દક્ષિણ ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપનો પરંપરાગત ગઢ રહ્યા છે, જ્યારે આદિવાસી વિસ્તારો પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. આ વખતે પણ ભાજપ ચારે બેઠક જીતવાની આશા રાખે છે, જ્યારે કોંગ્રેસ બારડોલી અને વલસાડ બેઠક જીતી આદિવાસી પટ્ટી પર પ્રભાવ જાળવી રાખવા મરણિયો પ્રયાસ કરી રહી છે.

વિશ્લેષકોના જણાવ્યા મુજબ સુરત અને નવસારી બેઠક પર ભાજપનું પલ્લું ભારી છે જ્યારે વલસાડ અને બારડોલીનો રસાકસી ભર્યો જંગ થશે.

મૂળ સુરતી અને પાટીદાર મતદારોના પ્રભુત્વવાળી સુરત લોકસભા બેઠક પર ૧૯૮૯થી ભાજપનો દબદબો રહ્યો છે.  સુરત બેઠક પર ભાજપે બે ટર્મના સાંસદ દર્શના જરદોશને રિપિટ કર્યા છે જ્યારે કોંગ્રેસે નવા ચહેરા અશોક પટેલને ટિકિટ આપી છે. સુરતમાં ભાજપ પાસે કાર્યકરોની મજબૂત ફોજ છે. 

સુરત લોકસભાની સાતે સાત વિધાનસભા બેઠક પર ભાજપનો કબજો છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ વેરવિખેર હાલતમાં છે.  નવસારી લોકસભા બેઠકમાં સુરત શહેરના બાર લાખ મતદારોનો સમાવેશ થાય છે. નવસારી બેઠક પર ભાજપે સાંસદ સી.આર.પાટિલને રિપિટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે નવા ચહેરા તરીકે કોળી પટેલ સમાજના ધર્મેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

નવસારી બેઠક ભાજપની અત્યંત સલામત બેઠક પૈકીની એક ગણાય છે. આ બેઠક પર ઉત્તર ભારતીય અને કોળી પટેલ મતદારોની નારાજગી કોંગ્રેસને કેટલી ફળે છે તે જોવું મહત્ત્વનું બની રહેશે. બારડોલી લોકસભા બેઠક પર ૨૦૧૪ની ચૂંટણીમાં સામસામે ટકરાયેલા બે ઉમેદવારો વચ્ચે ફરી એક વખત ચૂંટણી જંગ થશે.

આ બેઠક પર ભાજપે સાંસદ પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસે બે વખત સાંસદ રહી ચૂકેલા માજી કેન્દ્રીય પ્રધાન ડો.તુષાર ચૌધરીને ફરી ટિકિટ આપી છે. ૨૦૧૪માં ભાજપે આ બેઠક ૧.૨૪ લાખ મતે જીતી હતી, પરંતુ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં આ લોકસભા બેઠક અંતર્ગત આવતી સાત વિધાનસભામાં ભાજપને ૧૧૨૦૦ મતની પાતળી સરસાઇ મળી હતી. આઝાદી બાદ ભાજપે ફકત બે વખત બારડોલી લોકસભા બેઠક જીતી છે. આ વખતે બંને પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર થઇ રહી છે.

આદિવાસી નેતા ડો.તુષાર ચૌધરી માટે અસ્તિત્વની લડાઈ

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રહી ચૂકેલા આદિવાસી આગેવાન ડો. તુષાર ચૌધરી માટે બારડોલી લોકસભાની ચૂંટણી આર યા પારની ચૂંટણી પુરવાર થશે. બારડોલી બેઠક પર તેઓ હારે તો કદાચ આ તેમની છેલ્લી લોકસભા ચૂંટણી બની રહેશે. કોંગ્રેસે છેક છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાખ્યા બાદ તેમને ટિકિટ આપી હતી.

કોંગ્રેસનો એક વર્ગ માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીને ટિકિટ આપવાની તકફદારી કરતો હતો. ૨૦૧૪માં લોકસભા ચૂંટણી અને ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ તુષાર ચૌધરીની સ્થિતિ નબળી પડી છે. જો કે છેલ્લા બે વર્ષમાં તેમણે સુરત અને તાપી જિલ્લાના અનેક મોટા માથાઓ સાથે સમાધાન કરી પોતાની તરફે કરી લીધા છે.

બારડોલી બેઠક અંતર્ગત આવતા તાપી જિલ્લામાં કોંગ્રેસનો કોઇ વિકલ્પ નથી. તાપી જિલ્લાના વ્યારા, ઉચ્છલ, નિઝર, માંડવી, સોનગઢમાં કોંગ્રેસને ૮૦ હજારથી વધુની સરસાઇ મળવાની ગણતરી છે. બીજી તરફ બારડોલી બેઠક અંતર્ગત આવતા સુરત જિલ્લાના બારડોલી નગર, માંગરોળ, મહુવા, કામરેજ વિસ્તારોમાં ભાજપનો પ્રભાવ છે. બારડોલી લોકસભા અંતર્ગત આવતા સુરત શહેરના વિસ્તારોમાં પણ ભાજપનું વર્ચસ્વ છે.

સુરતમાં પાટીદાર અને જીએસટી આંદોલનની અસર ઓસરી

૨૦૦૯ની ચૂંટણીમાં ભાજપના દર્શના જરદોશ સામે કોંગ્રેસે ધીરૂ ગજેરાને ઉતાર્યા હોવા છતાં ભાજપ સરળતાથી બેઠક જીતી ગયું હતું. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન તથા ય્જી્ની અસર વર્તાઇ હતી, પરંતુ પાટીદાર વિસ્તારની તમામ બેઠક પર ભાજપ જીત્યું હતુ. આ વખતે પાટીદાર આંદોલન અને ય્જી્ની અસર ઓસરી છે.

નવસારીમાં કોંગ્રેસને કોળી ફેક્ટર ફળવાની આશા

નવસારી લોકસભામાં અંદાજે ત્રણ લાખ કોળી મતદારોને રીઝવવા કોંગ્રેસે ધર્મેશ પટેલને ટિકિટ આપી છે. ભાજપના ધારાસભ્ય આર.સી.પટેલે કોળી ઉમેદવારને ટિકિટની માગ કરી હતી. કોંગ્રેસે કોળી કાર્ડ ઊતરી જુગાર રમ્યો છે. આ જુગાર કેટલો ફળે તે જોવું રહ્યું.

ચારે બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

દક્ષિણ ગુજરાતની ચારે લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. આ ચારે બેઠક પર અન્ય પક્ષોનું કોઇ અસ્તિત્વ નથી. ચારે બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સિવાયના રાજકીય પક્ષો અને અપક્ષોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે, પરંતુ બે મુખ્ય રાજકીય પક્ષો સિવાય કોઇ પક્ષ કે ઉમેદવાર ચિત્રમાં નથી. ચારે બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બાદ ત્રીજા ક્રમે નોટા આવે તેવી પૂરેપૂરી શકયતા છે.

ભાજપે તમામને રિપીટ કર્યા જ્યારે કોંગ્રેસમાં ત્રણ નવા ચહેરા

દક્ષિણ ગુજરાતની ચાર બેઠક પૈકી ભાજપે સુરત, નવસારી, બારડોલી અને વલસાડ બેઠક પર સાંસદોને રિપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસે ચાર પૈકી ત્રણ બેઠક પર નવા ચહેરાને ટિકિટ આપી છે, જ્યારે બારડોલી બેઠક પર જૂના જોગી તુષાર ચૌધરીને ફરી તક આપી છે. ભાજપના સુરત અને નવસારીના ઉમેદવાર ત્રીજી ટર્મ માટે જયારે બારડોલી અને વલસાડના ઉમેદવાર બીજી ટર્મ માટે ચૂંટણી મેદાનમાં છે.

વલસાડમાં બંને પક્ષના ઉમેદવારો સામે અસંતોષ

વલસાડ બેઠક પર ભાજપે સાંસદ ડો.કે.સી.પટેલને રિપિટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને રિપિટ કર્યા છે. આ બેઠક અંતર્ગત આવતા વલસાડ અને પારડીના શહેરી વિસ્તારો ભાજપનો ગઢ છે જ્યારે વાંસદા, ડાંગ, કપરાડાના આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનો પ્રભાવ છે.

કોંગ્રેસનું નબળું સંગઠન અને બે સિનિયર નેતા અનંત પટેલ અને કિસન પટેલની નારાજગીથી ભાજપને ફાયદો છે. બીજી તરફ ભાજપના ઉમેદવાર ડો.કે.સી.પટેલ સામે પક્ષમાં જ નારાજગી જોવા મળી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે પોતાના જ પક્ષમાં અસંતોષ વચ્ચે વલસાડ બેઠક પર જે પક્ષ જીતે તેની કેન્દ્રમાં સરકાર બનતી હોવાથી ભાજપે વલસાડ બેઠક અંકે કરવા સંગઠનની પૂરી તાકાત કામે લગાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સુરત-નવસારીમાં ભાજપનું પલડું ભારે, પરંતુ આ બે સીટો પર કાંટે કી ટક્કર! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/loksabhaelection2019-bjp-stonga-in-surat-navsari-valsad-bardoli-bjp-congress/
via Best Gujarati News