સ્વયં ઘોષિત સંત આસારામ અને તેના ફરજંદ નારાયણની લંપટ લીલાનો પર્દાફાશ સુરત પોલીસે દાખલ કરેલી એફઆઇઆરના કારણે થયો હતો. જો કે ગુનો દાખલ કર્યા બાદ કાર્યવાહીની જગ્યાએ વાહવાહી લૂંટવાની તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાનની નીતિરીતિના કારણે કેસ ગૂંચવાયો હતો.

નારાયણ હમારી રડારમે હૈ.. એવુ જે તે સમયનું અસ્થાનાનું સ્ટેટમેન્ટ બે મહિના સુધી વાદ વિવાદનું કેન્દ્ર બન્યું હતું. ગુનો દાખલ થયા બાદ ભાગેલા નારાયણે ૫૬ દિવસ સુધી પોલીસને ભારત ભ્રમણ કરાવ્યું હતું.

આસારામના ધાર્મિક સામ્રાજ્યમાં ખીલો ઠોકવાનું કામ સુરત પોલીસે કર્યું હતું. કારણ, હેતુ કે ઇરાદા જે કંઇપણ હોય પરંતુ દસ વર્ષ જૂની ઘટના અંગે ગુનો દાખલ કરી પોલીસે એકરીતે પડકાર ઝીલ્યો હતો. ૬ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ જહાંગીરપુરા પોલીસ મથકમાં નારાયણ સાંઇ વિગેરે સામે નોંધવામાં આવેલી ફરિયાદે તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાને લાઇમ લાઇટમાં લાવી નાંખ્યા હતાં.

ગુનો નોંધાયા બાદ દેશ આખાનું મીડિયા સુરતમાં ઊતરી પડયું હતું. કોન્ફુરન્સ અને ‘વન ટુ વન’માં અસ્થાના એટલા વ્યસ્ત થઇ ગયા કે નારાયણ છટકી ગયો હતો. ભોપાલથી નારાયણ અંડર ગ્રાઉન્ડ થઇ ગયો અને પોલીસને પરસેવો વળવા માંડયો હતો. મીડિયાના અણિયારા પ્રશ્નો અને પ્રેશર વચ્ચે તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ ઓન કેમેરા સ્ટેટમેન્ટ આપ્યું હતું કે નારાયણ હમારી રડાર મે હૈ..  આ સ્ટેટમેન્ટ બાદ પોણા બે મહિના સુધી નારાયણે પોલીસ સાથે પકડદાવ રમ્યો હતો. આ એવો સ્ટેજ હતો કે જ્યારે પોલીસ બેકફૂટ ઉપર આવી ગઇ હતી.

પોલીસના રડાર ઉપર સવાલ ઊઠવા માંડયા હતાં. નારાયણ ભાગ્યો કે ભગાડી દેવાયો એવા પ્રશ્નો સાથે પોલીસ વિવાદમાં ઘેરાઇ ગઇ હતી. ડીસીપી શોભા ભૂતડા, એસીપી જે. કે. ઝાલા, રિયાઝ મુન્શી, મુકેશ પટેલ, પીસીબી પીઆઇ ડી. જી. ચૌધરીની આગેવાનીમાં ૫૮ ટીમે દિવસ રાત એક કર્યા હતાં. મોબાઇલ સર્વેલન્સથી કડી મળી હોય કે બાતમી, શહેર પોલીસે હવાઈ માર્ગે ધસી જઇ દરોડા પાડયા છતાં તે ઝડપાયો ન હતો. નારાયણ સાઇની વર્તણૂક કોઇ પ્રોફેશનલ ક્રિમિનલને શરમાવે એવી શાતિર હતી.

તે ૨૪ કલાકથી વધું કોઇ સ્થળે રોકાયો ન હતો. ભોપાલ, સીતાપુર, હરિદ્વાર, થાણે, ઉદયપુર, લુધિયાણામાં તેણે આશરો લીધો હતો. ઓળખ છુપાવવા તેણે દાઢી મૂંછ મૂંડાવ્યા, ટકો કરાવ્યો, ધોતિયું કાઢી જિન્સ ટી શર્ટ પણ પહેર્યા હતાં. ૪ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ હરિયાણા દિલ્હી સરહદેથી પકડાયો ત્યારે નારાયણ શીખ વેશમાં હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નાસેલા નારાયણને પકડવા પોલીસ કમિશનર અસ્થાનાનું ‘રડાર’ 56 દિવસ ગોટે ચડયું હતું appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/police-commissioner-rakesh-asthana-radar-for-56-days-was-held-to-arrest-narayan-sai/
via Best Gujarati News