…ત્યારે જાહેર સભા નહીં જાહેર ભજનનો કાર્યક્રમ યોજાતો હતો!
વક્ત વક્ત કી બાત હૈ… દેશને આઝાદી પ્રાપ્ત થયા બાદ સને ૧૯૫૨માં યોજાયેલી લોકસભાની પ્રથમ ચૂંટણી અને એ પછીના દશકાઓમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભારે દબદબો રહ્યો હતા તેના સીધા હરીફ માર્કસવાદી સામ્યવાદી પક્ષ, ભારતીય સામ્યવાદી પક્ષ, સમાજવાદી પક્ષ, ભારતીય લોકદળ જનસંઘ અને સ્વતંત્ર પક્ષ સહિતના પક્ષો ચૂંટણી જીતવા માટેના મરણિયા પ્રયાસો કરતા હતા અને આજે જેમ રાષ્ટ્રવાદ, હિંદુત્વની લહેરના મોજા ચારે કોર ઊછળી રહ્યાં છે. તેવી લહેર રાજકીય પક્ષોમાં ક્યારેય ન હતી પણ કોંગ્રેસે બખૂબી કહો કે, અઘોષિત એજન્ડાના ભાગરૂપે આ રાષ્ટ્રવાદ અને હિંદુત્વનો ચૂંટણીમાં ભરપૂર ઉપયોગ કર્યા હતો અને ભરપૂર ફાયદો પણ ઉઠાવ્યો હતો.
આ લહેર માન્યામાં નહીં આવે પણ વિતેલા એ જમાનાની લોકસભા સહિતની તમામ ચૂંટણીઓમાં દેશના બડા બડા સાધુ સંતો, મહારાજો, મંડળેશ્વરો, યોગીઓ અને ધાર્મિક સંસ્થાના આચાર્ય ભગવંતો સહિતના ધર્મધુરંધરો કોંગ્રેસની સાથે જ રહેતા હતા અને કોંગ્રેસના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા હતા.
જેની બીજી તરફ વિરોધપક્ષની સ્થિતિ કંઈક જુદી હતી એ જમાનામાં સામ્યવાદીઓ એટલે કે, ચીન તરફી માર્કસવાદી અને રશિયા તરફી સામ્યવાદીઓ કોંગ્રેસ માટે પડકારરૂપ હતા એ તમામ ધર્મવિરોધી એટલે કે, નાસ્તિક હતા તો સમાજવાદી પક્ષ ન તો આસ્તિક કે ન તો નાસ્તિકનો ફોડ પાડતો હતો. જનસંઘ મૂળેથી જ રાષ્ટ્રવાદ અને હિંદુત્વને દુહાઈ દેતો હતો પરંતુ પ્રજામાનસમાં તેની ઝાઝી અસર ઉપસાવી શક્યો ન હતો. એમ સ્વતંત્ર પક્ષ રાજાશાહીના નશામાંથી બહાર આવ્યો ન હતો.
જાણવી છે… કોંગ્રેસની એ તરકીબ ? ચૂંટણી પ્રચારમાં રાઉન્ડ કરતા નેતાઓની છોટી બડી જાહેરસભાઓ વધુ અસરકારક નીવડતી રહી હોવાથી એ જમાનામાં અમદાવાદ શહેરના લગભગ તમામ વિસ્તારોને સાંકળી લે તેવી અલગ અલગ જગાઓએ રાત્રે જાહેર ભજનના કાર્યક્રમો યોજવામાં આવતા હતા જેનો ખર્ચ કોંગ્રેસના નેતાઓ ભોગવી લેતા હતાં.
આ જાહેર ભજન મુખ્યત્વે કરીને જાહેર માર્ગના ચોકઠા (સર્કલ) કે, પછી ખુલ્લા મેદાનમાં યોજવામાં આવતા હતાં. બસ… રાત્રે સાડા દશ અગિયાર વાગે કોંગ્રેસના નેતાઓ આવી પહોંચે અને સીધા ભજનમાં જોડાઈ જાય, થોડીક મિનિટોમાં રામધૂન શરૂ થાય એ ધૂન પછી આ નેતાઓના ભાષણો શરૂ થાય. રામ નામ કે પીછે કોંગ્રેસ કો વોટ દોની વાત. નેતાઓ ચાલ્યા જાય, પણ કોંગ્રેસનો ઉમેદવાર, સ્થાનિક આગેવાનો, કાર્યકરો તો ભજનમાં જોડાયેલા જ રહે, અને રાત્રે દોઢ-બે વાગે ભજનનો કાર્યક્રમ પૂરો થાય એટલે ઉમેદવાર સૌનો આભાર માને, મતની અપીલ કરે, ત્યાર બાદ સૌ વિખરાય.
અબ જમાના ભાજપ કા આ ગયા હૈ, માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં દેશભરના સાધુ સંતો મહંતો, મહારાજો, મહામંડળેશ્વરો, ધર્મધુરંધરો અને ધાર્મિક સંસ્થાનાના વડાઓ ભાજપ સાથે છે અને ભાજપ તેમની સાથે છે. એ ખાનગીમાં નહીં ખુલ્લેઆમ કોંગ્રેસના જમાનામાં કોઈ એકાદ યોગી કે બ્રહ્મચારી દિલ્હી દરબારમાં રાજા મહારાજા જેવું સ્થાન ધરાવતા હતાં.
જ્યારે આજે તો ભાજપમાં સાધુ-સંતો, મહંતો, ધારાસભ્ય, સાંસદ, રાજ્ય સભાના સભ્ય તો ખરા જ. સાધુ સંતો અને ભજનકિર્તનકારો સાથે હવે તો ડાયરાના મોટાભાગના ગાયકો-ગાયિકાઓ ભાજપના પ્રચારમાં લાગી ગયા છે. બાકી હતા.. એમાં મ્યુઝિકલ પાર્ટીઓ અને ડી.જે., પણ ભાજપના ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post …ત્યારે જાહેર સભા નહીં જાહેર ભજનનો કાર્યક્રમ યોજાતો હતો! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/there-was-no-public-meeting-at-the-public-bhajan-program/
via Best Gujarati News
0 Comments