કોમોડિટી વોચ : મિનિતા દવે

૨૦૧૮-૧૯નું નાણાકીય વર્ષ પૂરું થતાની સાથે જ એગ્રિ કોમોડિટીમાં રોકાણકારોમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળ્યો છે. તેલીબિયાં તથા તેલના વાયદાઓમાં રોકાણકારોને નેગેટિવ રિટર્નનો સામનો કરવો પડયો છે. જ્યારે ધાણા, જીરું, કપાસિયા-ખોળ એરંડા તથા ચણામાં રોકાણકારોને સરેરાશ ૫ થી ૬૧ ટકા સુધીનું પોઝિટિવ રિટર્ન છૂટયું છે. ચૂંટણી વર્ષ હોવાથી હજુ બે-ત્રણ મહિના સુધી એગ્રિ કોમોડિટીમાં મોટી તેજીના સંકેતો નકારાઇ રહ્યું છે પરંતુ જૂન-જુલાઇ બાદ એગ્રિ કોમોડિટી માટે ૨૦૧૯-૨૦૨૦નું નાણાકીય વર્ષ સુવર્ણ બની રહેશે તેવો આશાવાદ છે. અલ નીનો ઇફેક્ટ ચોમાસાને અસર કરશે અને ચોમાસું નબળું રહેવા સાથે વૈશ્વિક બજારમાં મોટા પાયે માગ ખૂલશે તો મોટા ભાગની એગ્રિ કોમોડિટીમાં નવી ટોચ જોવા મળે તો નવાઇ નહીં. મેટલ્સ માર્કેટમાં ટ્રેડવોરની અસરના કારણે રોકાણકારોએ નેગેટિવ રિટર્નનો સામનો કરવો પડયો છે. જ્યારે બુલિયન માર્કેટમાં ચાંદીમાં રોકાણકારો નિરાશ થયા છે જ્યારે સોનામાં માત્ર ૫ ટકા જેટલું નજીવું રિટર્ન રહ્યું છે. આગામી વર્ષે એગ્રિ કોમોડિટીમાં ચણા, ધાણા, એરંડા તથા કોટન હોટ કોમોડિટી સાબિત થઇ શકે તેવી શક્યતાઓ છે. પરંતુ આગામી સમયગાળામાં ડોલર સામે રૂપિયાની કેવી ચાલ રહે છે તેના પર તેજી-મંદીનો મુખ્ય આધાર રહેલો છે. જો ડોલર સામે રૂપિયો વધુ મજબૂત બને તો દેશમાંથી એગ્રિ કોમોડિટીની થઈ રહેલી નિકાસ અટકી જશે ઊલટું તેની સામે આયાત વધશે તો આવા સંજોગોમાં એગ્રિ કોમોડિટીમાં તેજીને વધુ સમય માટે બ્રેક લાગી શકે છે. ૨૦૧૯નું વર્ષ ચૂંટણીલક્ષી વર્ષ છે જેના કારણે સરકાર ખેડૂતોની વોટબેન્ક મજબૂત કરવા અને ખેડૂતોને ઊપજના દોઢ ગણા ભાવ અપાવવા સક્રિય બનશે જેનાથી મોટાભાગની એગ્રિ કોમોડિટીમાં નવા ઊંચા ભાવ જોવા મળી શકે છે. ૨૦૧૮નું વર્ષ એગ્રિ કોમોડિટીમાં રોકાણકર્તા તેમજ સટ્ટો કરતા ખેલાડીઓ માટે ધારણા મુજબ ઉત્સાહજનક સાબિત થયું નથી. કેન્દ્ર સરકાર દ્વારા કોમોડિટીની આયાત-નિકાસ પોલિસીમાં સતત બદલાવ લાવવા સાથે ડોલર-રૂપિયાની બેતરફી વધઘટના કારણે વેપારને મોટી અસર પડી છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે નીચા ભાવના કારણે નિકાસ વેપારો નહિવત્ રહ્યાં છે. એગ્રિ કોમોડિટીને વેગ આપવા માટે સેબીએ ટ્રેડિંગ સમયમાં વધારો કરવા સાથે વિદેશી રોકાણકારોને ટ્રેડિંગ કરવા લીલીઝંડી આપી છે પરંતુ ટ્રેડિંગ સમય વધવાથી વોલ્યુમ વધે તેવા સંકેતો નહિંવત્ છે જ્યાં સુધી રોકાણકારોને અન્ય રોકાણલક્ષી માધ્યમ સામે કોમોડિટીમાં સારું રિટર્ન નહીં મળે ત્યાં સુધી સક્રિય થાય તેમ નથી. નવા વર્ષે સેબી નવા કોમોડિટીના વાયદાને મંજૂરી આપવા સાથે બેન્કોને મંજૂરી મળે તેવી શક્યતા છે. બીએસઈએ એક વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન ચાર્જ રદ કર્યો હોવાથી વાયદાના વેપારને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી ટૂંકાગાળામાં એરંડા, સોયાબીન તેમજ અન્ય કોમોડિટીના વાયદા શરૂ કરશે. બેન્કો પણ જો મંજૂરી આપી દેવામાં આવે તો સોનામાં સુગંધ ભળે તેવો માહોલ જોવા મળે.કોમોડિટી વાયદાના વેપાર માટે ૨૦૧૮-૧૯નું નાણાકીય વર્ષ મોટી ઊથલપાથલભર્યું બન્યું હતું. સટ્ટાકીય તેજી-મંદીના કારણે વાયદાના વેપારને અસર પડી છે. એગ્રિ કોમોડિટીમાં વાયદાના વોલ્યુમ સંકળાઇ ગયા છે. લિક્વિડિટીના અભાવના કારણે મોટાભાગના ખેલાડીઓ વાયદાથી દૂર થઇ રહ્યાં છે. એટલું જ નહીં હાજર બજારમાં પણ મોટા સ્ટોકિસ્ટો તેમજ ટ્રેડરો મોટા ભાગની એગ્રિ કોમોડિટી તળિયે પહોંચી હોવા છતાં સ્ટોકથી દૂર રહ્યાં છે અને ખપ-જરૂરિયાત મુજબના વેપાર ગોઠવી રહ્યાં છે. આગામી ચોમાસું કેવું રહે છે તેના આધારે તેજીનો પાયો નંખાશે તે નક્કી છે. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત બની રહ્યો હોવાથી ધારણા મુજબની નિકાસ રહી નથી જેના કારણે મોટી તેજીનો લાભ ઉઠાવવામાં ખેલાડીઓ નિષ્ફ્ળ રહ્યાં છે. જોકે, ડોલરની મજબૂતી સમયે આયાતકારો ડિસ્કાઉન્ટી માગ કરતા હતા તેના કારણે પણ નિકાસકારોને ડોલરની તેજીનો લાભ મળ્યો નથી. કપાસ-રૂમાં વૈશ્વિક સ્તરે ભારતના ભાવ નીચા છે જેના કારણે દેશમાં નબળા પાકે પણ ધારણા મુજબની તેજી અટકી છે. રૂનો પાક ૩૩૦ લાખ ગાંસડી અંદર રહી જશે છતાં રૂના ભાવ ખાંડીદીઠ ૪૬,૦૦૦ આસપાસ ચાલી રહ્યાં છે. નિકાસ વેપાર ખૂલે અને ચોમાસું નબળં રહે તો જ રૂના ભાવ ઊંચકાઈ ૫૦,૦૦૦ની સપાટી કુદાવી શકે છે.

એગ્રિ કોમોડિટીમાં તેજીમંદીનો આધાર કરન્સી પર નિર્ભર

એગ્રિ કોમોડિટીમાં મંદીનો સમય પૂર્ણતામાં છે તેમજ તેજીની સાઈકલનો યુગ શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે પરંતુ કરન્સીની વધઘટના કારણે બ્રેક લાગે તો નવાઇ નહીં. એગ્રિ કોમોડિટીની તેજીનો મુખ્ય આધાર નિકાસ વેપાર પર રહેલો છે. જો રૂપિયા સામે ડોલર મજબૂત બને અને દિવેલ, કોટન-યાર્ન, મસાલાની નિકાસ વધે તો સ્થાનિક બજારોમાં હાજર તેમજ વાયદામાં મંદી પૂરી થશે અને તેજીની શરૂઆત થઇ શકે તેમ છે. ઊલટું જો ખાદ્યતેલો, ઘઉં તથા અન્ય એગ્રિ કોમોડિટીમાં આયાતને વેગ મળશે તો તેજીની સામે મંદી થાય તેવી પણ શક્યતાઓ છે.

સેબીની એક્સ્ચેન્જો, મ્યુચ્યુઅલ ફંડોને લીલી ઝંડી પરંતુ લિક્વિડિટી અભાવે નિરસતા

કોમોડિટી વાયદાને વેગ આપવા માટે બીએસઇ-એનએસઇ તથા વિદેશી રોકાણકારો તથા મ્યુચ્યુઅલ ફંડોને મંજૂરી આપવામાં આવી છે પરંતુ ધારણા મુજબની એગ્રિ કોમોડિટીમાં તેજી તેમજ વોલ્યુમ વધ્યા નથી જેની પાછળનું મુખ્ય કારણ લિક્વિડિટીનો અભાવ છે. ૨૦૧૯ના વર્ષમાં બેન્કો પણ મંજૂરી આપવામાં આવે તો નવાઇ નહીં અને વાયદાના વોલ્યુમને વેગ આપવા માટે નવી કોમોડિટીના વાયદા શરૂ કરવા મંજૂરી મળી શકે છે. ઓપ્શનમાં પણ નવા વાયદાને મંજૂરી આપવામાં આવે તો નવાઇ નહીં. સેબીએ ટ્રેડિંગ સમયમાં વધારો કરીને વોલ્યુમ વૃદ્ધિ માટે અંતિમ હથિયાર અજમાવ્યું છે પરંતુ હજુ સુધી ધારણા મુજબની સફ્ળતા મળી નથી.

કપાસિયા ખોળ-જીરુંમાં ૫૦ ટકાથી વધુ રિટર્ન

વિગત                                  ૨૭-૦૩-૧૯    ૦૨-૦૪-૧૮    ટકાવારી

સોયાબીન                    ૩૬૮૦           ૩૭૭૦                 -૨.૩૯

રિફ. સોયાતેલ          ૭૩૪.૬                 ૭૮૨.૧         -૬.૦૭

ધાણા                              ૬૭૭૫                 ૫૦૯૬                 ૩૩.૬૬

કપા. ખોળ                      ૨૨૫૦           ૧૩૯૫                 ૬૧.૨૯

જીરું                                    ૧૫૭૩૦                       ૧૪૫૯                   ૫૭.૭૮

એરંડા                                  ૫૨૮૪                 ૪૧૨૫                 ૨૮.૧૦

ચણા                                   ૪૨૬૩                 ૩૭૬૫                 ૧૨.૨૩

ગવાર                            ૪૪૧૪           ૪૧૪૧                 ૬.૫૯

ગમ                            ૮૯૮૦         ૮૮૪૯                 ૧.૪૮

કોટન                           ૨૧૬૨૦                       ૨૦૫૦૦        ૫.૪૬

(નોંધ – ભાવ એમસીએક્સ-એનસીડીએક્સ એક્સ્ચેન્જના છે)

  • કરન્સીની અફ્રાતફ્રીમાં આયાત-નિકાસકારોના ફેરવર્ડ વેપારો સલવાયા, વૈશ્વિક મંદીના કારણે એગ્રિ કોમોડિટીની નિકાસને કામચલાઉ બ્રેક
  • ધાણા, જીરું, કપાસિયા-ખોળ, એરંડા તથા ચણામાં રોકાણકારોને સરેરાશ ૫થી ૬૧ ટકા સુધીનું પોઝિટિવ રિટર્ન
  • કઠોળમાં ચણામાં ખૂલતી સિઝને તેજીનો માહોલ, પાકના નબળા અહેવાલે અને આયાત પર રોક હોવાથી નવા વર્ષે તેજીના સંકેત
  • વાયદા વેપારમાં પાંખા કામકાજો તેમજ મંદીના માહોલ વચ્ચે રોકાણકારો મોટા ટ્રેડથી દૂર ખસ્યાં નવું વર્ષ નવા વાયદા શરૂ થશે અને તેજી આવશે તો વોલ્યુમને વેગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ૨૦૧૮-૧૯માં કોમોડિટીમાં રોકાણકર્તા માટે કહીં ખુશી… કહીં ગમ…જેવો માહોલ appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/in-2018-19-commodity-ii/
via Best Gujarati News