। નવી દિલ્હી ।

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા કંપની ફેસબુકે સોમવારે અનેક ફેસબુક અકાઉન્ટ અને પેજ હટાવી દીધાં છે.  કોંગ્રેસ પાર્ટીના ૧૩૮ પેજ અને પાર્ટીના ઇન્ફર્મેશન ટેક્નોલોજી સેલ સાથે સંકળાયેલા ૫૪૯ એકાઉન્ટ હટાવી દીધાં છે. ભારતમાં ફેસબુકના ૩૦ કરોડથી વધારે યૂઝર્સ છે. ફેસબુકના  જણાવ્યા પ્રમાણે તેમની તપાસમાં જાણવા મળ્યું હતું કે  લોકોએ બનાવટી એકાઉન્ટ બનાવ્યા અને અલગ-અલગ ગ્રૂપ્સ સાથે જોડાઈને અયોગ્ય કન્ટેન્ટને ફેલાવવામાં આવ્યો તથા લોકોની વચ્ચે  સંપર્ક વધારવાનું પણ કામ કર્યું. આ પોસ્ટમાં સ્થાનિક ન્યૂઝનો  પણ સમાવેશ છે.  આ પેજ અને અકાઉન્ટ દ્વારા ફેસબુક પર જાહેરાત માટે આશરે ૨૭  લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ ભાજપ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી એક મોબાઇલ એપ  સાથે સંકળાયેલી કંપનીના ૧૫ એકાઉન્ટ પણ હટાવી દેવામાં આવ્યા  છે. આ કંપનીનું નામ સિલ્વરટચ છે અને એ વડા પ્રધાનની નમો  એપ સાથે સંકળાયેલી છે. ફેસબુકે જણાવ્યું હતું કે સિલ્વરટચ દ્વારા સંચાલિત સ્પેમ ગતિવિધિની પણ અમને જાણ થઈ  છે.

અમારે તપાસ કરવી પડશે : કોંગ્રેસ

કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ફેસબુકે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના કોઈ પણ પેજને હટાવ્યું નથી. અમારા વેરિફાઇડ અકાઉન્ટ અમારા વોલંટિયર્સ દ્વારા ઓપરેટ થાય છે અને બધા સક્રીય છે. ફેસબુકે જે પેજ કે અકાઉન્ટ હટાવ્યાં છે એનું લિસ્ટ મેળવવાનો અમને ઇંતજાર છે. બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું હતું કે અમારે ફેસબુકના રિપોર્ટની તપાસ કરવી પડશે. કદાચ આ પેજ અમારી સાથે સંકળાયેલાં ના હોય અને કદાચ ન્યુઝ રિપોર્ટ પણ સાચો ન હોય. અમારે એ વાતની તપાસ કરવી પડશે કે ખરેખર એ પેજ અમારી સાથે સંકળાયેલાં હતાં કે નહીં.

આ  ઐતિહાસિક નિર્ણય છે : રવિશંકર પ્રસાદ

આ સંદર્ભમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આ ઐતિહાસિક નિર્ણય છે. જે એકાઉન્ટના માલિકોની કોઈ જાણકારી નહોતી, જે બનાવટી હતા અને મોદી સરકારની વિરોધમાં ખોટી વાતો ફેલાવવા માટે જેનો ઉપયોગ થતો હતો એવા કોંગ્રેસના ૬૮૭ ફેસબુક એકાઉન્ટ અને પેજને હટાવી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post કોંગ્રેસ સાથે સંકળાયેલા ૬૮૭ પેજ અને એકાઉન્ટ ફેસબુકે હટાવી દીધાં appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/congress-affiliated/
via Best Gujarati News