ઘર ખુશ તો જગત ખુશ!
લાફ્ટર કાફે : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’
કેરી વગરનો ઉનાળો એટલે ચાંદ વગરની પૂનમ જેવું કહેવાય. પણ આ ઉનાળે તો કેરી પણ સદાચારની જેમ અદ્રશ્ય થઈ ગઈ છે. સદાચાર તો હજી રીઢા રાજકારણીઓ જેવામાંય ક્યાંક જોવા મળે, પણ કેરી? કેરીની તો સુગંધ પણ માણવા નથી મળતી.
રાબેતા મુજબ હું ‘જે શ્રીકૃષ્ણ’ કહીને ઓફ્સિ જવા નીકળતો’તો ત્યાં જ વાઇફે ‘જે શ્રીકૃષ્ણ’ કહેવાને બદલે ટકોર કરી, “આજે ભૂલતા નહીં હોં ?” મેં હસતાં હસતાં કહ્યું, “આટલાં વરસોમાં ક્યારેય ભૂલ્યો છું. ભલે, થોડું મોડું-વહેલું થાય, પણ ઘેર આવવાનું ન ભુલાય, સમજી ?!” અને તરત જ એ તાડૂકી, “તમે મને ગાંડી સમજો છો?” મેં ઠાવકાઈથી કહ્યું, “લે, એમાં સમજવાનું શું હોય? એક વાર જે સમજાઈ ગયું હોય એને બીજી વાર સમજવાનું ન હોય, ચલો, જે શ્રીકૃષ્ણ…”
ઝાંપો બંધ કરી હું બાઇક ચાલુ કરતો’તો ત્યાં પાછું એણે બહાર આવીને કહ્યું, “હું કેરીની વાત કરું છું, કેરીની…”
“લે… એ તો ડિસેમ્બરમાં આવે છે ને? એકલી આવે છે કે સાથે વિલિયમ પણ આવે છે?”
“હું અમેરિકાવાળી તમારી ભત્રીજીની વાત નથી કરતી… હું અંબાલાલ કાકાની બેબીની વાત નથી કરતી, આંબાની કેરીની વાત કરું છું. આજે મારે કેરીનો રસ ખાવો છે… જરા મીઠી લાવજો… તમને છેતરાઈ જતાં વાર જ નથી લાગતી.”
“વાહ! ૧૯૭૫ની ચિરસ્મરણીય ઘટનાને યાદ રાખી તું આજે પણ આટલું કબૂલે છે અને સ્વીકારે છે એય ઘણું છે! OK, તું મેન્ગોની વાત કરે છે!”
“હા, મેન્ગોની વાત કરું છું” એણે હસી પડતાં કહ્યું, “નાઉ, ગો મેન, ગો !”
ભગવાને અમને બંનેને ભલે ગાંડા ન બનાવ્યા, પણ એ બાબતે અમે બંનેએ આજ સુધી ભગવાનને ક્યારેય ફ્રિયાદ નથી કરી. ઊલટાનું ભગવાનને એની આ ભૂલ બદલ હૈયાધારણ આપનારાં અમે બંને એટલું જરૂર કહીએ છીએ કે વાહ પ્રભુ, તારાથી રહી ગયેલી ખામી, તેં અમારા બંને દ્વારા સુધારવાની અમને શબ્દ કળા આપી છે એય ઘણું છે !
“કેમ પંડયા, આજે એકલા એકલા વગર મૂછે મૂછમાં હસો છો?!” બોસે ઇર્ષાથી કહ્યું કે ટેન્શનથી-એની મને ખબર ન પડી.
ઈર્ષાથી પૂછયું હોય તો તો વાંધો નહીં, પણ ટેન્શનથી પૂછયું હોય તો બે બાબત ચોક્કસ બનવાની : કાં તો મને ઠપકો મળે, કાં તો ઓફ્સિ છૂટયા પછી રોકાવું પડે.
“બસ, આપનાં દર્શન થયાં… મને પ્રસન્નતા થઈ સર!” અન્ય કર્મચારીઓની જેમ મેં પણ બોસને વહાલા થવાનો રાજકીય કહેવાય એવો નમ્ર પ્રયાસ કર્યો, પણ મારો એ નમ્ર પ્રયાસ ગાઢ વિષાદમાં પલટાઈ ગયો.
“શું ધૂળ પ્રસન્નતા થઈ?” બોસ તાડૂક્યા.
(એક જરૂરી સ્પષ્ટતા : બોસ ઓફ્સિનો હોય કે ઘરનો – તાડૂકવાનો સ્વભાવ બંનેમાં કોમન હોય)
“સોરી સર,” મેં ગંભીરતાનો મેકઅપ કર્યો, “ઇઝ ધેર એની થિંગ રોંગ?”
“અરે, એવરીથિંગ ઇઝ રોંગ…” બોસે સહેજ હળવા થઈને પૂછયું, “તમે ટિફ્નિ લાવ્યા છો? લાવ્યા હો, તો લઈને મારી ઓફ્સિમાં આવજો, આપણે સાથે લંચ લઈશું, આજે હું ટિફ્નિ નથી લાવ્યો.”
“OK સર.”
“પાછા હમણાં ન આવતા, લંચ અવર્સમાં જ આવજો… તમારું ભલું પૂછવું.”
હું વિચારમાં પડયો કે વાઇફ્ની ગેરહાજરીમાં માણસ વિરહમાં દુઃખી દુઃખી થઈને કેવો અકળાઈ જતો હોય છે… બસ, મારા બોસમાં અને મારામાં આટલો જ ફ્રક!
લંચ અવર્સમાં હું મારું ટિફ્નિ લઈ બોસની ચેમ્બરમાં ગયો.
“સર, અહીંયા જ જમીશું કે કેન્ટિનમાં જઈને…”
“કેમ, તમને અહીં નહીં ફવે?”
“અરે સર, મને તો ઉકરડામાંય ફવે…”
“વ્હોટ ડુ યુ મીન? મારી ઓફ્સિ તમને ઉકરડો લાગે છે?”
“સોરી સર… મારો કહેવાનો મતલબ એવો નહોતો… હું તો…”
“OK, OK” બોસે નેપકિન વડે હાથ લૂછતાં લૂછતાં કહ્યું, “નડે છે ત્યારે સઘળાં નડે છે…”
“હું સમજ્યો નહીં સર…”
“તમે નહીં સમજો…” બોસે જમવાનું શરૂ કરતાં કહ્યું, “વાઇફે-વાઇફે ફેર હોય… ઇફ યુ વેર ઇન માય પોઝિશન…”
“વાહ!” મને અંગ્રેજીમાં સહેજપણ સમજ ન પડી તેમ છતાં હું સમજ્યો છું એવું બતાવવા માટે મેં કહ્યું, “વાહ મેડમની તો વાત જ જુદી હોં!”
“તમે એને ક્યારેય મળ્યા છો?”
“અરે સાહેબ! આટલાં વરસોથી એ મારી સાથે રહે છે અને તમે આવું પૂછો છો?”
“તમે કોની વાત કરો છો પંડયા?”
“મારી વાઇફ્ની!”
“ઓહ… તો, તમારાં વાઇફ્ને તમે મેડમ કહો છો?”
“ઓહ યેસ્સ!” મેં હરખાતાં કહ્યું, “ઓફ્સિમાં તમે અને ઘરમાં એ… મારે તો બંને સરખાં!”
“મતલબ?” કોળિયા બોસના હાથમાં જ રહી ગયો.
“હું મારી વાઇફ્ને મારો બોસ માનું છું.”
બોસને સ્થિતપ્રજ્ઞા થઈ ગયેલા જોઈને મેં ધીરેથી ચારેબાજુ જોઈને કહ્યું, “સર, અહીં તમે ભલે બોસ રહ્યા, પણ ઘેર ગયા પછી મારી જેમ રહેતા થઈ જાવ, જિંદગીનો અંદાજ બદલાઈ જશે!”
“અરે યાર… ધીરે બોલો…” બોસે ચોર નજરે આજુબાજુ જોઈને કહ્યું: “આજે એણે કેરીનો કરંડિયો મંગાવ્યો છે… જો આજે નહીં લઈ જઉં તો…”
“વાહ, એમણે પણ?!” મેં ખુશ થતાં કહ્યું, “સર, આપણે એક જ વહાણના મુસાફ્રો છીએ! મારી વાઇફે પણ આજે કેરીઓ મંગાવી છે. જો નહિ લઈ જાઉં, તો…”
“તો? તો… શું?” બોસને કુતૂહલ થયું.
“તો… હવે સમજી જાવને સાહેબ, આ લોકોની દોડ ક્યાં સુધી હોય? કિચન સુધી!”
“તમે શું બોલો છો પંડયા… કિચન, વહાણ અને દોડ… કંઈક સમજાય એમ બોલો…”
“OK સર… મારો કહેવાનો મતલબ એ છે કે આજે તો કેરી લઈને જ જજો, જો આવતીકાલે આપણે બંનેએ સાથે લંચ લેવાનો વારો ન લાવવો હોય તો! હું તો આજે કરંડિયો લઈ જવાનો છું. ‘જીગર’ ખુશ તો ઘર ખુશ અને ઘર ખુશ તો જગત ખુશ !”
શુગર ક્યુબ :
– મને સારા જોક્સ જીસ્જી કરને?
– અત્યારે હું વાંચવા બેઠો છું. પછી મોકલીશ.
– અરે વાહ! હજી બીજો મોકલને!
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઘર ખુશ તો જગત ખુશ! appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/home-happy-to-the-world-happy/
via Best Gujarati News
0 Comments