‘બદન પે સિતારે લપેટે હુએ, ઓ જાને તમન્ના કિધર જા રહી હો’
મૂડ મૂડ કે દેખ : પ્રફુલ્લ કાનાબાર
વિદેશમાં એક શો જોતી વખતે હસરત જયપુરીનું ધ્યાન એક સુંદર યુવતી પર પડયું. તેણે અતિશય ચમકીલા અને ભડકીલા કપડાં પહેર્યાં હતાં. હસરત જયપુરીએ બાજુમાં બેઠેલા જયકિશનના કાનમાં કહ્યું હતું. ‘બદન પે સિતારે લપેટે હુએ. ઓ જાને તમન્ના કિધર જા રહી હો.’ ભારત પરત આવ્યા બાદ જયકિશને શંકરને સાથે લઈને એક જોરદાર ધૂન બનાવી નાખી અને તે જ શબ્દો પરથી હસરત જયપુરી પાસે ગીત લખાવ્યું. રફી સાહેબે ગાયેલું “પ્રિન્સ”નું તે ગીત આજે પણ તેટલું જ લોકપ્રિય છે. ૧૫ તારીખે હસરત જયપુરીની જન્મ જયંતી છે.
હસરત જયપુરી તેમના તાજાં જ જન્મેલા પુત્રને જોઇને બોલી ઊઠયા હતા “ તેરી પ્યારી પ્યારી સુરત કો કિસીકી નઝર ના લગે. ચશ્મેબદ્દૂર”. “સસુરાલ” માં પ્રેમિકાને જોઇને આ જ ગીત ગાતા રાજેન્દ્ર કુમારને કોણ ભૂલી શકશે?
એ વાત તો ખૂબ જાણીતી છે કે કિશોરાવસ્થામાં જયપુરમાં રહેતાં યુવાન હસરતને પાડોશમાં રહેતી હિંદુ છોકરી રાધા સાથે પ્રેમ થઇ ગયો હતો. જેની સાથે તેના લગ્ન થઇ શક્યા નહોતા. ટીનએજમાં જ પ્રેમિકાને સંબોધીને એક પ્રેમપત્ર લખ્યો હતો જે તેને આપી શકાયો નહોતો. વર્ષો બાદ રાજ કપૂરે આગ્રહ કરીને હસરત જયપુરીના પટારામાંથી તે પ્રેમપત્ર કઢાવ્યો અને “સંગમ” માં લેવડાવ્યો હતો. તે જમાનામાં તે પ્રેમપત્ર સમગ્ર દેશના યુવાનોનો પ્રેમપત્ર થઇ ગયો હતો. તે કર્ણપ્રિય ગીત એટલે ‘યે મેરા પ્રેમપત્ર પઢકર કી તુમ નારાઝ ના હોના’
મોસાળમાં મોટા થયેલાં હસરત જયપુરીનું સાચું નામ ઇકબાલ હુસૈન હતું. તા.૧૫/૪/૧૯૨૨ના રોજ જયપુરમાં જન્મ. સ્કૂલમાં અંગ્રેજીમાં ભણનાર બાળક ઇકબાલે ઉર્દૂ તથા ર્પિશયન ભાષાની જાણકારી તેના નાનાજી પાસેથી લીધી હતી.
મુંબઈ આવ્યા બાદ ફૂટપાથ પર આશરો લેનાર આ શાયરે પુરા આઠ વર્ષ સુધી “બેસ્ટ” માં કંડકટર તરીકે નોકરી કરી હતી. માસિક પગાર હતો અગિયાર રૂપિયા. રોમેન્ટિક મિજાજના આ શાયરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું ‘બસ મેં જબ ભી કોઈ ખૂબસૂરત લડકી આતી થી તો મૈં ઉન કી ટિકિટ નહિ કાટતા થા. અગર વોહ મુઝ સે પૂછતી તો જવાબ મેં કહ દેતા થા કી ખૂબસૂરતી પર શાયરી કરને કે લિયે આપ ર આપ જૈસી કઈ લડકિયા મેરી પ્રેરણા હો’. જયપુરથી મુંબઈ આવ્યા બાદ દારુણ ગરીબીના એ દિવસોમાં અઢાર વર્ષના હસરતને ખાસ્સા સમય સુધી ફૂટપાથ પર રહેવું પડયું હતું. એક વાર તેની બાજુમાં જ દરરોજ ફૂટપાથ પર સુઈ રહેતા બિહારી મજૂરનું અવસાન થયું ત્યારે આ સંવેદનશીલ યુવાને કવિતા લખી હતી “મઝદૂર કી લાશ”. તે જ કવિતા જ્યારે યુવાન હસરતે મુશાયરામાં વાંચી ત્યારે ત્યાં પૃથ્વી રાજ કપૂર હાજર હતા. કવિતાથી અતિશય પ્રભાવિત થયેલા પૃથ્વી રાજ કપૂરે બીજે જ દિવસે હસરતનો પરિચય રાજ કપૂર સાથે કરાવ્યો હતો. જોગાનુજોગ તે સમયે “બરસાત” નું નિર્માણ થઇ રહ્યું હતું. શંકર જયકિશને સ્વતંત્ર રીતે તેમની કારકિર્દીનું પહેલું ગીત કમ્પોઝ કર્યું હતું જે લખવાનું સદ્દભાગ્ય યુવાન હસરતને મળ્યું હતું. તે ગીત એટલે “જીયા બેકરાર હૈ.” બસ અહીંથી જ હસરત જયપુરીની ફ્લ્મિી ગીતકાર તરીકેની સફ્રની શરૂઆત થઇ હતી. શૈલેન્દ્રની જેમ જ રાજ કપૂરની ફ્લ્મિોમાં હસરત જયપુરીના ગીતોનું પ્રદાન પણ ખુબ નોંધપાત્ર રહ્યું છે.
“સંગમ”ની જ વાત કરીએ તો હિન્દી ફ્લ્મિોના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર યુરોપના નયન રમ્ય સ્થળોએ રાજ અને વૈજ્યંતીમાલાના પ્રણય દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા હતા. ફ્લ્મિમાં બેકગ્રાઉન્ડમાં એક અંગ્રેજી ગીત મૂકવામાં આવ્યું હતું. ‘ઈશ લીવેડીશ આઈ લવ યુ’. વર્ષો બાદ તે જ ધૂન પરથી રાજ કપૂરે હસરત જયપુરીને ‘રામ તેરી ગંગા મૈલી’ માટે ગીત લખી આપવાની ફ્રમાઈશ કરી હતી. રવીન્દ્ર જૈનના સંગીતમાં લતાજીએ ગાયેલું તે ગીત એટલે ‘સુન સાહેબા સુન…પ્યાર કી ધૂન’.
આજે પણ ક્યા વરઘોડામાં ‘બહારોં ફૂલ બરસાઓ મેરા મહબૂબ આયા હૈ’ નથી વાગતું? તે ગીત માટે તો હસરત જયપુરીને ૧૯૬૬નો ફ્લ્મિફેરનો એવોર્ડ પણ મળ્યો હતો.
ટાઈટલ ગીત લખવામાં હસરત જયપુરીની માસ્ટરી હતી. દિલ એક મંદિર હૈ, તેરે ઘરકે સામને અને એન ઇવનિંગ ઇન પેરિસના ટાઈટલ ગીત તેના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે.
લગભગ બે હજાર જેટલાં ગીતો લખનાર હસરત જયપુરીના બંગલાનું નામ “ગઝલ” હતું. ૧૯૮૮માં હસરત જયપુરીને વર્લ્ડ યુનિવર્સિટી રાઉન્ડ ટેબલ એરિઝોના તરફ્થી ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
રફીસાહેબના દર્દીલા ગીતોમાં ટોપ ટેનમાં મૂકી શકાય તેવું ગીત એટલે ‘મેરે હુઝૂર’ નું ‘ગમ ઉઠાને કે લિયે મૈં તો જીયે જાઉંગા’. તે ગીતમાં હસરત જયપુરીની કલમમાંથી એક એક શબ્દ જાણે કે આંસુથી લખાયો હતો. યાદ કરો એ અલ્ફઝ…’તું ખયાલો મેં મેરે અબ ભી ચલી આતી હૈ અપની પલકોં પે ઉન અશ્કો કા જનાજા લેકર. તુને નિંદે કરી કુરબાન મેરી રાહોં પે, મૈં નશેમેં રહા ગૈરોં કા સહારા લેકર.’
૧૯૬૧માં બિનાકા ગીતમાલાની વાર્ષિક દોડમાં ‘તેરી પ્યારી પ્યારી સુરત કો કિસી કી નઝર ના લગે’ સર્વોચ્ચ સ્થાને હતું. ત્યાર પછીના વર્ષોમાં ‘એહસાન તેરા હોગા મુઝ પર’ તથા ૧૯૬૪માં ‘બહારો ફૂલ બરસાઓ’ તે પછી ૧૯૭૧માં ‘અંદાઝ’નું ‘ઝિંદગી એક સફ્ર હૈ સુહાના’ ટોપ પર હતું. ‘અંદાઝ’ના તે ગીત માટે પણ તેમને ફ્લ્મિફેરનો શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ પણ મળ્યો હતો.
તા.૧૭/૯/૧૯૯૯ ના રોજ આ ફની દુનિયાને કાયમ માટે અલવિદા કહેનાર હસરત સાહેબના ‘દિલ કે ઝરોખે મેં તુઝકો બિઠાકર’ ‘તુમ મુઝે યું ભૂલા ના પાઓગે’ તથા ‘હમ છોડ ચલે હૈ મેહફીલ કો યાદ આયે કભી તો મત રોના’ જેવાં અનેક ગીતો આજે પણ સંગીત પ્રેમીઓના હૃદયના તાર ઝણઝણાવી જાય છે.
cine@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘બદન પે સિતારે લપેટે હુએ, ઓ જાને તમન્ના કિધર જા રહી હો’ appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/badan-pay-sitar-lapte-hue-o-j/
via Best Gujarati News
0 Comments