રશિયા મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન સેન્ટ એન્ડ્રયુથી નવાજશે
। મોસ્કો ।
સમગ્ર વિશ્વ સમુદાય ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ઓળઘોળ છે ત્યારે રશિયા તેમને સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજી રહ્યું છે. હજી ૪ એપ્રિલે યુએઈ દ્વારા ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયેદ એવોર્ડથી મોદીને નવાજવામાં આવ્યા હતા ત્યારે ૧૨ એપ્રિલે રશિયાએ ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માન સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ એવોર્ડથી મોદીને સન્માનવાની જાહેરાત કરી છે. દેશમાં હરીફ રાજકીય પક્ષના નેતાઓ ભલે મોદી અને તેમની સરકાર પર ટીકાની ઝડીઓ વરસાવતા હોય પણ વિશ્વનાં અનેક દેશો તેમનાં સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરીને તેમને નવી ઊંચાઈએ લઈ ગયા છે.
પીએમ મોદીએ ભારત-રશિયા વચ્ચેના સંબંધોને નવી ઊંચાઇ પહોંચાડયા
રશિયાનાં દૂતાવાસે જાહેરાત કરી હતી કે, ૧૨ એપ્રિલે ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ એવોર્ડથી એટલે કે રશિયાનાં સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવી રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચેનાં વ્યૂહાત્મક દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા માટે મોદીએ આ એવોર્ડ અપાઈ રહ્યો છે. રશિયાનો આ સર્વોચ્ચ નાગરિક એવોર્ડ મેળવનાર મોદી પહેલા ભારતીય વડા પ્રધાન છે. અગાઉ આ એવોર્ડથી ચીનનાં પ્રમુખ શી જિનપિંગને નવાજવામાં આવ્યા હતા.
અગાઉ યુએન, સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ કોરિયાએ મોદીનું સન્માન કર્યું હતું
થોડા દિવસ પહેલાં સંયુક્ત આરબ અમીરાત દ્વારા મોદીને ત્યાંનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયેદ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. યુએઈ સાથેનાં દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે વિશિષ્ટ ભૂમિકા પ્રદાન કરવા માટે મોદીને ઝાયેદ એવોર્ડ અપાયો હતો. મોદીએ આ માટે યુએઈનાં પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદનો આભાર માન્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં મોદીને દક્ષિણ કોરિયા તરફથી સિઓલ શાંતિ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સન્માન મેળવનાર તેઓ પહેલા ભારતીય હતા. દક્ષિણ કોરિયાએ કહ્યું હતું કે, મોદી આજે એક ગ્લોબલ લીડર તરીકે ઊભરી આવ્યા છે.
મોદીને ૬ મહિનામાં ૪ ઈન્ટરનેશનલ એવોર્ડ
રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન
સેન્ટ એન્ડ્રયુ ધ અપોસ્ટલ એવોર્ડ એનાયત કરાશે.
- રશિયા અને ભારત વચ્ચેનાં સંબંધો વધુ મજબૂત બનાવવા માટે
યુએઈ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન
- યુએઈનો ઝાયેદ એવોર્ડ અપાયો
- ભારત અને યુએઈનાં સંબંધો વધુ સુદ્રઢ બનાવવામાં મહત્વપૂર્ણ ભુમિકા માટે
સિઓલ શાંતિ એવોર્ડ
- દક્ષિણ કોરિયા દ્વારા સિઓલ શાંતિ પુરસ્કાર
- ભારત અને વૈશ્વિક ઈકોનોમીનાં વિકાસ માટે મહત્ત્વનું યોગદાન
ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ
- સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણની જાળવણી માટે આ એવોર્ડ અપાયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રશિયા મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન સેન્ટ એન્ડ્રયુથી નવાજશે appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/russia-modi-highest-no/
via Best Gujarati News
0 Comments