇટ મિસાઇલ ક્ષમતાની જાહેરાત. અવકાશમાં ઉપગ્રહને તોડી પાડવાની ક્ષમતા કેળવ્યાની જાહેરાત.
અવકાશ છેલ્લા બેએક દાયકાથી સાવ શાંત છે. ખાસ કરીને સોવિયેત સંઘના વિભાજન બાદ અવકાશમાં સૈન્ય હોડ રહી નથી. એ પહેલાં એક સમય એવો આવ્યો કે ત્રીજુ વિશ્વ યુધ્ધ અવકાશમાં જ લડાશે એવો વાયરો ફૂંકાયો હતો. એ સમયે અવકાશની શતરંજમાં બે જ મ્હોરા હતા- સોવિયેત સંઘ અને અમેરિકા.
અવકાશી જંગની કલ્પના તો જેમ્સ બોન્ડની ફ્લ્મિ યુ ઓન્લી લીવ ટ્વાઇસમાં વણી લેવાઇ હતી. એ વખતે તો એ નકરી કલ્પના જ હતી. પરંતુ રશિયાએ પહેલો ઉપગ્રહ સ્પુતનિક અવકાશમાં તરતો મૂકાયો એ વખતે અવકાશમાં પ્રભુત્વ સ્થાપવાની દોડમાં તે અમેરિકા કરતાં આગળ નીકળી ગયું હતું. મિસાઇલો એકબીજા સામે દાગેલા રહેતા હતા અને શીત યુધ્ધ જોર પકડી રહ્યું હતું. એ વખતે જાસુસી ઉપગ્રહો છંછેડવા નહીં એવી સંધિ બંને વચ્ચે થઇ હતી. પરંતુ ૧૯૬૭માં અવકાશમાં જે દૃશ્ય રચાયું, તેને પગલે અમેરિકાને આંચકો ખાવાનો વારો આવ્યો હતો.
૧૯મી ઓકટોબર ૧૯૬૭ના દિવસે રશિયાએ કોસ્મોસ ૨૪૮ નામનો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો. જો કે એ કાંઇ નજર રાખવા જેવા ન્યૂઝ ન હતા. ઉપગ્રહના નામની સાથે જે આંકડો જોડાયેલો છે, એ જોતાં ખ્યાલ આવી જાય કે એ પહેલાં ૨૪૭ કોસ્મોસ ઉપગ્રહ અવકાશમાં તરતા મૂકી દેવાયા હતા, તેમાં વધુ એકનો વધારો થાય એ કાંઇ ન્યૂઝ ન કહેવાય. જો કે તેની ભ્રમણકક્ષા પર નજર રાખીને અમેરિકાએ નક્કી કરી નાંખ્યું કે તે જાસુસી માટેનો ઉપગ્રહ છે. બીજા જ દિવસે રશિયાએ કોસ્મોસ ૨૪૯ ઉપગ્રહ તરતો મૂક્યો એ વખતે પણ અમેરિકાને કાંઇ ચિંતા જેવું ન લાગ્યું. પરંતુ જ્યારે કોસ્મોસ ૨૪૯ તેના પૂરોગામીની નજીકની ભ્રમણકક્ષામાં ગોઠવાયો કે તરત જ અમેરિકાને સળવળાટ લાગ્યો.
કોસ્મોસ ૨૪૯ ઉપગ્રહે સ્પીડ પકડીને તેના પૂરોગામીથી આગળ નીકળી ગયો, એ વખતે અમેરિકાને થયું કે નક્કી દાળમાં કંઇ કાળું છે. અમેરિકનો હજુ કાંઇ વિચારે એ પહેલાં જ રડારમાં જોયું તો આગળ નીકળી ગયેલો કોસ્મોસ ૨૪૯ થોડો આગળ નીકળી જઇને ફટયો. ખેલ ખલ્લાસ.
બરાબર તેરમા દિવસે જાણે ફ્રી દુશ્મનનું તેરમું કરી નાંખવું હોય એમ કોસ્મોસ ૨૫૨ ઉપગ્રહને રશિયાએ અવકાશમાં ચઢાવ્યો. તેણે પણ કોસ્મોસ ૨૪૯ની જેમ કોસ્મોસ ૨૪૮નો પીછો પકડયો, તેનાથી આગળ જઇને પછી ફટી પડયો. પછી મિશન કમ્પલીટનો નારો રશિયાએ લગાવ્યો, ત્યારે અમેરિકાને અંદાજ આવી ગયો કે રશિયાએ હારાકિકી કરાવીને સેટેલાઇટને ફૂંકી માર્યો હતો. મતલબ કે રશિયા એ જ પ્રકારની હારાકિકી સાથે કોઇના પણ ઉપગ્રહને અવકાશમાં જ ધબાય નમઃ કરી શકે છે. એ સાથે જ વિવાદ પણ શરૂ થઇ ગયો હતો, વાટાઘાટો પણ થઇ.
જો કે એ બાદ લગભગ એક દાયકા સુધી અવકાશ શાંત રહ્યું. પછી ૧૯ મે ૧૯૭૭ના દિવસે કોસ્મોસ ૯૦૯ને અવકાશમાં મોકલી તેને લંબગોળ ભ્રમણકક્ષામાં મૂક્યો. હવે શિકારીને મોકલાશે તો એ જ ભ્રમણકક્ષામાં મોકલાશે એવી ગણતરી મંડાઇ હતી, પરંતુ કોસ્મોસ ૯૧૦ને તો તેના કરતાં પણ નીચી ભ્રમણકક્ષામાં તરતો મૂક્યો. અમેરિકા જોતું રહ્યું કે હવે કોસ્મોસ ૯૧૦ ઊંચે છલાંગ લગાવશે, પણ એમ ન થયું, ઉલ્ટાનું તો તે નીચે જ ધસી આવ્યો. ખેલ પૂરો થયો, અમેરિકનો માથું ખંજવાળતા રહી ગયા કે થયું શું ?
થોડા વખત પછી ખ્યાલ આવ્યો કે રશિયાએ નવી રમતમાં લેસરનો ઉપયોગ કરીને શિકારને મારી નાંખ્યો હતો. એ વખતે કાંઇ અમેરિકા પણ સખણું બેસી રહ્યું ન હતું. સ્વાભાવિક છે કે અમેરિકાએ પણ રશિયાને જવાબ આપવા માટે એન્ટી સેટેલાઇટ ટેસ્ટ કર્યા હતા. જો કે એ વખતે લેસરનો જમાનો હતો, તેથી ઉપગ્રહોને લેસરનો ઉપયોગ કરીને આંધળા બહેરા કરી દેવાના હતા, પરંતુ શીત યુધ્ધ ચરમસીમાએ પહોંચ્યું ત્યારે ઉપગ્રહોને ફૂંકી મારવા માટે મિસાઇલનો ઉપયોગ પણ શરૂ થયો, છેલ્લે ૧૯૮૫માં અમેરિકાએ એ પ્રકારનું પરિક્ષણ કર્યું હતું. એ બાદ શાંતિ રહી, તો ૨૦૦૭માં ચીને જ્યારે આ પ્રકારનું પરિક્ષણ કર્યું, ત્યારે ચોમેરથી તેને ફિટકાર લગાવાયો હતો. હવે ભારત પણ એ તાકાત દેખાડી ચૂક્યું છે.
આ તાકાત પણ જાણવા જેવી ખરી. પૃથ્વીમાં નીચલી ભ્રમણકક્ષામાં ઉપગ્રહ ફ્રતો હોય એ હવામાન કે જાસુસીને લગતા ઉપગ્રહો હોય છે. તેઓ અતિઝડપે પૃથ્વીની ફ્રતે ભ્રમણ કરતા હોય છે, ત્યારે તેનું પૃથ્વી પરથી નિશાન લેવું ઘણું મુશ્કેલ હોય છે. ઉપગ્રહ તેના ભ્રમણમાર્ગમાં સતત ફ્રતો હોય અને તેનો પીછો કરીને તોડી પાડવો એ ખાવાના ખેલ નથી. ધારેલા નિશાન પાર પાડવામાં સક્ષમ થઇ ગયેલા ભારતીય મિસાઇલ કાર્યક્રમ માટે એ અશક્ય નિશાન ન હતું, ફ્ક્ત સરકારની લીલી ઝંડીની જરૂર હતી, એ મળતાં જ ગયા જાન્યુઆરીમાં ૨૭૭ કિલોમીટર ઊંચે ચઢાવેલા માઇક્રોસેટને મિસાઇલ દ્વારા નિશાન બનાવીને તેને ફૂંકી માર્યો હતો. સૈન્યના ઉપયોગમાં આવે એવા ઉપગ્રહો નીચલી ભ્રમણકક્ષામાં ફ્રતા હોય છે, ત્યારે તેને ફૂંકી મરાય તો તેના ઉપર નિર્ભર રહેતું સૈન્ય નિઃસહાય થઇ જતું હોય છે. સરવાળે ભારત એ દિશામાં હવે દુશ્મન સાથે બેબે હાથ થઇ શકે એમ છે.
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ભારતની સ્પેસ સ્ટ્રાઇકઃ અવકાશમાં દુશ્મનને મ્હાત કરવાની ટેક્નિક appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/india-space-strike-a/
via Best Gujarati News
0 Comments