જયંતી ભાનુશાળી કેસમાં નવો વળાંક, જાણો છબીલ પટેલે કયા કારણસર ઘડ્યો હતો હત્યાનો કારસો!
ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં ગુરૃવારે વધુ એક મોટો ધડાકો થયો છે. આ કેસ માટે રચાયેલી ખાસ એસઆઈટીએ કચ્છના વેપારી અને સ્થાનિક રાજકારણમાં મોટું માથું ગણાતા જયંતી ઠક્કર ઉર્ફે ડુમરાની ગુરૃવારે મોડી સાંજે ધરપકડ કરી છે.
પોતાની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ન જાય તે ઈરાદે છબીલ પટેલે જયંતી ઠક્કર સાથે મળીને ભાનુશાળીનો જ કાંટો કાઢયો હોવાનું સીટના સૂત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીના અંતમાં એસઆઈટીએ કચ્છમાં કઠોળના મોટા વેપારી અને એક સમયે જયંતી ભાનુશાળીની જીતમાં ચાવીરૃપ ભૂમિકા ભજવનારા જયંતી ઠક્કરની પુછપરછ કરી હતી પરંતુ તે વખતે પુરતા પુરાવા નહીં મળતા સાત કલાક બાદ જવા દીધા હતા.
આ પછી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની ધરપકડ કરીને પુછપરછ કરતા શાર્પ શુટરોની વ્યવસ્થા કરવા અને સોપારીમાં અડધો ભાગ આપવાનું જયંતી ઠક્કર સાથે નક્કી થયાનું ખુલ્યુ હતુ. જેના ભાગરૃપે મનીષા ગોસ્વામી, સુરજીત પરદેશી (ભાઉ) સાથે છબીલ પટેલની મુલાકાત થઈ હતી.આમ અત્યાર સુધી આ ગુનામાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. જયારે છથી વધુ આરોપીઓ હજુ એસઆઈટીને મળી આવતા નથી.
સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યુ હતુ કે, સીડીકાંડમાં વિવાદમાં આવેલા જયંતી ભાનુશાળીની હત્યામાં પકડાયેલા છબીલ પટેલ અને જયંતી ઠક્કરની વાતચીતનું રેકોડીંગના પુરાવા મળ્યા છે. જેમાં બન્ને આરોપીઓ જયંતી ભાનુશાળીનો કાંટો કાઢવો નહીંતર આપણને મોટું નુકસાન જાય તેમ છે. ઉપરાંત છબીલ પટેલની ધરપકડ બાદ કરેલી કબૂલાતમાં જયંતી ઠક્કરની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. ભાનુશાળની હત્યામાં શાર્પ શુટરોને પાંચ લાખ જયંતી ઠક્કરે જ આપ્યા હતા.
એસઆઈટીના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કચ્છના રાજકારણમાં જયંતી ભાનુશાળી, છબીલ પટેલ અને જયંતી ઠક્કર ત્રણ મુખ્ય હતા. જેમાં જયંતી ભાનુશાળી અલગ ચોકો રચીને રાજકારણ ખેલતા હોવાથી છબીલ પટેલ અને જયંતી ઠક્કરને તે ગમતુ નહોતુ. એટલે મનીષા ગોસ્વામી અને સુરજીત પરદેશી સાથે મળીને જયંતી ભાનુશાળીનો ખેલ પાડી દીધો હતો.
જયંતી, છબીલ, મનીષા અને ભાનુશાળી લેણદેણનો વિવાદ
એસઆઈટીના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મૃતક જયંતી ભાનુશાળી તથા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને જયંતી ઠક્કર વચ્ચે ગંભીર અણબનાવ હતો. મનીષા ગોસ્વામી તેમજ જયંતી ભાનુશાળી વચ્ચે પણ આર્િથક મુદ્દાઓને લઈને વિવાદ ચાલતો હતો. જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનીલએ મનીષા ગોસ્વામી સામે નરોડા પોલીસ મથક કરેલી ફરિયાદમાં મનીષા ગોસ્વામીને ૧૦મી જુન થી ૩જી ઓગષ્ટ સુધી જેલમાં રહેવું પડયું હતું.આ બાબતે મનીષા ગોસ્વામીને જયંતી ભાનુશાળી સાથે મનદુઃખ થયું હતું. આ વખતે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ જંયતી ઠક્કર સાથે ગોઠવણ કરીને સુરજીત પરદેશી (ભાઉ)ને લઈને સાબરમતી જેલમાં મનીષા ગોસ્વામીને છોડાવવા માટે મદદ કરી હતી.
પુનામાં ષડયંત્ર ઘડાયેલું
પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ,જયંતી ઠક્કર અને મનીષા ગોસ્વામી ભેગા મળીને પોતાના દુશ્મન જયંતી ભાનુશાળીનો કાંટો કાઢી નાંખવા માટે નક્કી કર્યુ હતુ. નવેમ્બર ૨૦૧૮માં પુના ખાતે મનીષા ગોસ્વામી, છબીલ પટેલ, સુરજીત પરદેશી (ભાઉ) પુના ખાતે મળ્યા હતા. બાદ જયંતી ભાનુશાળીનું કાસળ કાઢી નાંખવા માટે નક્કી કરીને જયંતી ભાનુશાળીની દરેક બાબતે વોચ રાખવામાં આવી હતી.
રેલડી નારાયણી ફાર્મ પર શાર્પ શુટરને બોલાવ્યા
પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે પોતાના નારાયણી ફાર્મ હાઉસમાં ગત તા.૨૫-૧૨-૨૦૧૮ના રોજ શશીકાંત કામ્બ્લેને ઉતારો આપ્યો હતો.પછી ૩૧મી ડિસેમ્બરના રોજ અન્ય કાવતરા ખોરો ફાર્મ ઉપર આવ્યા હતા. બાદમાં શાર્પ શુટર અને તેના સાગરિતો ભેગા મળીને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગતિવિધિ અને રેકી કરી હતી. આ વાતની જાણ છબીલ પટેલે જયંતી ઠક્કરને કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જયંતી ભાનુશાળી કેસમાં નવો વળાંક, જાણો છબીલ પટેલે કયા કારણસર ઘડ્યો હતો હત્યાનો કારસો! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/bhansali-killing-fellow-chabila-arrested-patel-jayanti-thakkar/
via Best Gujarati News
0 Comments