મહિલા ક્રિકેટ ટીમનો પૂર્વ કોચ તુષાર અરોઠે કોલેજિયનોને સટ્ટો રમાડતાં ઝડપાયો
। વડોદરા ।
વડોદરાના અલકાપુરી વિસ્તારના શગુન એક્સોટિકા ખાતે કાફે સ્ટોક એકસ્ચેન્જના આડમાં આઈપીએલની મેચો ઉપર ઓનલાઇન સટ્ટો રમાડવાના કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો . જે સીલસીલામાં મુખ્ય સૂત્રધાર તરીકે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને બરોડાની રણજી ટીમમાંથી ફર્સ્ટ ક્લાસ રમી ચૂકેલા તુષાર અરોઠે અને તેમના ભાગીદાર હેમાંગ પટેલની સ્થળ ઉપરથી જ ધરપકડ કરવામાં આવી હતી જ્યારે કાફેમાં બેસીને ક્રિકેટ ફાસ્ટ લાઇવ લાઇન,ક્રિકેટ લાઇન ગુરુ, ક્રિક લાઇન ઉપર ઓન લાઇન સટ્ટો રમતાં ૧૭ કોલેજિયન યુવકોને ઝડપી પાડયાં હતા. ૧૭ વિદ્યાર્થીઓ મોટાભાગે એમ.એસ.યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, હરણીની નિપોટેક અને વાસદની SVIT કોલેજના સ્ટુડન્સ છે. જે તમામને લઈ જવાતાં અલકાપુરીમાં ઉત્તેજના વ્યાપી હતી. પોલીસે જુગારધારા મુજબ ગુનો નોંધીને ૨૧ મોબાઇલ ફોન, ટુ વ્હિલર અને ફોર વ્હિરલ મળીને કુલ ૯ વાહનો, પ્રોજેક્ટર સહિત કુલ રૂ. ૧૪,૩૯,૯૬૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પૂછપરછ આગળ ધપાવી છે.
ડી.સી.પી. ક્રાઈમ જયદીપસિંહ જાડેજાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતુ કે, કાફેમાં હાજર જેટલા લોકોએ મોબાઇલ ફોનમાં ક્રિકેટ ફાસ્ટ લાઇવ લાઇન, ક્રિકેટ લાઇન ગુરુ અને ક્રિક લાઇન નામની એપ્લિકેશનો ડાઉન લોડ કરી હતી. આ એવી મોબાઈલ એપ છે કે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ નથી. કાફેના સંચાલક હેમાંગ ધીરુભાઈ પટેલ દ્વારા ડાઉનલોડ કરી આપવામાં આવતી હતી. મોબાઇલ ધારક કેટલી રકમનો જુગાર રમવા માગે છે તે પ્રમાણે તેની પાસેથી પૈસા લઈને ક્રેડિટ આપવામાં આવતી હતી.
તુષારના ફોન બુકમાંથી અનેક ક્રિકેટર્સના નંબર મળ્યાં
પૂર્વ ક્રિકેટર તુષાર અરોઠેનો મોબાઈલ ફોન ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યો છે. તેના મોબાઈલ ફોનમાંથી અનેક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર્સ, બી.સી.એ.ની વિવિધ કેટેગરીની ટીમોના કોચ અને ઈન્ટરનેશનલ ક્રિકેટરો તેમજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઆના નંબર છે. તુષાર સાથે બીજા કોઈ ક્રિકેટર સંકળાયેલા છે કે કેમ ? તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરુ કરી છે.
ઋષિ અરોઠે શંકાના દાયરામાં છે : DCP
કાફે સ્ટોક એકસ્ચેન્જવાળી પ્રોપર્ટીની માલિકી ઋષિ તુષાર અરોઠે, હેમાંગ પટેલ અને નિૃલ શાહના નામે છે. ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડવા બદલ તુષાર અરોઠેની ધરપકડ થઈ છે ત્યારે તેમના પુત્રની કોઈ સંડોવણી છે કે કેમ ? તેવો પ્રશ્ન ડી.સી.પી. જાડેજાને પૂછતાં તેમણે જણાવ્યું હતુ કે, ઋષિ પણ હાલમાં શંકાના દાયરામાં છે પોલીસે ક્લીનચિટ આપી નથી.
BCAના રિવાઈવલ જૂથમાં સોપો : બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં હાલમાં રિવાઈવલ જૂથનું શાસન છે અને તુષાર અરોઠે આ જૂથનું સમર્થન કરતો હતો. વડોદરાના પૂર્વ ક્રિકેટર તુષારની આઈપીએલની મેચ ઉપર ઓનલાઇન જુગાર રમાડવાના ગંભીર આક્ષેપ સાથે ધરપકડ થતાં રિવાઈવલ જૂથમાં સોંપો પડયો છે.
૫ સેકન્ડના ગેપમાં કરોડોની ઉથલ પાથલ ?
જે મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી ઓન લાઈન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડવામાં આવતો હતો તે એપ્લીકેશન ક્રિકેટ ફાસ્ટ લાઈવ લાઈન, ક્રિકેટ લાઈન ગુરુ અને ક્રિક લાઈન અંગે વધુ માહિતી આપતાં ડી.સી.પી.એ જણાવ્યું હતુ કે, ટેલિવિઝન ઉપર દર્શાવાતી લાઈવ મેચ કરતાં આ એપ્લિકેશનમાં ૧ બોલ આગળ રહેતો હતો. ટીવી ઉપર ૧ ઓવર અને ૪ બોલ થયાં હોય તો આ એપ્લિકેશનમાં પાંચમો બોલ નંખાઈ ગયો હોય છે. આ પાંચ થી છ સેકન્ડના ગાળામાં મોટાપાયે જુગાર રમાઈ જતો હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post મહિલા ક્રિકેટ ટીમનો પૂર્વ કોચ તુષાર અરોઠે કોલેજિયનોને સટ્ટો રમાડતાં ઝડપાયો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/women-cricket-team-of-the-future/
via Best Gujarati News
0 Comments