સાન્તેનરે છગ્ગો મારી ચેન્નઇને જીતાડયું
। જયપુર ।
છેલ્લા બોલ સુધી રોમાંચક બનેલી આઇપીએલની લીગ મેચમાં સાન્તેનરે છેલ્લા બોલે સિક્સ ફટકારતા ચેન્નઇ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને તેના ઘરઆંગણે ચાર વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે મહેન્દ્રસિંહ ધોની આઇપીએલમાં ૧૦૦ વિજય મેળવનાર પ્રથમ સુકાની બની ગયો છે. રાજસ્થાનના સાત વિકેટે ૧૫૧ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ચેન્નઇની ટીમે છેલ્લા બોલે છ વિકેટે ૧૫૫ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. છેલ્લી ઓવરના ચોથા બોલે વિવાદ થયો હતો. અમ્પાયરે એક સમયે નો-બોલ જાહેર કર્યા બાદ તેને પાછો ખેંચી લીધો હતો. આ કારણથી ધોનીએ અમ્પાયર્સ સાથે બોલાચાલી પણ કરી હતી. રનચેઝ કરનાર ચેન્નઇની ટીમ માટે ધોનીએ ૪૩ બોલમાં બે બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર વડે ૫૮ તથા રાયડુએ ૪૭ બોલમાં ૫૭ રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ પાંચમી વિકેટ માટે ૯૫ રનની ભાગીદારી નોંધાવી હતી. આ પહેલાં રાજસ્થાનની ઇનિંગ્સમાં સ્ટોક્સે ૨૮ તથા બટલરે ૨૩ રન બનાવ્યા હતા. ચેન્નઇ માટે ચહર, ઠાકુર તથા જાડેજાએ ૨-૨ વિકેટ ખેરવી હતી. આઇપીએલમાં જાડેજાએ ૧૦૦ વિકેટ પૂરી કરવાની સિદ્ધિ પણ મેળવી હતી.
IPLમાં જાડેજાની ૧૦૦ વિકેટ પૂરી, ભારતનો ૧૦મો બોલર
ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા રવીન્દ્ર જાડેજાએ રાજસ્થાન સામેની મેચમાં રાહુલ ત્રિપાઠીને આઉટ કરવાની સાથે આઈપીએલમાં ૧૦૦ વિકેટ પૂરી કરવાની સિદ્ધિ મેળવી હતી. આ સિદ્ધિ મેળવનાર જાડેજા પ્રથમ ડાબોડી સ્પિનર હોવા ઉપરાંત ભારતનો છઠ્ઠો સ્પિનર તથા ૧૦મો ભારતીય બોલર બન્યો છે. આ યાદીમાં શ્રીલંકાનો લસિત મલિંગા ૧૧૩ મેચમાં ૧૫૭ વિકેટ સાથે મોખરાના સ્થાને છે. દિલ્હી કેપિટલ્સનો અમિત મિશ્રા ૧૪૯ વિકેટ સાથે બીજા સ્થાને છે. પીયૂષ ચાવલો ૧૪૪ વિકેટ ખેરવી છે. અન્ય બોલર્સમાં ભુવનેશ્વર કુમાર, આર. અશ્વિન, હરભજન, સુનીલ નરૈન, ઉમેશ યાદવ, આશિષ નેહરા, બ્રાવો, વિનયકુમાર તથા ઝહિર ખાનનો સમાવેશ થાય છે. જાડેજાએ ૧૬૧મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સાન્તેનરે છગ્ગો મારી ચેન્નઇને જીતાડયું appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/santander-chago-marie-chen/
via Best Gujarati News
0 Comments