। ગાંધીનગર ।

નરેન્દ્ર મોદી- અમિત શાહના હોમગ્રાઉન્ડ મહેસાણા લોકસભા મતક્ષેત્ર માટે ભાજપમાં ઉમેદવાર પસંદ કરવાના ઓપરેશનમાં ત્રણ ડોક્ટરોના નામો ઉપર ચોકડી વાગી છે. આ કેસ વધુ ચૂંથાતા હવે નવુ કોણ ? તેના પર મુંબઈથી લઈને ન્યુયોર્કના મેનહટનમાં રહેતા સેંકડો ગુજરાતીઓની નજર મંડાઈ છે.

વર્ષ ૧૯૮૪થી લોકસભામાં સળંગ પાંચ ટર્મ સહિત ૨૧ વર્ષ સાંસદ રહેલા ડો.એ.કે.પટેલની તર્જ પર મહેસાણાની બેઠક પર આ વખતે ડોક્ટર ઉમેદવારની શોધમાં ભાજપમાં ઉમેદવાર પસંદગી કરનારા આગેવાનોએ ત્યાર સુધીમાં યુવા મોરચાના અધ્યક્ષ ડો. રૂત્વિજ પટેલ, સ્થાનિક સર્જન ડો. અનિલ પટેલ અને છેલ્લે ઓર્થો. સર્જન ડો.જી.કે.પટેલ એમ ત્રણ ત્રણ ડોક્ટર પર નજર કરી, અભ્યાસ કરીને પડતા મુક્યા છે.

આ તરફ ભાજપે અત્યાર સુધીમાં ૨૩ ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસના ૧૩ નામ જાહેર થયા પછી અડધા ગુજરાતમાં સામસામે રાજકિય વિચારધારાની તકરારો શરૂ થઈ છે.  ફોર્મ ભરવા માટે ત્રણ દિવસ બારી રહ્યા છે ત્યારે પાટીદારના વર્ચસ્વ ધરાવતા મહેસાણા, અમદાવાદ પૂર્વ અને સુરતમાં ભાજપે ઉમેદવાર માટે મગનું નામ મરી પાડયુ નથી. આ પ્રકારના વિલંબને સ્થાનિક સંગઠનો પોતાની દ્રષ્ટીએ મુલવી રહ્યા છે. અમદાવાદ પૂર્વ અને સુરતમાં પેરાશુટ કે સ્થાનિક ઉમેદવાર તેનો ફેંસલો પણ આજકાલમાં થઈ જશે તેમ મનાય છે.

માથુર, ડે.CM, સંગઠન મંત્રી વચ્ચે બંધ બારણે બેઠક

પ્રદેશ કાર્યલાય કમલમ્ ખાતે મહેસાણામાં ઉમેદવાર પસંદ કરવા માટે ડે.CM નીતિન પટેલ, ભાજપ પ્રભારી ઓમ માથુર, સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા વચ્ચે દોઢ કલાક બેઠક ચાલી હતી. ઊંઝામાં ભાજપ કોંગ્રેસમાંથી આવેલા ૮૪ સમાજના ડો.આશાબહેન પટેલને ચૂંટણી લડાવશે તે લગભગ નિશ્ચિત થઈ ચૂક્યુ છે. આથી, લોકસભા માટે અન્ય સમાજના ઉમેદવારો પર નજર દોડાવાઈ રહી છે. જેમાં મુળ વિજાપુરના અને અમદાવાદમાં રહેતા ઉદ્યોગપતિ દુષ્યંત પટેલનુ નામ બહાર આવ્યુ છે. તદ્ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી રજનીકાંત પટેલનું નામ પણ વહેતુ થયુ હતુ.

BJPના પૂર્વ MLA જયંતી રાઠવાનો બળવો છોટાઉદેપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે

પાવીજેતપુરના માજી ધારાસભ્ય અને ભાજપના બાહુબલી નેતા જયંતિભાઇ રાઠવાની છોટાઉદેપુર લોકસભા ટીકીટ માંથી બાદબાકી થતાં તેમના બાગી તેવર સામે આવી રહ્યા છે. તેઓ ભાજપના ઉમેદવાર ગીતા રાઠવાની પસંદગી સામે વિરોધમાં ઉમેદવારી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post BJPના ઓપરેશન મહેસાણામાં ત્રણ ડોક્ટર FAIL, ઉમેદવારનો કેસ ચુંથાયો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/bjp-no-operation-in-mehsana-tr/
via Best Gujarati News