સિને ફ્લેશબેક :- અક્ષયકુમાર વિદ્યાર્થી

એ ભીમસિંઘ આંધ્રપ્રદેશના ચિત્તુર ખાતે ૧૯૨૪માં જન્મ્યા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત આંધ્રપ્રભા નામના અખબારમાં પ્રૂફરીડર તરીકે કરી હતી. પછીથી એવીએમ સ્ટુડિયોમાં ક્રિશ્નન પન્જુના સહાયક તરીકે સિનેમામાં જોડાયા હતા. પહેલી જ ફિલ્મ જેમાં એ સહાયક હતા એ અમ્મઈયપ્પન તમિળની મોટી હિટ ફિલ્મ બની. કરુણાનિધિએ જેની પટકથા લખી હતી એ ફિલ્મ રાજા-રાની તૂટતા સંયુક્ત પરિવારોમાંથી સર્જાતી સમસ્યાઓ અને ડીએમકે ચળવળને ઉજાગર કરવામાં સફળ રહી. ત્યારપછી એ. ભીમસિંઘે સંયુક્ત પરિવારની સમસ્યાઓ અને સંયુક્ત પરિવાર તૂટવાથી થતી સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને સંખ્યાબંધ ફિલ્મો બનાવી હતી.

પછીથી તમિળ અને તેલુગુમાં હિટ-સુપરહિટ થયેલી ફિલ્મોનું હિન્દીકરણ કરી રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાનો પ્રયોગ કર્યો. એમાં ખૂબ સફળતા મેળવી. એ. ભીમસિંઘે કુલ ૧૮ હિન્દી ફિલ્મો બનાવી છે. એમાં આદમી, સાધુ ઓર શયતાન, ગોપી અને નયા દિન નઈ રાત ખૂબ જ નોંધપાત્ર રહી.

એ. ભીમસિંઘે ૧૯૬૦માં આઈ ફિર સે બહાર ફિલ્મથી હિન્દીમાં પદાર્પણ કર્યું હતું. પછી ૧૯૬૨માં૫વિત્ર પ્રેમ, મૈં ચુપ રહુંગી અને રાખી જેવી ફિલ્મો બનાવી. ૧૯૬૪માં પુજા કે ફૂલ, ૧૯૬૭માં મહેરબાન ફિલ્મો બનાવી જે સરેરાશ ચાલી હતી. અને ૧૯૬૮માં દિલીપકુમાર, મનોજકુમાર, વહીદા રહેમાનને ચમકાવતી પ્રણય ત્રિકોણની ફિલ્મ આદમી બનાવી. આ ફિલ્મ હિટ રહી. એ જ વર્ષે મહિલાલક્ષી ફિલ્મ ગૌરી અને મહેમૂદ તથા કિશોરકુમારને ચમકાવતી કોમેડી ફિલ્મ સાધુ ઔર શયતાન બનાવીને ધૂમ મચાવી દીધી. ૧૯૬૯માં ભાઈબહેન બનાવી. એ પણ ઠીક ઠીક ચાલી. ૧૯૭૦માં દિલીપકુમાર સાયરાબાનોને ચમકાવતી ફિલ્મ ગોપી બનાવી જે સુપરહિટ રહી. ૧૯૭૨માં રાજેશ ખન્નાને લઈ જોરૂ કા ગુલામ બનાવી જે પિટાઈ ગઈ. માલિક અને સબ કા સાથી પણ ખાસ નહોતી ચાલી. ૧૯૭૩માં ધર્મેન્દ્રને ચમકાવતી લોફર ઠીક ઠીક ચાલી હતી. એ પછી સંજીવકુમારને સાત ભૂમિકાઓમાં ચમકાવતી ફિલ્મ નયા દિન નઈ રાત બનાવી જે ખૂબ ચર્ચાઈ હતી. એ પછી ૧૯૭૫માં અમાનત અને ૧૯૭૭માં યારોં કા યાર બનાવી હતી. જોકે મારધાડના જમાનામાં એ. ભીમસિંઘની ફિલ્મો ખાસ ચાલતી જ નહોતી.  ત્યારે હિન્દી ફિલ્મોથી એ. ભીમસિંઘ હતાશ થઈ ગયા અને તમિળ ફિલ્મો જ બનાવવા લાગ્યા. ૧૬ જાન્યુઆરી ૧૯૭૮ના રોજ માત્ર ૫૩ વર્ષની ઉંમરે તેઓ અવસાન પામ્યા.

cine@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પ્રૂફરીડર તરીકે શરૂઆત કરી ટોચના ફિલ્મસર્જક બન્યા appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/proofreader-as-start-tax/
via Best Gujarati News