લોકસભાની ચૂંટણીની આચરસંહિતાના પગલે ગુજરાતની ૪૦ ટકા આંગડિયા પેઢીઓના શટર પડી ગયા છે. આંગડિયા પેઢીઓએ  આચારસંહિતાની સમય મર્યાદા પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલ પૂરતો કારોબાર સમેટી લેવાનો નિર્ણય કર્યો છે.

આંગડિયા પેઢીઓના ટપોટપ શટર પડતાં રોકડિયો વેપાર ઠપ થયો છે. ગુજરાતમાં દૈનિક રૂ. ૪૦થી ૫૦ કરોડનો વેપાર અટકી ગયો છે.  મુંબઈ-ગુજરાતના સૌથી વધુ હવાલા પડતાં હતા પણ મુંબઈમાં આંગડિયા પેઢી બંધ તેની મોટી અસર ગુજરાતને થઈ રહી છે. ગુજરાત આંગડિયા પેઢીમાં દરરોજ રૂ.૫૦૦ કરોડના હવાલા ટેલીફોન ઉપર પાડવામાં આવતા હોય છે.જેમાં મોટાભાગના હવાલા મુંબઈ તથા દિલ્હીમાં પાડવામાં આવતા હોય છે. આંગડિયા પેઢીમાં રોકડિયા વેપારીઓ, ઉપરાંત શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગના હિસાબો, કિક્રેટના સટ્ટાના હવાલા પાડવામાં આવતા હોય છે.

ચૂંટણીના લીધે ઓફિસમાં રોકડ રાખવાનું બંધ કરી દીધું

લોકસભાની ચૂંટણીમાં આચરસંહિતાનો અમલ થતા પોલીસે આંગડિયાની ઓફિસની બહાર વોચ ગોઠવીને કર્મીઓને પકડવાનું ચાલુ કર્યું છે.જેના લીધે ગુજરાત અને મુંબઈ આંગડિયા પેઢીએ ઓફિસમાં રોકડ રકમ રાખવાનું બંધ કરી દીધું હતું. કેટલાક આંગડિયા પેઢી દ્વારા ખાનગીમાં હવાલાનું કામકાજ ચાલુ રાખ્યં છે. આ આંગડિયા પેઢી દ્વારા વાહનમાં અથવા નજીકમાં તેમના ઓળખીતાની ઓફિસમાં રોકડ રાખતા હોય છે. હવાલા માટે મોબાઈલ આવે તો વાહન પાસે જઈને અથવા જે ઓફિસમાં નાણાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી રોકડ રકમ આપવામાં આવતી હોય છે.

હવાલામાં ભાવ ડબલ થયા  

લોકસભાની ચૂંટણીમાં આચરસંહિતાને લીધે રૂ.૧ લાખના હવાલાના એક હજાર વસૂલી રહ્યા છે. ચૂંટણી પહેલા આંગડિયા પેઢી દ્વારા એક લાખ રૂપિયાના પાંચસો રૂપિયા લેતા હતા.એમાંય નાણાં આંગડિયાની ઓફિસ લેવા જવાનું કહેવામાં આવતુ હોય છે.સામાન્ય દિવસોમાં આંગડિયા પેઢી દ્વારા હવાલાના નાણાં પહોંચાડવામાં આવતા હતા.

નોટબંધીમાં ૨૫ ટકા શટર પડયા

નવેમ્બર ૨૦૧૬માં રૂ.૫૦૦ અને રૂ.૧,૦૦૦ની નોટો બંધ કરી દેતા ગુજરાતમાં ૨૫ ટકા આંગડિયા પેઢીમાં શટર પડી ગયાં હતાં. જો કે, હવે ધીમે-ધીમે કળ વળતાં પેઢીઓ ધમધમતી થઈ ગઈ છે.

રાજ્યમાં ૭૫ ટકા પેઢીમાં હવાલા મારફતે કામ થાય છે

મુંબઈ રોકડનું હબ હોવાથી હવાલાની ખૂટતી રકમ ગુજરાતના આંગડિયા પેઢી મોબાઈલ ઉપર મગાવતા હોય છે. આ નાણાં બીજા દિવસે મુંબઈમાં પરત હવાલાથી આપવામાં આવતી હોય છે. ગુજરાતમાં જેટલી આંગડિયા પેઢીઓ આવેલા છે તેમાં ૭૫ ટકા આંગડિયા પેઢીમાં હવાલાનું કામકાજ ચાલી રહ્યુ છે.જયારે ૨૫ ટકા આંગડિયા પેઢીમાં પાર્સલ સહિત પહોંચડવાનું કામકાજ ચાલતુ હોય છે. અમદાવાદ, સુરત,ભાવનગરમાં હીરાના વેપારીઓ દ્વારા રોકડમાં મોટા વ્યવહાર કરતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રાજ્યમાં આચારસંહિતાની અસર, રાજ્યની 40% આંગડિયા પેઢીના શટર પડ્યા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/code-of-conduct-in-effect-the-state-fell-40-angadiya-generation-shutter/
via Best Gujarati News