પાક. પાઇલટ રાફેલ યુદ્ધવિમાનની તાલીમ મેળવી રહ્યા હોવાનો રિપોર્ટ
। ઇસ્લામાબાદ ।
ભારત સરકાર એક તરફ ફ્રાન્સ પાસેથી રાફેલ યુદ્ધવિમાન ખરીદી પાકિસ્તાન પર પ્રભુત્વ મેળવવાના પ્રયાસ કરી રહી છે ત્યારે એવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યાં છે કે પાકિસ્તાની એરફોર્સના પાઇલટ ફ્રાન્સમાં રાફેલ વિમાન ઉડાવવાની તાલીમ મેળવી રહ્યાં છે. જોકે રાફેલની ઉત્પાદક દસોલ્ટ કંપનીના ભારત ખાતેના અધિકારીઓએ આ અંગે કોઈ જાણકારી હોવાનો ઇનકાર કરી દીધો હતો. અહેવાલો છે કે પાકિસ્તાનના એક્સ્ચેન્જ પાઇલટ કતાર એરફોર્સ દ્વારા ફ્રાન્સ પાસેથી ખરીદાયેલા રાફેલ વિમાન ઉડાવવાની તાલીમ લઈ રહ્યાં છે. એરઓનલાઇન ડોટ કોમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કતાર માટે ફ્રાન્સ દ્વારા રાફેલ વિમાન ઉડાવવા માટે અપાયેલી તાલીમ લેનારી પહેલી બેચ પાકિસ્તાનના એક્સ્ચેન્જ પાઇલટની બનેલી હતી. કતારે દસોલ્ટ પાસેથી રાફેલની પહેલી ડિલિવરી ૬ ફેબ્રુઆરીના રોજ પ્રાપ્ત કરી હતી. દસોલ્ટના જણાવ્યા અનુસાર કતારે મે ૨૦૧૫માં ૨૪ રાફેલ વિમાન ખરીદવા માટે કરાર કર્યો હતો. ડિસેમ્બર ૨૦૧૭માં કતારે વધુ ૧૨ વિમાનનો ઓર્ડર આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દાયકાઓથી મિડલ ઇસ્ટના દેશોની સેનાઓમાં પાકિસ્તાની સેનાના કર્મચારીઓને તહેનાત કરવામાં આવે છે. પાકિસ્તાને જોર્ડન જેવા દેશો પાસેથી મિલિટરી શસ્ત્ર સરંજામ પણ પ્રાપ્ત કર્યો છે. જોર્ડને પાકિસ્તાનને ૧૩ વધારાના એફ-૧૬ વિમાન આપ્યાં હતાં. કદાચને પાકિસ્તાને આ વિમાનોનો ઉપયોગ ૨૭મી ફેબ્રુઆરીએ ભારત પર હુમલા માટે કર્યો હતો.
ભારત માટે મોટી ચિંતાનો વિષય
ચિંતાની વાત એ છે કે કતાર એરફોર્સે એજ રાફેલ વિમાનની ખરીદી કરી છે જેનો ઓર્ડર ભારત સરકારે પણ ઈન્ડિયન એરફોર્સ માટે આપ્યો છે. હવે પાકિસ્તાનના પાઇલટ ભારતના પાઇલટ પહેલાં ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે. કતારે લીધેલા વિમાન ભારતે ખરીદેલા વિમાન જેવા જ રડાર ધરાવે છે. આ તાલીમ દ્વારા પાકિસ્તાની પાઇલટ જાણકારી ધરાવતા હશે કે ભારતીય યુદ્ધ વિમાનોમાં રડાર કેવી રીતે કામગીરી બજાવશે. તેઓ એ પણ જાણકારી મેળવી લેશે કે રાફેલની વેપન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. બીજી બાજુ ભારતમાં ફ્રાન્સના રાજદૂત એલેક્ઝાડર જિગલરે આ ખબરને રદીયો આપતા કહ્યું કે પાક.અધિકારીઓએ રાફેલની કોઈ તાલીમ લીધી નથી. હકીકતમાં પાકિસ્તાનના પશ્ચિમ એશિયાના ઘણા દેશો સાથે સંબંધ છે અને આ દેશોના અધિકારીઓ પાકિસ્તાન આવતા જતા હોય છે. એક્સ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ તેના લશ્કરી અધિકારીઓ કતાર, જોર્ડન, સાઉદી જેવા દેશોમાં આવતા જતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાક. પાઇલટ રાફેલ યુદ્ધવિમાનની તાલીમ મેળવી રહ્યા હોવાનો રિપોર્ટ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/crop-pilot-raphael-battlefield/
via Best Gujarati News
0 Comments