હુવાવેની આવક ૨૦૧૮ના વર્ષમાં ૧૦૦ અબજ ડોલરથી વધી ૧૦૭.૧૩ અબજ ડોલરે પહોંચી
। શેનઝેન ।
વિશ્વની સૌથી મોટી ટેલિકોમ ઉપકરણ ઉત્પાદક કંપની હુવાવેની ૨૦૧૮ના વર્ષમાં આવક ૧૯.૫ ટકા વધી ૧૦૭.૧૩ અબજ ડોલર થઇ હતી. કંપનીની આવકે સૌપ્રથમવાર ૧૦૦ અબજ ડોલરની સપાટી વટાવી છે. સમગ્ર વિશ્વમાં હુવાવે અમેરિકાની એપલ કરતા આગળ છે. અમેરિકા સહિત અન્ય દેશોમાં હુવાવેને ગયા વર્ષથી રાજકીય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે કારણે પણ આ બાબત અગત્યની છે. કંપનીના કન્ઝયુમર બિઝનેસમાં સારી વૃદ્ધિને કારણે આવકમાં વધારો થયો હતો. આ ડિવીઝનમાં કંપનીની આવક ૪૫.૧ ટકા વધી ૩૪૮.૯ અબજ યુઆન ઉપર પહોંચી ગઇ હતી. કંપનીની કુલ આવકમાં સૌપ્રથમવાર કન્ઝયૂમર બિઝનેસનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે.
હુવાવેની આવક ૨૦૧૭ના વર્ષની સરખામણીમાં ૨૦૧૮ના વર્ષમાં ઘણી સારી રહી હતી પરંતુ ચોખ્ખા નફામાં જોઇએ એટલો વધારો થયો ન હતો. ગયા વર્ષે કંપનીનો ચોખ્ખો નફો ૨૫.૧ ટકા વધીને ૫૯.૩ અબજ યુઆન થયો હતો. ૨૦૧૭ના વર્ષમાં કંપનીની વૃદ્ધિ ૨૮ ટકા હતી. હુવાવેની કોર નેટર્વિંકગ ઇક્વિપમેન્ટ યુનિટ કેરિયરના બિઝનેસની આવક ૨૯૪ અબજ યુઆન હતી જે ૨૦૧૭ના વર્ષમાં ૨૯૪ અબજ યુઆનની હતી.
અમેરિકાનું કહેવું છે કે ચીન જાસૂસી માટે હુવાવેના નેટવર્કનો ઉપયોગ કરી શકે છે. હુવાવેની ઉપકરણ સુરક્ષિત નથી. અમેરિકાએ સહયોગી દેશો ઉપર દબાણ વધારવાની કોશિષ કરી હતી અને જણાવ્યું હતું કે ફાઇવ જી મોબાઇલ નેટવર્કના વિસ્તરણમાં હિસ્સો લેવામાંથી હુવાવેને રોકવામાં આવે.
યુકેમાં હુવાવેની ચિંતા ઓર વધી ગઇ છે. બ્રિટનની સરકારે કહ્યું છે કે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં હુવાવેની કામગીરી ચિંતાજનક છે. યુકેના ઓપરેટર્સ માટે આ કંપની જોખમ વધારનારી છે. હુવાવેનું કહેવું છે કે તે આ બાબતને ગંભીરતાપૂર્વક લઇ રહી છે. આ મુદ્દાનું નિરાકરણ લાવવા યુકેની સરકાર સાથએ વાટાઘાટ ચાલુ રાખવામાં આવશે. વર્તમાન મહિને હુવાવેએ અમેરિકા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. અમેરિકાના કાયદા અનુસાર ત્યાંની સરકારી એજન્સીને હુવાવેના ઉપકરણોની ખરીદી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
૨૦૧૮ના ડિસેમ્બરમાં હુવાવેની સીએફઓ મેંગ વાંગ ઝૂની કેનેડામાં ધરપકડ કરવામાં આવી હતી, અમેરિકાના કહેવાથી કેનેડામાં આ પગલું લેવામાં આવ્યું હતું. અમેરિકા દ્વારા મેંગના પ્રત્યર્પણની માગ કરવામાં આવી હતી. અમેરિકાનું કહેવું છે કે હુવાવેએ બેંકો સાથે છેતરપિંડી કરી છે અને અમેરિકાના પ્રતિબંધ છતાં ઈરાન સાથે વેપાર કર્યો છે. હુવાવે અમેરિકાના આરોપોને ખોટા ગણાવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post હુવાવેની આવક ૨૦૧૮ના વર્ષમાં ૧૦૦ અબજ ડોલરથી વધી ૧૦૭.૧૩ અબજ ડોલરે પહોંચી appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/huawei-income-no-year-2012/
via Best Gujarati News
0 Comments