લો ફોર લેડિઝ :- ડો. અમી યાજ્ઞિાક

ગુજરાત રાજ્યમાં લગ્નની નોંધણી માટે અને તેની સાથે સંકળાયેલ અને તેને લાગુ પડતી બાબતો માટે ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-૨૦૦૬’ કરવામાં આવેલ છે. ભારતમાં થયેલ લગ્નની નોંધણી ફરજિયાત હોવી જોઈએ તે માટે ભારતની ઉચ્ચ ન્યાયાલયે દરેક રાજ્યને લગ્ન નોંધણી અંગેનો યોગ્ય કાયદો ઘડવા માટે નિર્દેશ કરેલ હતો. સુપ્રિમ કોર્ટનાં હુકમમાં સુપ્રિમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો કે લગ્નની તારીખો અને લગ્નના પક્ષકારોને લગતાં રેકોર્ડના અભાવથી દૂરોગામી અસરો જન્માવતી સમસ્યાઓ ઊભી થાય છે. યોગ્ય કાયદો બનાવવામાં ન આવે, ત્યાં સુધી આ કોર્ટના આ હુકમ અનુસાર સરકારી હુકમ/વહીવટી સૂચનાઓને અમલી બનાવી શકાય. આમ જ્યાં લગ્નની નોંધણી/રેકોર્ડ કરવા માટે વૈદ્યાનિક નિર્દેશો હોય, ત્યાં વધારાના પગલાંરૂપે તેને લાગુ કરી શકાય. તેથી આવી પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યમાં લગ્નોની ફરજિયાત નોંધણીની જોગવાઈઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા એક યોગ્ય કાયદાની જરૂરિયાત જણાતા ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ ૨૦૦૬’નો કાયદો ઘડવામાં આવ્યો.

મહિલા જ્યારે કોર્ટમાં તેના પતિ સામે ખાદ્યાખોરાકી માંગવા જાય છે અથવા છૂટાછેડા માંગે છે અથવા ઘણીવાર બાળકને લગતા કેસો કોર્ટમાં કરતી હોય છે ત્યારે પુરાવાના સ્ટેજે દસ્તાવેજી પુરાવો રજૂ કરવો બહુ જરૂરી થઈ જાય છે. એ વાત ખરી છે કે લગ્નના ફોટા પુરાવા તરીકે મૂકાતા હોય છે. ગોર મહારાજની એફીડેવીટ પણ રજૂ કરવામાં આવે છે પરંતુ લગ્ન નોંધણી અંગેના દસ્તાવેજી પુરાવા ના અભાવને લીધે ઘણી વખત ન્યાયની પ્રક્રિયા લાંબી અને મુશ્કેલ થઈ જતી હોય છે.

આ કાયદાની કલમ-૩ પ્રમાણે રાજ્ય સરકારે ર્નિિદષ્ટ કરવામાં આવેલ સ્થાનિક વિસ્તારોમાં લગ્ન રજિસ્ટ્રારની નિમણૂંક કરવાની હોય છે અને રાજ્યમાં કરવામાં આવેલ લગ્નોની નોંધણીની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. કલમ-૫ પ્રમાણે લગ્નના પક્ષકારોને નોંધણીની યાદી તૈયાર કરવા અને લગ્નની તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર રજિસ્ટ્રારને પહોંચાડવા ફરમાવવામાં આવેલું છે. આ કાયદામાં એવી પણ જોગવાઈ કરી છે કે લગ્ન નોંધણીની યાદી લગ્નની તારીખથી ત્રીસ દિવસની મુદત પૂરી થયા પછી પણ રજિસ્ટ્રારને સાદર કરી શકાશે પણ સદર હું નોંધણીની યાદી મોકલવામાં ચૂક કરવા બદલ અથવા તેમાં બેદરકારી દાખવવા બદલ કલમ ૧૫ હેઠળ શિક્ષા થઈ શકે. લગ્નની નોંધણી કરવા માટે લગ્નનાં પક્ષકારોએ નિર્દષ્ટ કરેલા નમૂનામાં નોંધણીની યાદી તૈયાર કરવાની રહેશે અને લગ્નની તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર જ્યાં લગ્નનો કરાર કરવામાં આવ્યો હોય તે વિસ્તારનાં રજિસ્ટ્રારને સદર હું નોંધણીની યાદી બે નકલમાં રજીસ્ટર્ડ ટપાલથી પહોંચાડવાની અથવા મોકલવાની રહે છે. યાદી ઉપર લગ્નનાં પક્ષકારોએ, વિધિ કરાવનારે અને સાક્ષીઓએ સહી કરવી જોઈશે અને તેની સાથે ઠરાવેલી ફી પણ જોડવી જોઈશે. આ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે લગ્ન નોંધણીની યાદીમાં ખોટું નિવેદન કરવા માટે અને નોંધણીની યાદી ફાઈલ કરવામાં જાણીબૂઝીને ચૂક કરનાર રજિસ્ટ્રાર માટે શિક્ષાની જોગવાઈ કરેલી છે.

આ કાયદાની કલમ-૫ નીચે એક લગ્ન નોંધણીની યાદીનું ફોર્મ છે જેમાં લગ્ન સમયે વરનો દરજ્જો અને કન્યાનો દરજ્જો પણ બતાવવાનો હોય છે. આ યાદી/ફોર્મમાં મહિલા જાણી શકે છે કે લગ્ન સમયે વરનો દરજજો અપરિણિત, વિધુર, છૂટાછેડા થયેલ, પરિણિત અથવા કોઈ પત્નીઓ હયાત છે તે અંગેની વિગત દર્શાવવામાં આવે છે તેવી જ રીતે મહિલાએ પોતાની વિગત જેમ કે અપરિણિત, વિધવા, છૂટાછેડા થયા છે કે નહીં તેની વિગત આપવાની હોય છે. આ યાદીની સાથે બીજી ઘણી બધી વિગતો પણ આપવાની હોય છે અને નોંધણી થયા બાદ આ નોંધણીની સહી સિક્કાવાળી નકલ મળી શકે છે. આ કાયદો દરેક મહિલાએ જાણવા જેવો છે. કારણકે આ દસ્તાવેજ તે પુરાવો તેને કોઈપણ મુશ્કેલી પડે ત્યારે કામ આવતો હોય છે.

લગ્નોની ફરજિયાત નોંધણીથી, રાજ્યમાં થયેલ લગ્નોની સંખ્યાની ચોક્કસ સ્થિતિને લગતા વિશ્વાસપાત્ર આંકડા તથા સંબંધિત વસતિ સંખ્યાની વિગતો પૂરી પાડી શકાશે, જે રાજ્યમાં સામાજિક-આર્થિક આયોજનનો આધાર બની રહેશે. જન્મ મરણ અને લગ્નની નોંધણી એ રાષ્ટ્રીય વસ્તી નીતિની સંકલિત સેવાઓ પૂરુ પાડવા માટે સૌથી મહત્ત્વનું પરિબળ છે અને એટલે રાજ્યની અગત્યની વ્યુહ રચનાઓમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આવા કાયદાઓ પરદેશ જવામાં, ચાઈલ્ડ મરેજ, હિન્દુ મેરેજ અને હિન્દુ સકશેશનને લગતી સમસ્યાઓમાં ખૂબ ઉપયોગી નીવડે છે.

naari@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post મહિલાઓએ જાણવા જેવો ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-૨૦૦૬ appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/women-learn-like-gujarat/
via Best Gujarati News