રામોલ દુષ્કર્મકાંડમાં પીડિતાના મોત બાદ પોલીસ સફાળી જાગી, બે આરોપી પકડયા
રામોલમાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને કિડની પર અસર થતાં આખરે ગુરૂવારે મોત નિપજ્યું હતું. ગત ૧૮મી માર્ચે પીડિતાએ ચાર યુવકો ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં પોલીસ આરોપીઓને છાવરતી રહી હતી.પીડિતા ન્યાય ઝંખી રહી હતી પરંતુ, લાગણીવિહિન પોલીસની માનવતા જ મરી પરવારી હતી.
પોલીસે ૪૦ દિવસ સુધી તપાસના નાટક કર્યા હતા. આખરે પીડિતાએ અંતિમ શ્વાસ લીધા ત્યાર બાદ પોલીસ હરકતમાં આવી હતી અને માત્ર બે આરોપીને પકડીને સંતોષ માન્યો હતો. ગુજરાત યુનિ.માં સ્કૂલ ઓફ સાયન્સમાં હંગામી ધોરણે ક્લેરીકલ જોબ કરતા અંકીત પારેખ અને એમએલટીના વિદ્યાર્થી ચિરાગ વાઘેલાની ધરપકડ કરી છે.
અમરાઇવાડીમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીને એટીકેટી સોલ્વ કરાવવાના નામે ત્રણ વખત ફોર્મ ભરવા માટે કોલેજ તથા યુનિવર્સિટી ગઇ હતી.
આ સમયે કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓએ યુવતીને કહ્યુ કે, પેલા યુવકો ફોર્મ ભરી આપશે. તેમ કહી આ યુવતી સંપર્કમાં આવી હતી અને બાદમાં તેને ગેસ્ટ હાઉસમાં લઇ જઇ કેફી પીણુ પીવડાવીને આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું. યુવતી બીજી વખત ફોર્મ ભરવા આવી ત્યારે અન્ય બે છોકરાઓએ સામુહિક દુષ્કર્મ આચર્યું અને ફરી ત્રીજી વખત ગઇ ત્યારે હાજર ચાર યુવકોએ ગેસ્ટ હાઉસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતુ. યુવતીને બ્લેકમેઈલ કરી યુવકો વારંવાર દુષ્કર્મ આચરતા હતા.
જેના પગલે યુવતીને ગર્ભ રહેતાં આઠ માસ બાદ મૃત બાળકનો જન્મ થયો હતો. જેના પગલે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બાદમાં ૧૮મી માર્ચે ચાર યુવકો સામુહિક દુષ્કર્મની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી. ફરિયાદ થયાના ૪૦ દિવસથી પણ વધુ સમય વીતી ગયો યુવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. યુવતીની કુખે મૃત બાળકના જન્મ બાદ તબિયત લથડી હોવાતી એલજીમાં સારવાર ચાલી રહી હતી. જો કે, તબિયત લથડતાં અને કિડનીમાં અસર થતાં તેણે સિવિલની કિડની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ગુરૂવારે રાત્રે ન્યાયની આશા રાખતી રહેલી યુવતીનું મોત થયું હતું.
હરકતમાં આવેલી રામોલ પોલીસે આ મામલે ચિરાગ અમૃતલાલ વાઘેલા (ઉં,૨૩) રહે,જનતાનગર, ચાંદખેડા અને અંકીત નરેન્દ્રભાઈ પારેખ (ઉં,૨૪) રહે, દેવશેરી ખાળાકુવા, સરખેજની ધરપકડ કરીને બન્નેના ડીએનએ સેમ્પલ લેવડાવ્યા હતા. આ કેસમાં હાર્દિક નરેન્દ્ર શુકલા (રહે, અમરાઈવાડી) અને રાજ નામના બે આરોપી ફરાર છે. હાર્દિક અગાઉ નડિયાદમાં ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલો છે. આઈપીએસ અધિકારીઓએ પણ આ કેસમાં ગમે તે દબાણ હેઠળ ચૂંટણી પતવા દો પછી ધરપકડ કરીએ તેવા બહાના હેઠળ આરોપીઓને છાવર્યા હતા.
મૃત્યુ પહેલાં પીડિતાએ આરોપીઓના નામ આપ્યાં
પીડિતાએ પોલીસને મૃત્યુ પહેલાં આરોપીઓનાં નામ આપ્યાં હતા. પીડિતાએ પોલીસને જવાબ આપતાં કહ્યું હતું કે, ચાર-પાંચ યુવકોએ મારી સાથે જબરજસ્તી કરી હતી. જેમાં એકનું નામ ઋત્વિક પંડયા હતું એકનું નામ હાર્દિક હતું, એકનું નામ ચિરાગ હતું.
વાહ રે પોલીસ વાહ : ચૂંટણીના બહાને તપાસ ટલ્લે
સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા ૪૦ દિવસથી ન્યાયની રાહ જોઈ રહી હતી. આખરે ગુરૂવારે અંતિમ શ્વાસ લીધો હતો. પોલીસ ૪૦ દિવસ સુધી તપાસના નાટક કરતી રહી હતી. એટલું જ નહીં પણ ચૂંટણીના બહાને તપાસ જ ટલ્લે ચડાવી દીધી હતી. ન્યાય માટે પરિવાર પોલીસમાં ગુહાર લગાવતો હતો પણ પોલીસ પીડિતાને જીવતે જીવતે ન્યાય અપાવી શકી નહોતી.
પીડિતા ગરીબ હોવાથી પોલીસ નિષ્ક્રિય રહી
પોલીસ પણ આંખો ઓળખીને તપાસ કરતી હોય તેવી પ્રતીતિ થઈ રહીં છે. દૂષ્કર્મકાંડનો ભોગ બનેલી પીડિતા ગરીબ પરિવારમાંથી આવતી હતી. તેની કોઈ ઊંચી વગ નહોતી એટલે એની તપાસને અભેરાઈએ ચડાવી દેવામાં આવી હતી. શુ પીડિતા ગરીબ પરિવારની હતી એ ગુનો હતો ? આ જગ્યાએ કોઈ હાઈપ્રોફાઈલ કેસ હોત તો ? પોલીસ જરા જવાબ આપશે ? શું પીડિતા ગરીબ પરિવારની દીકરી હતી એટલે તપાસનું ફીડલું વાળી દેવાયું હતું ?
રામોલ પોલીસની ગંભીર બેદરકારી
રામોલ પોલીસ કેસમાં ઢીલ વર્તવા અંગે યુવતીની ફરિયાદમાં આરોપીઓના પુરા નામ કે ગેસ્ટહાઉસની વિગતો ન હોવાનો લુલો અને નિષ્ફળ બચાવ કરવામાં આવ્યો હતો.રામોલ વિસ્તારમાં ચાલતાં ગેસ્ટહાઉસના રજીસ્ટર પોલીસે ચેક કરવાની તસ્દી જ લીધી ન હતી. પોલીસ અગાઉથી આરોપીઓ વિશે જાણતી હતી પરંતુ છાવરીને ધરપકડ કરતી ન હતી. યુવતીના મોતના ગણતરીના કલાકમાં પોલીસને કેવી રીતે આરોપી મળ્યા ? તે પણ એક મોટો સવાલ છે.
રાજકીય દબાણ હતું કે પોલીસ લાગણીવિહીન હતી ?
સામુહિક દુષ્કર્મ કેસમાં પોલીસે અંકીત પારેખને ઝડપી લીધો જે અંકિત અગાઉ એબીવીપમાં સક્રિય હતો. પોલીસે આ કેસમાં કરેલા આંખમિચામણા રાજકીય દબાણને કારણે કર્યા કે પછી ખરેખર લાગણીવિહીન થઈ તપાસ કરવા જ માંગતી ન હતી ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રામોલ દુષ્કર્મકાંડમાં પીડિતાના મોત બાદ પોલીસ સફાળી જાગી, બે આરોપી પકડયા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/victim-woman-death-during-two-accused-caught/
via Best Gujarati News
0 Comments