। મુંબઈ ।

શેરબજારના ઇતિહાસમાં સોમવારે સેન્સેક્સે સૌપ્રથમવાર ઇન્ટ્રા-ડેમાં ૩૯,૦૦૦ની સપાટી કુદાવી હતી. ઓટો, આઈટી, મેટલ, બેન્કિંગ અને સરકાર હસ્તકની બેન્કોના શેર્સમાં તેજીને પગલે સેન્સેક્સ પુરપાટ ગતિએ આગળ વધ્યો હતો પરંતુ ઊંચા મથાળે નફારૂપી વેચવાલીને પગલે સેન્સેક્સ ઘટયો હતો. નિફ્ટી મેટલ ૨.૬ ટકા અને નિફ્ટી ઓટો ૧.૬ ટકા વધ્યા હતા. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૧૯૮.૯૬ પોઇન્ટ વધીને ૩૮,૮૭૧.૮૭ અને નિફ્ટી ૪૫.૨૫ પોઇન્ટ વધીને ૧૧,૬૬૯.૧૫ ઉપર બંધ થયા હતા. ૧૧મી એપ્રિલથી સાત તબક્કામાં વિભાજિત લોકસભાની ચૂંટણી ઉપર રોકાણકારો સહિત સૌની નજર રહેશે. છેલ્લાં ચાર મહિનામાં પ્રથમવાર ચીનનું દ્યોગિક ઉત્પાદન અસાધારણ વધ્યું હોવાના અહેવાલે અને અમેરિકા – ચીન વચ્ચે વ્યાપાર મંત્રણામાં ઉકેલ આવવાની આશાએ શેરબજારને બળ પૂરું પાડયું હતું.

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દર ઘટાડાશે એવી શક્યતા બજારના નિષ્ણાતોએ દર્શાવી હતી. રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરના નિર્ણયની જાહેરાત ચોથી એપ્રિલે કરવામાં આવશે.  નોર્થ અમેરિકામાં ટોચની ૨૦ બેન્કો પૈકી ૧ બેન્કનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું ઇન્ટલેક્ટ ડિઝાઇન એરિનાએ જણાવ્યું હતું. અમેરિકી એફડીએ દ્વારા કંપનીના મહારાષ્ટ્ર યુનિટ માટે દર્શાવાયેલા નિરીક્ષણોને પગલે સિપ્લાનો શેર ૨.૫ ટકા ઘટયો હતો.   અમુક કંપનીઓના શેર્સ બાવન સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. તેઓમાં એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ફ્યૂચર લાઇફ સ્ટાઇલ, હેવેલ્સ ઈન્ડિયા, પીડીલાઇટ અને વરૂણ બેવરેજિસનો સમાવેશ થતો હતો. બેલ કંપની દ્વારા ૨૦૧૮-૧૯ના વર્ષમાં રૂ.૧૧,૭૦૦ કરોડનું ટર્નઓવર હાંસલ કરવામાં આવ્યું હતું. કંપનીને આ નાણાકીય વર્ષમાં રૂ.૨૩,૨૦૦ કરોડના ઓર્ડર મળ્યા હતા.

ઇન્ફોસિસ અને ટીસીએસના ત્રિમાસિક ગાળાના પરિણામની જાહેરાત ૧૨મી એપ્રિલે કરવામાં આવશે. બંને કંપનીઓના સંગીન પરિણામની ધારણાએ શેર્સમાં ૧.૫ ટકા વધ્યા હતા. હિટાચી, પેનાસોનિક કોર્પોરેશન અને પાસોના ઇન્કોર્પોરેશન સાથે સંયુક્ત સાહસ સ્થાપવાની પ્રક્રિયા પોતે પૂર્ણ કરી છે અને જાપાનમાં હાજરી વ્યૂહાત્મક વધારી છે, એમ ઇન્ફોસિસે બીએસઈને જણાવ્યું હતું. એનસીસીને માર્ચમાં રૂ.૪,૬૧૯ કરોડના નવા ઓર્ડર મળ્યા હતા. હિંદુસ્તાન એરોનોટિક્સે ૨૦૧૯ના માર્ચમાં પૂરા થતા વર્ષમાં રૂ.૧૯,૪૦૦ કરોડનું વિક્રમી ટર્નઓવર કર્યું હતું. તાતા મોટર્સના શેરમાં ૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ માર્ચમાં ૬૦,૮,૫૯૬ વાહનોનું વેચાણ કર્યું હતું જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૧ ટકાનો વધારો દર્શાવે છે. અતુલ ઓટોનું વેચાણ ૧૫.૨ ટકા વધી ૪,૬૧૨ યુનિટ થયું હતું.

બેન્ક નિફ્ટી વિક્રમી સપાટીએ પહોંચ્યો  

બેન્ક નિફ્ટી ઇન્ટ્રા ડેમાં ૦.૭ ટકા વધી ૩૦,૬૪૬.૫૫ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. બેન્ક ઓફ બરોડામાં ૫ ટકા, પીએનબીમાં ૪ ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં ૧.૩ ટકા વધ્યા હતા.

માર્ચમાં GSTની આવક સૌથી વધુ 

માર્ચમાં જીએસટીની આવક સૌથી વધુ વધી હતી. આવક વધીને રૂ.૧૦,૬,૫૭૭ કરોડ થઈ હતી જે જીએસટીના અમલથી અત્યારસુધીમાં સૌથી વધુ છે.

FIIએ રૂ.૩૨,૩૭૧ કરોડ ઠાલવ્યાં 

ફોરેન ઇન્સ્ટિટયૂશનલ ઇન્વેસ્ટર્સ (એફઆઈઆઈ) દ્વારા માર્ચમાં રૂ.૩૨,૩૭૧ કરોડનું રોકાણ ઇક્વિટી અને ડેટ માર્કેટમાં કરવામાં આવ્યું હતું જે છેલ્લાં ૧૨ વર્ષમાં માસિક ધોરણે સૌથી વધુ છે.

ઓટો કંપનીઓના વેચાણમાં ઘટાડો 

માર્ચમાં ઓટો કંપનીઓના વેચાણમાં ઘટાડો થયો હતો. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકીનું વેચાણ માર્ચમાં ૧.૬ ટકા ઘટી ૧,૫૮,૦૭૬ યુનિટ થયું હતું.આઇશર મોટર્સનું વાહનોનું વેચાણ ૭.૬ ટકા અને અશોક લેલેન્ડનું વેચાણ ૪ ટકા ઘટયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post સેન્સેક્સે સૌપ્રથમવાર ૩૯,૦૦૦ની સપાટી કુદાવી appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/sensex-for-the-first-time-39/
via Best Gujarati News