બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્રેસમાં સીટોની વહેંચણીને લઇ ચાલી રહેલો વિવાદ ઉકેલાઇ ગયો છે. પટનામાં એક સંયુકત પત્રકાર પરિષદ દરમ્યાન રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે લોકસભા સીટોને લઇ હિસ્સાની જાહેરાત કરી. સીટ શેરિંગની ફોર્મ્યુલાની અંતર્ગત સુપૌલ અને પટના સાહિબ લોકસભા સીટ કોંગ્રેસના ખાતામાં આવી છે. ત્યાં પાટલિપુત્ર, દરભંગા, સારણ અને બેગૂસરાય સીટ આરજેડીના હિસ્સામાં ગઇ છે. તેની સાથે જ સીવાન, મહારાજગંજ, બક્સર, જહાનાબાદ અને ગોપાલગંજ સીટ પણ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીની પાસે આવી છે.

પત્રકાર પરિષદ દરમ્યાન તેજસ્વી યાદવે કહ્યું કે મહાગઠબંધન અતૂટ છે અને અમે પહેલાં પણ કહ્યું છે કે આ મહાગઠબંધન પ્રજાના દિલોનું ગઠબંધન છે. આવનારી લડાઇ સંવિધાન બચાવાની છે. લોકતંત્રને બચાવાની છે. ન્યાય અને અન્યાય , સત્ય અને જુઠ્ઠની લડાઇ છે. બે તબક્કાના ઉમેદવારોની જાહેરાત પહેલાં જ કરી દેવાઇ છે. તેજસ્વીએ આ દરમ્યાન બાકીના પાંચ તબક્કાની સીટો પર પાર્ટીવાર સીટ શેરિંગની જાહેરાત કરી.

તેજસ્વી યાદવે પોતાની પાર્ટીના ઉમેદવારો વિશે માહિતી આપી. આરજેડીએ બેગૂસરાયથી તનવીર હસન, મધુપુરાથી શરદ યાદવ, દરભંગાથી અબ્દુલ બારી સિદ્દીકી, વૈશાલીથી રઘુવંશ પ્રસાદ સિંહ, ગોપાલગંજથી સુરેન્દ્ર રામ, સીવાનથી બીના સાહિબ, મહારાજગંજથી રણધીર સિંહજી, સારણથી ચંદ્રિકા રાય, હાજીપુરથી શિવચંદ્ર રાય, પાટલિપુત્રથી મીસા ભારતી, જહાનાબાદથી સુરેન્દ્ર યાદવ, અરસિયાથી સરફરાજ આલમ, સીતામઢીથી અર્જુન રાયને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. શિવહરની સીટ પર આરજેડી બાદમાં ઉમેદાવાર જાહેર કરશે.

આરજેડીની પાસે 19 , કોંગ્રેસની પાસે 9 અને બીજા પક્ષોની પાસે 12 સીટોની ફાળવણી કરાઇ.

મહાગઠબંધનનની બેઠક પહેલા જ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બિહારના સુપૌલથી રંજીત રંજન, સમસ્તીપુરથી અશોક કુમાર, મંગેરથી નીલમ દેવી, સાસારામથી મીરા કુમારને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે ઉત્તર પ્રદેશના મહારાજગંજથી તનુશ્રી ત્રિપાઠીનું નામ હટાવી હવે સુપ્રિયો શ્રીનાતેને ટિકિટ આપી છે.

વીઆઈપીના હિસ્સામાં આવેલી મધુબની લોકસભા સીટ પર ઉમેદવારના નામની જાહેરાત બાદમાં કરાશે. ત્યાં વીઆઈપીના અધ્યક્ષ મુકેશ સહની ખગડિયા સીટ અને મુઝફ્ફરપુરથી ડૉ.રાજભૂષણ ચૌધરી નિષાદ ચૂંટણી લડશે
કોંગ્રેસે પણ શુક્રવારના રોજ બિહારની ચાર લોકસભા સીટ પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.

ખેંચતાણ બાદ આખરે ઉકેલાઇ ગયો સીટોનો વિવાદ
ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બિહારમાં વિપક્ષી મહાગઠબંધને આખરે લાંબી જદ્દોજહાદની વચ્ચે સીટોની વહેંચણીની જાહેરાત કરી હતી. પરંતુ થોડાંક જ દિવસમાં ગઠબંધનમાં તિરાડ દેખાવા લાગી હતી.

આરજેડી-કોંગ્રેસમાં વિવાદના લીધે બિહારમાં મિથિલાંચલ સહિત બાકી સીટો પર મહાગઠબંધનના ઉમેદવારોની જાહેરાત પણ ટળી ગઇ હતી. બીજીબાજુ એનડીએ પહેલાં જ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂકયું છે. સંકટ ઘેરાતું રોકવા માટે બિહાર કોંગ્રેસ ચીફ મદન મોહન ઝા જયાં ગુરૂવારના રોજ દિલ્હી પહોંચ્યા, ત્યાં આરજેડી નેતા તેજસ્વી યાદવે ગુરૂવારના રોજ પોતાના તમામ કાર્યક્રમોને રદ કરી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post બિહાર: મહાગઠબંધનની સીટોની જાહેરાત, પાટલીપુત્રીથી મીસા તો જાણો શરદ યાદવ કયાંથી લડશે? appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/tejashwi-yadav-rjd-on-bihar-mahagathbandhan-seat-sharing/
via Best Gujarati News