દેવાના બોજ તળ દબાયેલી જેટ એરવેઝને ઉગારવા માટે હવે લોન આપનારી બેન્કોએ જ બીડુ ઝડપ્યું છે. તેના માટે બેન્કોએ નરેશ ગોયલ અને એતિહાદના રાઈટ્સ એક ટ્રસ્ટને સોંપીને તેમની દેખરેખ હેઠળ જ ૫,૧૩૫ કરોડનું પેકેજ આપવાની યોજના બનાવવામાં આવી છે. બેન્કો આ રી તે સમગ્ર એરલાઈન્સનો કન્ટ્રોલ તેમના હાથમાં લઈ લેશે. બેન્કો એક રોકાણકાર પાસેથી ૧,૭૦૦ કરોડ જ્યારે બીજા રોકાણકાર પાસેથી ૨,૧૦૦ કરોડ ભેગા કરશે. આ સિવાય બેન્ક પોતે ૮૫૦ કરોડ આપશે અને પબ્લિક શેરહોલ્ડર્સ તેમાં ૪૮૫ કરોડ નવા ઉમેરશે. આ રીતે એરલાઈન્સને ઉપર લાવવામાં આવશે. આ તમામ બાબતો વચ્ચે એક જ સવાલ થાય છે કે, શું નરેશ ગોયલ અને અન્ય ડાયરેક્ટર્સને હટાવ્યા સિવયા જેટ એરવેઝને ઉગારવાનું ખરેખર શક્ય નહોતું?

સાત વર્ષમાં ચાર CEO બદલાયા

સૂત્રોએ જણાવ્યા મુજબ કંપનીના સ્થાપક અને ચેરમેન નરેશ ગોયલ કંપની વહીવટ પર પ્રભુત્વ ના ધરાવે તે હેતુસર એતિહાદ અને તાતા સમૂહ જેવા સંભવિત રોકાણકારોએ માગણી કરી હતી કે ગોયલ પદ છોડે. જેટ એરવેઝ વીતેલા સાત વર્ષમાં ચાર સીઈઓ બદલી ચૂકી છે હવે નવા રોકાણકારો આવ્યા પછી કંપનીમાં નરેશ ગોયલની ભાગીદારી ૫૦ ટકાથી ઘટીને માત્ર ૨૫.૫ ટકા રહી ગઈ છે. રોકાણકારોને આશા છે કે નવો ઘટનાક્રમ બજારમાં જેટ એરવેઝની બજાર ભાગીદારીને બચાવી રાખશે પરંતુ સંસ્થાપકની ભૂમિકા સીમિત બની રહેશે. જેટને ઉગારી લેવી તે સરકાર માટે પણ હકારાત્મક પગલું બની શકે છે. ખાસ કરીને સામાન્ય ચૂંટણીમાં મોદી સરકાર બેરોજગારીને મુદ્દે કડક ટીકાનો સામનો કરી રહી છે. તેવામાં જેટ એરવેઝ જેવી કંપની ખતમ થાય તો ૨૩,૦૦૦ કર્મચારી સામે નોકરીની સમસ્યા ઊભી થવાની સંભાવના છે.ઉપરાંત ઉડ્ડયન ક્ષેત્રમાંથી જેટની વિદાય વિમાન ભાડાને પણ મોંઘાં કરી શકે છે.

નવું રોકાણ

કંપનીને બચાવવા માટે બેન્કોએ બેલ આઉટ પેકેજની જાહેરાત કરી છે. જેટ એરવેઝ એતિહાદ અને તાતા જૂથ સાથે વાતચીતમાં પણ છે. સ્થાનિક મીડિયા કહે છે કે સંભવ છે કે સરકાર દ્વારા સંચાલિત નેશનલ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ટર ફંડ પણ રોકાણકર્તા બની શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે ૩૧ મે સુધીમાં નવા રોકાણકારોને લાવવાનું તે લક્ષ્ય ધરાવે છે, અને તત્કાળ મદદ કરવા કંપનીને ધિરાણરૂપે કંપનીને ૧૫ અબજ રૂપિયાનું ભંડોળ આપવામાં આવશે.

ક્યારે બની જેટ એરવેઝ

૯૦ના દાયકામાં ઉડ્ડયન ક્ષેત્ર પરના સરકારી વર્ચસ્વને પડકારતાં ૧૯૯૩માં પંજાબમાંથી આવેલા નરેશ ગોયલે જેટ એરવેઝનો પાયો નાખ્યો હતો. તેમણે બાળપણમાં જ ઝવેરાતના વેપારી એવા પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરિવારને મદદ કરવા ગોયેલે પોતાના કાકાની ટ્રાવેલ એજન્સીમાં ટિકિટ વેચવાનું કામ કર્યું. આજના મૂલ્ય મુજબ તે સમયે ગોયલ માંડ ૨,૩૦૦ રૂપિયા કમાઈ શકતા હતા. ૭૦નો દાયકો આવતાં આવતાં તો ગોયલે ઇરાકી એરવેઝ, રોયલ જોર્ડનિયન એરલાઇન્સ, ફિલિપીન્સ એરલાઇન્સમાં કામ કર્યું. તે સમયે ભારતમાં માત્ર બે સરકારી એરલાઇન કંપનીઓ જ હતી – એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઇન્સ. પરંતુ ૯૦ના દાયકામાં બજારને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લં કરવામાં આવતાં ગોયલે ૧૯૯૩માં જેટ એરવેઝની સ્થાપના કરી હતી.

ગોયલ બદલાતી સ્થિતિઓને ના સમજી શક્યા

જેટ એરવેઝે બજેટ કેરિયરની જેમ જેટલાઇટનું રિબ્રાન્ડિંગ કર્યું. પરંતુ તે ઘટનાએ પણ કંપનીના ઘણા નાણાં ડુબાડી દીધાં. વર્ષ ૨૦૧૫ આવતાં આવતાં તો જેટ એરવેઝને તે કંપનીને પોતાના ખાતામાંથી દૂર કરવી પડી. તે વખતે જેટ એરવેઝને સંયુક્ત આરબ અમીરાતની એતિહાદ એરવેઝની મદદ મળી અને તેણે કંપનીમાં ૬૦ કરોડ ડોલરનું રોકાણ કર્યું. તેને પગલે કંપની બજેટ એરલાઇન ઈન્ડિગો,ગોએર અને સ્પાઇસજેટને ટક્કર આપતી રહી. પાડુંરંગી કહે છે કે,’ જ્યારે સસ્તી અને બજેટ એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં ખતમ થઈ ગઈ તો પણ જેટ પોતાની ફુલ સર્વિસ લાઇન પર ઓપરેટ કરી રહી હતી. તે કહેવું ખોટું નહીં મનાય કે ગોયલ ઉડ્ડયન ઉદ્યોગની બદલાતી પરીસ્થિતિઓને ના સમજી શક્યા.’

વીતેલા નવ વર્ષમાં નુકસાન

  • વીતેલા ૧૧ પૈકીના ૯ વર્ષમાં કંપની સતત નુકસાન કરતી રહી. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ કંપની પર ૭૩ અબજ રૂપિયાનું શુદ્ધ દેવું છે. કંપની ખજાનામાં ગયા વર્ષે માત્ર ૩.૫૫ અબજ રૂપિયા હતા. તેને પગલે કંપની ૩૧ ડિસેમ્બરે દેવાના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ રહી. એટલું જ નહીં અન્ય લેણદારો અને પોતાના કર્મચારીઓને વેતન ચૂકવવામાં પણ વિલંબ થયો.
  • વર્ષ ૨૦૦૫માં ફોર્બ્સે ગોયલ કુલ ૨ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા હોવાનું જણાવી તેમને ભારતના ૧૯ ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ કહ્યા હતા. પરંતુ સમય જતાં પીછેહટ થઈ. કેટલાક સમીક્ષક એમ પણ કહે છે કે ૨૦૦૬માં એર સહારા પાસેથી ૫૦ કરોડ ડોલરની કરેલી રોકડ ખરીદીએ એટ એરવેઝની નામાકીય સ્થિતિને નબળી કરી નાખી હતી. સલાહકારો તે સોદાને મોંઘો કહી રહ્યા હતા પરંતુ ગોયલે તેમની વાત નહોતી માની.

સ્પર્ધા છતાં અન્ય ઓપરેટર્સની વિપરીત જેટે તમામ સુવિધા ફ્રીમાં આપતું હતું

  • વર્ષ ૨૦૦૦માં ભારતના એવિએશન બિઝનેસમાં બજેટ એરલાઇન્સની ભરમાર હતી. બજારમાં સ્પર્ધા વધી તો જેટ એરવેઝ જેવી કંપનીએ પણ થઈ રહેલા ખર્ચ કરતાં ઓછી કિંમતે ટિકિટ આપવાની શરૂઆત કરી. તે પછી ઈંધણના વધેલા ભાવે સમસ્યાને વધુ વણસાવી. તે સમયે જેટ એરવેઝ તે ફ્લાઇટમાં મનોરંજન અને પ્રીમિયમ સુવિધા આપનારી પહેલી કંપની હતી. પરંતુ કિફાયતી કિંમતનો આગ્રહ રાખનારા ભારતીય પ્રવાસીઓએ પ્રીમિયમ સેવાઓ માટે ચુકવણી કરવા ઇનકાર કરી દીધો. પરંતુ અન્ય બજેટ ઓપરેટર્સની વિપરીતપણે જેટ એરવેઝે તમામ સુવિધા ફ્રીમાં આપવાનું ચાલુ રાખ્યું.
  • ઉદ્યોગ સમીક્ષક અમૃત પાડુંરંગી માને છે કે ગોયલે ભારતના ઉડ્ડયન ઉદ્યોગમાં અગ્રેસર ભૂમિકા નિભાવી પરંતુ સમય સાથે પોતાને ઢાળવામાં નિષ્ફળ રહ્યા. બેંગ્લુરૂ એવિએશન વેબસાઇટના એડિટર દેવેશ અગ્રવાલ કહે છે કે,’જ્યારે જેટની સ્પર્ધક કંપનીઓ સસ્તા ભાવે જૂના બોઇંગ વિમાન ખરીદી રહ્યા હતા તેવા સમયમાં પણ ગોયલની કંપનીએ નેવા અને આધુનિક વિમાનોની ખરીદી કરી.’

૨૫.૫ ટકા નરેશ ગોયલની ભાગીદારી જેટ એરવેઝમાં હતી જે ૫૦ ટકા કરતા પણ વધુ પ્રમાણમાં ઘટી ગઈ હતી.

૨૩,૦૦૦ કર્મચારીઓ ઉપર નોકરીનું જોખમ તોળાશે જો જેટ એરવેઝ જેવી કંપનીને તાળાં મારવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પ્રતિસ્પર્ધીઓ સેકન્ડ હેન્ડ પ્લેન ખરીદતા ત્યારે જેટ નવા પ્લેન ખરીદતું હતું! appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/competitors-second-han/
via Best Gujarati News