મને સ્ટારડમની આદત જ નથી એટલે ઓકવર્ડ લાગે છે!
કાનપુરમાં ટોળાંએ તને ઘેરી લીધો હતો એ વાત સાચી છે?
અરે એની તો મને પણ નવાઈ લાગી હતી. મને ખબર જ નહોતી કે પ્રેક્ષકોમાં મારો આટલો બધો ક્રેેઝ હોઈ શકે! વાત એમ બની હતી કે એક કાર્યક્રમમાં હાજરી આપવા અમે ગયા હતા. ત્યાં અચાનક એક ચાહક પોતાના ફોન સાથે ધસી આવ્યો અને મને ફેરવીને મારી સાથે સેલ્ફી લેવા મથામણ કરવા લાગ્યો. આવું થવાની મને જરાય અપેક્ષા જ નહોતી એટલે હું તો ગભરાઈ ગયો હતો. જોકે પછી સિક્યુરિટીના લોકોએ મામલો સંભાળી લીધો.
તેં એ ચાહક સાથે સેલ્ફી લીધી?
હા, મેં એ સજ્જનની ઈચ્છા પૂરી કરી. અને એમને કહ્યું કે સિક્યુરિટી સાથે ગોઠવણ કરીને આવવું જોઈએ. ભાઈ આમાં કોઈને નુકસાન થઈ શકે!
નવાઝ ૨૦૧૭માં રઈસ, હરામખોર, જગ્ગા જાસુસ, મોમ, મુન્ના માઈકલ જેવી ફિલ્મોમાં ધૂમ મચાવ્યા પછી બે વર્ષથી સફળતાના ફોકસમાં કેમ નથી?
સિનેજગતમાં સફળતા નિષ્ફળતા સતત ચાલતું ચક્કર છે. એ અમારા હાથમાં નથી હોતું. મારું કામ છે જે રોલ મળે એને પ્રમાણિકતાથી ભજવવાનું. એમાં કશુંક અનોખું ઉમેરવાનું! એ કામ હું પૂરી ઈમાનદારીથી કરતો રહ્યો છું.
છતાં ગયા વર્ષે મુક્કાબાઝ, મન્ટો અને જિનિયસ ત્રણેય ફિલ્મો હિટ કેમ ન થઈ?
મેં કહ્યું તો ખરું કે ફિલ્મ હિટ કરાવવાનું અમારા હાથમાં નથી. એ તો જનતા જનાર્દન, પ્રેક્ષકો જ નક્કી કરે છે. ગયા વર્ષની તમે ત્રણ ફિલ્મો ગણાવી એમાં મારો અભિનય બધાએ વખાણ્યો છે.
આ વર્ષે પણ ઠાકરે ધાર્યા પ્રમાણે ન ચાલી, ફોટોગ્રાફ પણ પિટાઈ ગઈ હતી. એવામાં આ ઘૂમકેતુ ચાલશે?
એનો જવાબ તો પ્રેક્ષકો જ આપશે. હું ફક્ત એટલું કહીશ કે આ ફિલ્મ ખૂબ જ વાસ્તવિક કોમેડી છે. એટલે લોકોને ગમવી જ જોઈએ. મન્ટો અને ઠાકરેના કારણે ચાહકો મને ઓળખવા લાગ્યા છે. હવે મને સ્ટારની જેમ ટ્રીટ કરી રહ્યા છે.
તો સ્ટારડમ કેવું લાગે છે?
મને એની આદત જ નથી. વિચિત્ર ફીલિંગ આવે છે. તમે માનશો? હું એકસ્ટ્રા હતો અને જે કપડાં પહેરતો હતો એ જ કપડાં આજે પણ પહેરું છું. મને કદાચ સ્ટારડમ ફાવતું જ નથી. બસ! અભિનય કરતો રહું અને પ્રેક્ષકોનો પ્રેમ મળતો રહે!
આ ફિલ્મ ઘૂમકેતુની રજૂઆત પણ પાછી ઠેલાઈ હતી. એનું કારણ શું હતું?
એ તો ફેન્ટમ ફિલ્મ્સ અને અનુરાગ કશ્યપ જ કહી શકે. એ વિશે મને ક્યાંથી ખબર હોય? ફિલ્મની તારીખ પાછી જરૂર ઠેલાઈ હતી, પરંતુ એનું કારણ શું હતું એની મને ખબર નથી.
અનુરાગ કશ્યપે કહ્યું કે ફિલ્મના લેખક દિગ્દર્શક પુષ્પેન્દ્રનાથ મિશ્રાએ શરત મૂકી હતી કે આ વાર્તા નવાઝુદ્દીન સિદ્દીકીને ધ્યાનમાં રાખીને જ લખી છે. બીજો કોઈ હીરો નહીં ચાલે! વાત સાચી?
હા, એક પ્રેસ કોન્ફરન્સમાં અનુરાગે આ વાત કહી હતી. મને આટલું માન આપવા બદલ હું પુષ્પેન્દ્રનાથજી અને અનુરાગ સર બંનેનો આભારી છું.
હીરો તરીકે તારો જ આગ્રહ કેમ રાખ્યો? તેં પૂછયું હતું?
હા, મેં પુષ્પેન્દ્રનાથજીને પૂછયું હતું કે આપ મારો જ આગ્રહ કેમ રાખો છો? તો એમણે કહ્યું કે મારી વાર્તામાં કોમેડી છે, કોમેડી ઊભી કરવા ઘણા મીડિયોકર દ્રશ્યો પણ છે. એ દ્રશ્યોને રીયલ બનાવીને જોનારના ગળે ઉતારી દેવાની ખૂબી મારે હીરોમાં જોઈતી હતી. એટલે તારો આગ્રહ રાખ્યો. એમનો આ જવાબ સાંભળીને હું ગદ ગદ થઈ ગયો હતો.
આ તારી પહેલી જ કોમેડી ફિલ્મ છે, એ વાત ખરી?
હા. તદ્દન સાચી વાત છે. ફિલ્મોમાં આવ્યા પછી ગ્રે શેડની ભૂમિકાઓ સૌથી વધુ કરી છે. સલમાન ખાનની કિક અને મુન્ના માઈકલમાં મેં ખલનાયકમાં પણ કોમેડીનો રંગ ભરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આઉટરાઈટ કોમેડી હોય એવી આ પહેલી જ ફિલ્મ છે.
કોમેડી ચાલશે કે નહીં એની બીક નથી લાગતી?
ના, નથી લાગતી. કારણ કે થિયેટરના દિવસોમાં મેં થોકબંધ કોમેડી નાટકો કર્યાં છે. એટલે કોમેડીના ટાઈમિંગની હથોટી છે. એની બીક નથી. મને લાગે છે કે હું જાણે મારા નાટકોના જમાનામાં આવી ગયો છું. હવે જોવાનું એ રહ્યું કે પ્રેક્ષકો કેવો ચુકાદો આપે છે.
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણવીરસિંહ, સોનાક્ષી સિન્હા વગેરે પણ છે?
હા, એ બધા અનુરાગ સરના સંબંધોના કારણે નાનકડી ભૂમિકાઓમાં દેખાશે. બધાને ખૂબ સરસ ભૂમિકા આપવામાં આવી છે.
એક જવાબ આપ, અનુરાગ કશ્યપે જાતે આ ફિલ્મનું દિગ્દર્શન કેમ ન કર્યું?
એનો જવાબ હું ન આપી શકું. એ તો અનુરાગ સર પોતે જ કહી શકે. હું માત્ર એટલું કહીશ કે પુષ્પેન્દ્રનાથ મિશ્રાએ દિગ્દર્શક તરીકે કમાલ કર્યો છે.
તારી એક્સ ગર્લફ્રેન્ડ નિહારિકા સિંઘ કેમ તારું નામ લે છે?
નો કમેન્ટ્સ! ઓકે…! ચાલો થેન્ક યૂ વેરી મચ! તમારી સાથે વાત કરવાની મઝા આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મને સ્ટારડમની આદત જ નથી એટલે ઓકવર્ડ લાગે છે! appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/i-stardom-habit-only-not-at/
via Best Gujarati News
0 Comments