જિંદગીને શું આપવું છે, જિંદગી પાસેથી શું જોઈએ છે
લાઉડમાઉથ :- સૌરભ શાહ
તમે જિંદગી આખીના અનુભવો ભેગા કરો, અત્યાર સુધીની જિંદગી દરમિયાન જે કંઈ વાંચ્યું છે તેની યાદી બનાવો, જે કંઈ જાણ્યું છે, વિચાર્યું છે, મેળવ્યું છે એ બધું ભેગું કરો તો એ તમામનો સરવાળો આખા જગતના તમામ દરિયાઓમાંના માત્ર એક ટીપા જેટલો થાય. એક ટીપાને બદલે જેની પાસે બે ટીપાં છે એ સદ્ભાગી ગણાય અને ચમચી ભરીને હોય એ તો અહોભાગી થઈ જાય.
પોતાની મર્યાદાઓનું ભાન માણસને થાય તો એ પોતાની માની લીધેલી સીમારેખાનું ઉલ્લંઘન કરી શકે. પણ એને સીમા બહાર જવાનું મન ક્યારે થાય? જ્યારે એ પેલે પારની ક્ષિતિજો તરફ નજર દોડાવે ત્યારે. આસપાસના વર્તુળમાં ગૂંથાઈને પડયા રહેવાનું મોટાભાગના લોકોને ગમતું હોય છે. એમાં સલામતી લાગે છે. અજાણ્યા પ્રદેશના નવા અનુભવોનો વિચારમાત્ર આપણને અસલામત કરી મૂકે છે. નિશ્વિત કેડી પર ચાલતી વખતે માથે એટલો બધો બોજ લઈ લીધો હોય છે કે ચીલો ચાતરવાનો વિચાર પણ નથી આવતો. આ બોજમાં શિખામણો હોય છે. દૂધથી દાઝીને છાશ પણ ફૂંકીફૂંકીને પીનારાઓ દ્વારા અપાતી શિખામણો. આ બોજમાં નાનપણથી જ મળતી કાયરતા પણ છે. ગાડરિયા પ્રવાહમાં નહીં ભળી જવાની હિંમતના અભાવમાંથી પ્રગટતી વ્યક્તિગત કાયરતા. જેનું જે થવાનું હોય તે થાય, હું તો મારું જ સંભાળીને બેસી રહીશ એવી વિચારસરણીમાંથી નીપજતી સામાજિક કાયરતા.
શિખામણો અને કાયરતાઓના બોજ ઉપરાંત કદાચ સૌથી મોટો બોજો માણસના ખભા પર જે હોય છે તે ભવિષ્ય વિશેના સંકુચિત ખ્યાલોનો બોજ હોય છે. ભાવિનાં સપનાં જોવાની ટેવ હોવી જોઈએ. માણસની કલ્પનાશક્તિ તેજ હોય, એ ખૂબ બધાં સપનાં જુએ, તો જ એની દૃષ્ટિ ખૂલે, વિશાળ બને. મોટાભાગના લોકો માટે સપનાં જોયા પછી એમનું ભવિષ્ય એ સપનાંઓ પૂરતું સીમિત થઈ જતું હોય છે. પોતે જેની કલ્પના નથી કરતા કે નથી કરી શક્તા કે નથી કરવા માગતા એવું પોતાનું ભવિષ્ય હોઈ જ ન શકે એવું તેઓ માનતા થઈ જાય છે. પોતાનાં સપનાંઓ ભવિષ્યમાં પોતાને જ ટૂંકાં કે પહોળાં પડશે એવું સ્વીકારવા કોઈ તૈયાર થતું નથી. આને કારણે તેઓ ભવિષ્યમાં બનનારા અણધાર્યા બનાવોના રોમાંચથી વિમુખ થતા જાય છે.
પોતે જેનું સપનું જોયું છે એ જ પોતાનું ભવિષ્ય છે અને એના કરતાં જો કંઈક જુદું બન્યું તો એ અસ્વીકાર્ય છે એવું માની લીધા પછી વ્યક્તિને સીમાબદ્ધ વાતાવરણમાં ગૂંગળાઈને રહેવાની ટેવ પડી જાય છે. નિઃસીમતાની કલ્પના પણ એને નથી આવતી. ક્રમશઃ એનું વિશ્વ સમેટાઈને એક કૂવા જેવું બની જતું હોય છે.
આવો બોજ માથે ઊંચકીને ચાલતા માણસોના અનુભવનું વિશ્વ, એનું વિચારવિશ્વ, એનું વાચનવિશ્વ અને એની અનુભૂતિનું વિશ્વ હંમેશને માટે સાંકડું બની જાય છે. આવી સંકુચિતતા કાયમી ન બની જાય એ માટે મોડું થઈ જાય તે પહેલાં કશુંક વિચારી લેવું પડે. પહેલો વિચારઃ ‘જિંદગી પાસેથી શું જોઈએ છે.’ બીજો વિચારઃ ‘જિંદગીને આપણે શું આપવા માગીએ છીએ.’
જાગ્રત માણસને જિંદગી પાસેથી બે ટંકની દાલરોટી ઉપરાંત બીજી ઘણી ભૌતિક અપેક્ષાઓ હોય છે, અહીં એ ભૌતિક અપેક્ષાઓની વાત નથી. જિંદગી પાસે ૮૫ ઈંચના ટીવીની કે બોઝની સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમની કે જેગ્વાર કારની અપેક્ષાઓ જ માત્ર ન હોય. જિંદગી પાસે આના કરતાં કંઈક ઊંચી અપેક્ષાઓ રાખવાની હોય. કારણકે ભૌતિક અપેક્ષાઓ તો માત્ર રૂપિયા ખર્ચીને મળી જતી હોય છે. રૂપિયા ખર્ચ્યા પછી પણ જે નથી મળતી એવી અપેક્ષા, બજારમાં ખુલ્લેઆમ જેની વિક્રી નથી થતી એવી અપેક્ષાઓ રાખવાની હોય. નોકરીધંધો કરીને ખૂબ કમાઈ લેવાની અપેક્ષા રાખવામાં કશું ખોટું નથી. પણ આવી અપેક્ષાઓથી જિંદગીની ખરી તરસ છિપાતી નથી. એવી અપેક્ષા સંતોષાઈ જાય તે પછી પણ ક્યારેક જીવન અધૂરું લાગતું હોય છે. આ અધૂરપનું કારણ શું? જિંદગી પાસેથી શું જોઈએ છે એની અસ્પષ્ટતા. આ અસ્પષ્ટતાને દૂર કરવાનું કામ સપનાં કરતાં હોય છે. આ સપનાંઓ જેમ જેમ સાકાર થતાં જાય એમ એમ અસ્પષ્ટતાઓ દૂર થઈને જિંદગીને ચોખ્ખી, નિર્મળ આપણે જોઈ શકીએ. સપનું પોલીસ ઓફિસર બનવાનું હોઈ શકે, કવિ કે ક્રિકેટર બનવાનું પણ હોઈ શકે. રિસર્ચર, મ્યુઝિશ્યન્સ કે ખેડૂત બનવાનું પણ હોઈ શકે. પચ્ચીસ-પાંત્રીસ કે પિસ્તાળીસ-પંચાવન-પાંસઠના થઈ ગયા પછી પણ આવાં સપનાં જોઈ શકાય, સાકાર પણ કરી શકાય. પણ મોટી ઉંમરે જરાક મહેનત વધારે કરવી પડે, આસપાસના વાતાવરણમાં ખૂબ ભાંગફોડ કરવાની તૈયારી હોવી જોઈએ. નવી પેઢીની આંખમાં આ સપનાંઓ સહેલાઈથી આંજી શકીએ. બચ્ચું આઠથી અઢાર વર્ષનું હોય ત્યારે એને ધંધામાં ઊઠાં કેવી રીતે ભણાવવાં એ વિશેના પાઠ આપવાને બદલે એ પોતે જીવન પાસેથી શું શું મેળવવા માગે છે એની યાદી એની પાસે જ બનાવડાવવી જોઈએ.
સાથે બીજી એક યાદી. આ બધી પ્રાપ્તિના બદલામાં એ જીવનને શું આપવા માગે છે એનું લિસ્ટ. કશુંક આપ્યા વગર કશુંય મળતું નથી અને એ રીતે મળી જાય તો ટકતું નથી. જિંદગીને આપવા જેવું માણસ પાસે ઘણું છે. દૃષ્ટિની મુગ્ધતા, બીજી વ્યક્તિ તમારા કાનમાં શલાકા ભોંકીને તમને અકળાવવાની કોશિશ કરે તો પણ પોતાનાં ધ્યાન-એકાગ્રતામાંથી વિચલિત ન થવાની સ્થિતપ્રજ્ઞાતા, કામની ગતિશીલતા, કામની શિસ્ત અને આંખકાન તથા વિશેષતઃ મોઢા પર ચાળણી મૂકી દેવાની ટેવ જેથી નકામી વાતો જોઈને, બિનજરૂરી વાતો સાંભળીને અને નિરુપયોગી શબ્દો બોલીને માણસ પોતાની જાતને વેડફી ન નાખે.
માણસ પાસે જિંદગીને આપવા જેવું ઘણુ છે. આંખમાં નકાર ભરીને જોવાની ટેવ છોડી દીધા પછી સમજાય છે કે જિંદગીને શું શું આપી શકીએ છીએ. નકારની દૃષ્ટિને છોડી દીધા પછી મળેલા જિંદગીના અનુભવો-વિચારોનો સરવાળો જ જીવનની સૌથી મોટી અને ખરી મૂડી છે.
સાયલન્સ પ્લીઝ!
દિમાગમાં દોડતા રહેતા બીક, ભય અને ગભરાટનાં ભૂત-પિશાચોથી ડર્યા વિના હૃદયમાં જે સપનાં સેવ્યાં છે એને સાકાર કરવાનાં પ્રયત્નોમાં રચ્યાપચ્યા રહીશું તો જ આનંદથી જીવી શકીશું.
રોય ટી. બેનેટ (રિપબ્લિકન પાર્ટીના અગ્રણી નેતા, અમેરિકન રાજકારણી. જ. ૧૯૩૯-અ-૨૦૧૪)
- અજ્ઞાત
www.facebook.com/Saurabh.a.shahs
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post જિંદગીને શું આપવું છે, જિંદગી પાસેથી શું જોઈએ છે appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/what-is-life/
via Best Gujarati News
0 Comments