નેપાળમાં વાવાઝોડં, ભારે વરસાદથી ૩૫નાં મોત, ૬૦૦થી વધુને ઈજા
। કાઠમાંડુ ।
નેપાળમાં તોફાની વાવાઝોડું અને ભારે વરસાદે તબાહી મચાવી છે. ભારે પવન અને વરસાદને કારણે દક્ષિણ નેપાળનાં બારા અને પરસા જિલ્લામાં તબાહીનો મંજર જોવા મળ્યો છે. તોફાની વાવાઝોડું અને ભારે વરસાદનાં કેરમાં ૩૫ લોકોનાં મોત થયા છે જ્યારે ૬૦૦થી વધુ લોકોને ઈજા થઈ છે. એકલા બારા જિલ્લામાં જ ૨૬ લોકો વાવાઝોડાનો ભોગ બન્યા હતા. સ્થિતિ સામાન્યે થયા પછી મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે.
અનેક સ્થળે મકાનો અને ઇમારતો પડી જતાં અનેક તેની નીચે દટાયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હોસ્પિટલો ઈજાગ્રસ્તોથી ઊભરાઈ ગઈ છે અને સ્ટાફને તાકીદની સેવા માટે તહેનાત કરાયો છે. હોસ્પિટલોમાં બ્લડ અને બેડની અછત સર્જાઈ છે. બચાવ અને રાહતકાર્ય માટે સૈન્યની મદદ લેવામાં આવી છે. નેપાળ સરહદે આવેલા ભારતીય વિસ્તારોમાં પણ એલર્ટ જારી કરાયું છે.
૧૦૦થી વધુ જવાનોને પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા
સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે સેનાને બોલાવવામાં આવી છે. ૧૦૦થી વધુ જવાનોને પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. વડા પ્રધાન કે. પી. ઓલીએ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી અને લોકોને સલામત સ્થળે પહોંચાડીને રાહત સામગ્રી આપવા આદેશ આપ્યા હતા.તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમનાં પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું.
અનેક કાર અને બસો રસ્તા પરથી સરકી જતા પ્રવાસીઓને ઈજા
નેપાળમાં રવિવારે રાત્રે તોફાની પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. ભારે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા અને કાચા મકાનો પડી ગયા હતા. વાવાઝોડું અને પવનને કારણે અનેક કાર અને બસ રસ્તા પરથી સરકીને ઊંડી ખીણમાં સરકી ગઈ હતી. જેમાં અનેક પ્રવાસીઓને ઈજા પહોંચી હતી. બારા અને પરસા જિલ્લામાં અનેક મકાનોને ભારે નુકસાન થયું હતું. વીજળીનાં થાંભલા પડી જતા વીજળીનો પુરવઠો ખોરવાયો હતો. ઠેરઠેર વૃક્ષો પડી ગયા હતા.
રાહત અને બચાવ કાર્ય માટે બે બટાલિયનો મોકલાઈ
નેપાળની સેનાનાં પ્રવક્તા યમ પ્રસાદ ધકલે કહ્યું કે, કાઠમાંડુ એરબેઝથી બે બટાલિયનોને રાહત અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે. એરફોર્સનાં બે MI-૧૭ હેલિકોપ્ટર બચાવ કાર્યમાં જોડાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેનાએ પૂર અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને સુરક્ષીત સ્થળે મોકલવાની કામગારી આરંભી દીધી છે. આ કામગીરીમાં સમય લાગી શકે તેમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post નેપાળમાં વાવાઝોડં, ભારે વરસાદથી ૩૫નાં મોત, ૬૦૦થી વધુને ઈજા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/in-nepal-hurricanes-heavy-down/
via Best Gujarati News
0 Comments