। જયપુર ।

રાજસ્થાન રોયલ્સે પોતાના ઘરઆંગણે રમાયેલી આઇપીએલની લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને એક બોલ બાકી રાખીને સાત વિકેટે પરાજય આપ્યો હતો. બેંગ્લોરના ચાર વિકેટે ૧૫૮ રનના જવાબમાં રાજસ્થાને ત્રણ વિકેટે ૧૬૪ રન બનાવ્યા હતા. રાજસ્તાનની ઇનિંગ્સમાં જોશ બટલરે ૫૯, સ્ટિવ સ્મિથે ૩૮ તથા ત્રિપાઠીએ ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. ચહલે ૧૭ રનમાં બે વિકેટ ખેરવી હતી. આમ, રાજસ્થાને આ સિઝનમાં પ્રથમ વિજય મેળવ્યો હતો. બીજી તરફ બેંગ્લોર સતત ચોથી મેચમાં વિજય મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું.

બેટિંગ માટે આસાન જણાતી પિચ પર પાર્થિવ તથા સુકાની કોહલીએ સકારાત્મક શરૂઆત કરીને પ્રથમ વિકેટ માટે ૪૯ રનની ભાગીદારી નોંધાવી હતી. કોહલી ૨૩ રન બનાવીને ગોપાલનો પ્રથમ શિકાર બન્યો હતો. તેના આઉટ થયા બાદ ડીવિલિયર્સ પણ ૧૩ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે પણ ગોપાલની  બોલિંગમાં આઉટ થયો હતો. ફોર્મવિહોણો હેતમાયર (૧) આઉટ થતાં બેંગ્લોરની ટીમે ૭૩ રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. ગોપાલે ગયા વર્ષે પણ જયપુરમાં કોહલી તથા ડીવિલિયર્સને આઉટ કર્યા હતા.

પાર્થિવે દબાણમાં આવ્યા વિના ઇનિંગ્સને આગળ વધારી હતી અને તેણે ૪૧ બોલમાં નવ બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે ૬૭ રનનું યોગદાન આપ્યું હતું. બેંગ્લોર તરફથી તે વર્તમાન સિઝનમાં હાઇએસ્ટ સ્કોર રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં ૧૩૮ રન બનાવ્યા હતા. ડીવિલિયર્સ ૯૩ તથા કોહલી ૭૮ રન બનાવી શક્યા છે. રસપ્રદ બાબત એ છે કે આઇપીએલ ૨૦૧૯માં દરેક ટીમના વિકેટકીપરે ઓછામાં ઓછી એક અડધી સદી ફટકારી છે.

રાજસ્તાન તરફથી ગોપાલે બેસ્ટ સ્પેલ નાખીને ૧૨ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આર્ચર પાર્થિવને આઉટ કરવામાં સફળ રહ્યો હતો. પાર્થિવ સાથે ૫૩ રનની ભાગીદારી નોંધાવનાર સ્ટોનિસે ૨૮ બોલમાં ૩૧ રનનું યોગદાન આપ્યું હતું. ઇનિંગના અંત ભાગમાં મોઇનઅલીએ નવ બોલમાં અણનમ ૧૮ રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રાજસ્થાને જીતનું ખાતું ખોલાવ્યું, બેંગ્લોરનો સતત ચોથો પરાજય appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/rajasthan-winning-account-b/
via Best Gujarati News