કોહલી સતત ત્રીજા વર્ષે વિઝડન ક્રિકેટર ઓફ ધ યર
। નવી દિલ્હી ।
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની તથા વિશ્વભરના દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ વિરાટ કોહલીને વધુ એક વખત વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર (Wisden Leading Cricketer)ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. કોહલીએ આ બહુપ્રતિષ્ઠિત એવોર્ડ ત્રીજી વખત મેળવ્યો છે. અગાઉ તે ૨૦૧૬ અને ૨૦૧૭માં સન્માનિત થયા બાદ સતત ત્રીજા વર્ષે ૨૦૧૮માં સુકાની તથા બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કરવા બદલ તેને આ એવોર્ડ મળ્યો છે. વિઝડન અલમાનેક (Wisden Almanack) દ્વારા બુધવારે આ જાહેરાત કરવામાં આવી હતી.
વિરાટ કોહલી ઉપરાંત વિઝડને ટૈમી બ્યૂમોન્ટ, જોસ બટલર, સેમ કુરેન, રશીદ ખાન(લીડિંગ ટી૨૦ ક્રિકેટર ઓફ ધ યર) તથા રોરી બર્ન્સને વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે. વિમેન્સ ક્રિકેટમાં ભારતીય ટીમની ‘ફિમેલ’ રનમશીનના નામથી જાણીતી બનેલી સ્મૃતિ મંધાનાને પણ લીડિંગ ક્રિકેટર ઓફ ધ યરનું સન્માન મળ્યું છે.
વિરાટ કોહલી સર ડોન બ્રેડમેનની ઇલિટ ક્લબમાં સામેલ
કોહલી પહેલાં માત્ર ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેન અને ઇંગ્લેન્ડના જેક હોબ્સને ત્રણ કરતાં વધારે વખત વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યરનું સન્માન મળ્યું હતું. સર ડોન બ્રેડમેન ૧૦ વખત તથા હોબ્સ આઠ વખત વિઝડનનો બહુપ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી ચૂક્યા હતા. કોહલીએ ૨૦૧૮ના વર્ષમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં કુલ ૨,૭૩૫ રન બનાવ્યા હતા. તેમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ૫૯.૩ની પ્રભાવશાળી એવરેજ સાથે બનાવેલા ૫૯૩ રન પણ સામેલ છે. કોહલીએ ૫૦૦ કરતાં વધારે રન માત્ર પાંચ ટેસ્ટમાં રન બનાવ્યા હતા. તેણે ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ સદી પણ ફટકારી હતી.
‘ફિમેલ’ રનમશીન મંધાના વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર
વિઝડન વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર બનેલી ભારતની સ્મૃતિ મંધાનાએ ૨૦૧૮માં વન-ડે તથા ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં કુલ ૧,૩૩૧ રન બનાવ્યા હતા. મંધાનાએ વન-ડે ક્રિકેટમાં ૬૬૯ તથા ટી૨૦ ક્રિકેટમાં ૬૬૨ રન બનાવ્યા હતા. આ સાથે તેણે વિમેન્સ સુપર લીગમાં ૧૭૪.૮૮ના સ્ટ્રાઇક રેટથી ૪૨૧ રન ફટકાર્યા હતા. સ્મૃતિ અત્યાર સુધી રમેલી ૫૦ વન-ડેમાં ૧,૯૫૧ રન તથા ૫૮ ટી૨૦ મેચોમાં કુલ ૧,૨૯૮ રન બનાવી ચૂકી છે. મહારાષ્ટ્રમાં જન્મેલી સ્મૃતિ ૨૦૧૫માં બીસીસીઆઈ દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવનાર પ્રથમ મહિલા ખેલાડીઓના ગ્રૂપમાં હતી. ૨૦૧૭માં ઘૂંટણની ઈજાના કારણે લગભગ પાંચ મહિના સુધી તે ક્રિકેટથી દૂર પણ રહી હતી.
રશીદ ખાન ટી૨૦ ક્રિકેટર ઓફ ધ યર
૨૦૧૮ની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (આઈપીએલ) ૨૧ વિકેટ ઝડપનાર રશીદ ખાનને ટી૨૦ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. તેમે ગયા વર્ષે અફઘાનિસ્તાન માટે ટી૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૮.૬૮ની સરેરાશથી ૨૨ વિકેટ ઝડપી હતી. અફઘાન પ્રીમિયર લીગમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનેલા રશીદની ગયા વર્ષે વિશ્વભરમાં રમાતી ટી૨૦ લીગમાં બોલબાલા હતી. તેણે ગયા વર્ષે ૯૬ વિકેટ ખેરવી હતી. આ પહેલાં ડ્વેન બ્રાવોએ ૨૦૧૬ની ટી૨૦ ક્રિકેટની ૭૨ મેચમાં ૮૭ વિકેટ હાંસલ કરી હતી જે તમામ બોલર્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોહલી સતત ત્રીજા વર્ષે વિઝડન ક્રિકેટર ઓફ ધ યર appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/kohli-constant-third-year-vs/
via Best Gujarati News
0 Comments