આ રેલવે સ્ટેશનોનો પૂરેપૂરો વહીવટ મહિલાઓના હાથમાં છે
મહિલા જગત
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રેલવે મંત્રી પીયૂષ ગોયેલે બેંગ્લોરના બનાસવાડી રેલવે સ્ટેશનને મહિલાઓ દ્વારા ચાલતા રેલવે સ્ટેશન તરીકેની જાહેરાત કરી હતી. આમ જોવા જઇએ તો માત્ર બનાસવાડી રેલવે સ્ટેશન જ નહી, આપણાં દેશમાં હજી બીજા ચાર રેલવે સ્ટેશન છે જે માત્ર મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યાં છે. એટલે કૂલ મળીને હવે દેશમાં પાંચ રેલવે સ્ટેશન બની ગયાં છે. દેશ માટે અને દેશની મહિલાઓ માટે આ ખરેખર ગર્વની બાબત છે. કેમ કે આ પાંચેય રેલવે સ્ટેશનનો તમામ કાર્યભાર માત્ર મહિલાઓના જ ખભા પર છે અને તેઓના ઇશારે જ આ રેલવે સ્ટેશન ચાલે છે. અહી પુરુષનું રાજ નથી. બનાસવાડીમાં પણ હવે સ્ટેશન માસ્તર, બુકિંગ ક્લાર્ક અને રિઝર્વેશન ક્લાર્ક સહીત બધાં જ કર્મચારીઓમાં માત્ર મહિલાઓ જ હશે.
મહિલાઓ દ્વારા સંપુર્ણ રીતે ચાલતાં દેશના બીજા રેલવે સ્ટેશનમાં મુંબઇનું માટુંગા રેલવે સ્ટેશન, જયપુરનું ગાંધીનગર રેલવે સ્ટેશન, આંધ્રપ્રદેશનું ચંદ્રાગિરી રેલવે સ્ટેશન અને નાગપૂરનું અજની રેલવેસ્ટેશનનો સમાવેશ થાય છે. તો ચાલો આ પાંચેય રેલવે સ્ટેશન ઉપર એક નજર કરી લઇએ જે ખરા અર્થમાં નારી શક્તિથી ચાલી રહ્યાં છે.
માટુંગા (સેન્ટ્રલ) રેલવે સ્ટેશન
ભારતીય રેલવેનું પહેલું એવું રેલવે સ્ટેશન હોય કે જે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતું હોય તો તેમા માટુંગા (સેન્ટ્રલ) રેલવે સ્ટેશનનો સમાવેશ થશે. માટુંગા રેલવે સ્ટેશન સીઆરની અન્ડરમાં આવે છે. આ રેલવે સ્ટેશન મહિલાઓ દ્વારા ચાલતું ભારતનું પહેલું રેલવે સ્ટેશન બન્યું હોવાથી તેનો સમાવેશ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ કરવામાં આવ્યો હતો. આ રેકોર્ડ ૨૦૧૮માં માટુંગા રેલવે સ્ટેશનના નામે નોંધાયો હતો.
જુલાઇ ૨૦૧૭થી માટુંગા (સેન્ટ્રલ) રેલવે સ્ટેશન માત્ર મહિલાઓના કાર્યભાર હેઠળ ચાલી રહ્યું છે. અલબત્ત લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ છ મહીના બાદ નોંધવામાં આવ્યું હતું. આ સ્ટેશન ઉપર કુલ મળીને ૪૧ મહિલા કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. જેમા રેલવેના દરેક વિભાગ આવી જાય છે. આ સ્ટેશનની મુખ્ય કમાન સ્ટેશન માસ્તર મમતા કુલકર્ણી સંભાળી રહી છે. સ્ટેશનની ખાસીયત એ છે કે અહી ચોવીસ કલાક માત્ર મહિલા સ્ટાફ જ કાર્ય કરે છે. એક પણ પુરુષ કર્મચારી તમને આ સ્ટેશન ઉપર નહી જોવા મળે.
આ અંગે સ્ટેશન માસ્તર મમતા કુલકર્ણી જણાવે છે કે માત્ર લેડીઝ સ્ટાફ અહી કાર્યરત છે તો પણ અમને ક્યારેય કોઇ મોટી તકલીફ નથી નડી. હા નાનીમોટી તકલિફનો સામનો તો કરવો પડે પણ તેના દ્વારા જ અમને શીખવા મળે છે. જો સરળતાથી કામ પાર પડી જાય તો નવું જાણવા કે શીખવા ન મળે. પણ તકલીફ આવે તો તેમાથી તમે રસ્તો કાઢી નવું શીખી અને જાણી શકો છો. અમે પણ એમ જ કરી રહ્યાં છીએ. મમતા કહે છે કે તેણે પોતાની ૨૫ વર્ષની નોકરીમાં કદી આવું સ્વપ્નેય નહોતું વિચાર્યુ કે એક સ્ટેશન એવું પણ બનશે જ્યાં માત્ર મહીલાઓ જ કાર્ય કરતી હોય. વળી મમતાને ખુશી છે કે આપણાં દેશમાં હવે એક નહી પણ પાંચ પાંચ એવા સ્ટેશન છે. જ્યાં માત્ર મહિલાઓ જ છે.
જયપુરનું ગાંધીનગર રેલવે સ્ટેશન
પિંક સીટી જયપુરના ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર પણ માત્ર મહિલા રેલવે કર્મચારીઓ જ કાર્યરત છે. આ બીજા નંબરનું સ્ટેશન છે જેને મહિલાઓ બાહોશીથી હેન્ડલ કરી રહી છે. અહી ૪૦ મહિલાઓનો સ્ટાફ છે જે રોજે મળીને ટોટલ ૭૦૦૦ મુસાફરોને હેન્ડ કરે છે. આ સ્ટેશન ઉપરથી રોજે ૫૦ ટ્રેન પસાર થાય છે જેમાથી ૨૫ ત્યાં ઉભી પણ રહે છે. અહી સુરક્ષા માટે પણ માત્ર મહિલાઓને જ રાખવામાં આવી છે.
અજની રેલવે સ્ટેશન
નાગપુરના અજની રેલવે સ્ટેશનને દેશનું ત્રીજા નંબરનું રેલવે સ્ટેશન ગણવામાં આવે છે જે માત્ર મહિલાઓ દ્વારા ચાલે છે. અહી રોજે ૬૦૦૦ મુસાફરો આવજા કરે છે. આ રેલવે સ્ટેશન ઉપર ૨૨ મહિલાઓનો સ્ટાફ છે, જે સ્ટેશનની દેખરેખ કરે છે. અને સ્ટેશનને કમાન સંભાળે છે.
ચંદ્રાગીરી રેલવે સ્ટેશન
આંધ્રપ્રદેશનું ચંદ્રાગીરી રેલવે સ્ટશન પણ માત્ર મહિલા સંચાલીત રેલવે સ્ટેશન છે. અહી રોજે ૨૩૪ મુસાફરો આવજા કરે છે. આ સ્ટેશન ઉપર કુલ મળીને ૧૨ મહિલાઓનુ સ્ટાફ છે, જે સ્ટેશનને બખુબી હેન્ડલ કરી જાણે છે.
આ રેલવે સ્ટેશન સિવાય આપણાં ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ મણીનગર રેલવે સ્ટેશનને માત્ર મહિલા સંચાલીત રેલવે સ્ટેશન બનાવવાની વિચારણાં ચાલી હતી. અહીં મહિલા સ્ટાફ રાખવામાં પણ આવ્યો હતો, પરંતુ અમુક કારણોસર આ વિચાર બાદમાં પડતો મુકવામાં આવ્યો હતો.
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આ રેલવે સ્ટેશનોનો પૂરેપૂરો વહીવટ મહિલાઓના હાથમાં છે appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/this-railway-stations-full/
via Best Gujarati News
0 Comments