। મુંબઈ ।

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર સોમવારે એક તબક્કે ૩.૧૮ ટકા વધીને રૂ.૧,૪૦૬ થયો હતો અને તે સાથે દિવસની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો. આને પરિણામે કંપનીનું માર્કેટ કેપ રૂપિયા ૯ લાખ કરોડની લગોલગ પહોંચ્યું હતું.

દિવસના કામકાજના અંતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂપિયા ૮.૮૨ લાખ કરોડ ઉપર પહોંચ્યું હતું અને માર્કેટ કેપની દૃષ્ટિએ સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપની બની હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂપિયા ૧,૩૯૧.૫૫ ઉપર બંધ થયો હતો.

આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની ટીસીએસ રૂપિયા ૭.૬૨ લાખ કરોડના માર્કેટ કેપ સાથે બીજા સ્થાને રહી હતી.

અહીં એ જાણવું રસપ્રદ છે કે આ શેર્સમાં તેજીને કારણે સેન્સેક્સ વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો અને સૌપ્રથમવાર ૩૯,૦૦૦ની ઐતિહાસિક સપાટી વટાવી હતી.

આ પહેલાં, ૨૦૧૮નાં ઓગસ્ટમાં રિલાયન્સના શેર્સે રૂપિયા ૮ લાખ કરોડના માર્કેટ કેપને વટાવ્યું હતું. વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કામગીરી નેત્રદીપક રહી છે અને શેરના ભાવમાં ૫૮ ટકા ઉછાળો જોવાયો છે.

મુકેશ અંબાણીએ તાજેતરમાં જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ૧૯૭૭માં આવ્યો હતો અને ત્યાર બાદ છેલ્લાં ૪૦ વર્ષ દરમિયાન દર અઢી વર્ષે શેરધારકોના નાણાં બમણાં થયા છે.

કંપનીના સર્વેસર્વા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે માત્ર રૂપિયા ૧,૦૦૦ની મૂડીથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત કરવામાં આવી હતી. મારા પિતાએ ૧૯૬૬માં એક કર્મચારી અને રૂ.૧,૦૦૦ની મૂડી સાથે કંપનીની સ્થાપના કરી હતી. એ સમયે પણ તેમનું સ્વપ્ન હતું કે રિલાયન્સને વિશ્વસ્તરની કંપની બનાવવી અને પોતાના જીવનકાળ દરમિયાન તેમણે સ્વપ્નને સાકાર કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.નું માર્કેટ કેપ રૂ. ૯ લાખ કરોડની લગોલગ પહોંચ્યું  appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/reliance-industries-ltd/
via Best Gujarati News