સપ્તાહના અંતિમ અને સતત બીજા સેશનમાં શેરબજારમાં વધતી તેજી
। મુંબઈ ।
૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષના કામકાજના અંતિમ દિવસે શુક્રવારે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. આમ, શેરબજાર સતત બીજા દિવસે વધ્યું હતું. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૧૨૭.૧૯ પોઇન્ટ વધી ૩૮,૬૭૨.૯૧ અને નિફ્ટી ૫૩.૯૦ પોઇન્ટ વધી ૧૧,૬૨૩.૯૦ ઉપર બંધ થયા હતા.
વિદેશી રોકાણકારોના એકધારા મૂડીપ્રવાહ, ડોલર સામે મજબૂત રૂપિયો અને અમેરિકા – ચીન વચ્ચે વ્યાપાર મંત્રણાના સંભવિત સકારાત્મક પરિણામ જેવા પરિબળોએ શેરબજારને આગળ વધારવામાં અસરકારક ભૂમિકા ભજવી હતી. ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ, એચપીસીએલ, વેદાંત, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને યુપીએલ વધ્યા હતા જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, આઇશર મોટર્સ, બજાજ ઓટો અને ભારતી ઇન્ફ્રાટેલ ઘટયા હતા.
મેટલ શેર્સમાં ચમકારો જોવાયો હતો. મેટલ શેર્સમાં ૨ ટકાનો વધારો થયો હતો. બેન્કિંગ શેર્સમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. કલ્પતરુ પાવરને રૂ.૫૮૪ કરોડનો ઓર્ડર મળ્યો હતો. પ્રેફરન્સ શેરના રિડમ્પશન અને નવા સ્વતંત્ર ડાયરેક્ટરની નિમણૂક બાદ ઈન્ડિયા બૂલ્સ ઇન્ટિગ્રેટેડ સર્વિસિસનો શેર ૫ ટકા વધ્યો હતો. ૨૦૧૮-૧૯ના વર્ષ માટે કોલગેટ પામોલીવે શેર દીઠ રૂ.૭ના બીજા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. પેરન્ટ કંપની તાતા સ્ટીલને રૂ.૪૦૩.૭૯ કરોડના ઇક્વિટી શેર્સ અને કન્વર્ટિબલ વોરંટની ફાળવણી કર્યા બાદ તાતા મેટાલિક્સનો શેર ૬ ટકા વધ્યો હતો. કેપેસાઇટ ઇન્ફ્રા પ્રોજેક્ટસમાં ૧.૫ ટકા વધ્યા હતા.
યુરેશિયા, યુરોપ. દક્ષિણ કોરિયા અને શ્રીલંકામાં ૧-૧ પ્રોડક્ટને મંજૂરી મળી હોવાનું સુવેન લાઇફ સાયન્સિસે જણાવ્યું હતું. ઝાયડસને એમ્બ્રાસેન્ટાન ટેબ્લેટ માટે અમેરિકી એફડીએ તરફથી અંતિમ મંજૂરી મળી છે. પોતાની ક્વિપ ઓફર દ્વારા સંસ્થાકીય રોકાણકારોને શેર વેચીને રૂ.૩,૧૭૩ કરોડની રકમ મેળવી હોવાનું ડીએલએફએ જણાવ્યું હતું. વાબકો હોલ્ડિંગ્સને ૭ અબજ ડોલરમાં ઝેડ એફ ફિડ્ડિશહાફેને ખરીદવા સંમતિ દર્શાવી હતી. વાબકો હોલ્ડિંગ્સ, વાબકો ઈન્ડિયાની પેરન્ટ કંપની છે. શેરનો ભાવ રૂ.૩૨૫.૩૫ વધી રૂ.૬,૬૬૨.૦૫ ઉપર બંધ થયો હતો. સરકાર હસ્તકની એમએસટીસી લિમિટેડનો શેર રૂ.૧૧૧ના ભાવે લિસ્ટેડ થયો હતો જે શેર દીઠ ઓફર કરવામાં આવેલા રૂ.૧૨૦ના ભાવ કરતા ૭.૫ ટકા ઓછો છે. જનરલ એટલાન્ટિક ગ્રૂપ અને વર્દે પાર્ટનર્સને શેર દીઠ રૂ.૮૫૦ના ભાવે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના ૧.૦૯ કરોડ શેર્સ વેચ્યા હોવાનું બીએસઈને જણાવાયું હતું. આથી, શેરનો ભાવ રૂ.૩૬.૨૫ વધી રૂ.૮૬૪.૭૫ ઉપર બંધ થયો હતો.
મેટલ શેર્સ વધ્યા
અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર મંત્રણામાં પ્રગતિને પરિણામે મેટલ શેર્સ વધ્યા હતા. રત્નમણિ મેટલ રૂ.૧૨.૪૫ વધી રૂ.૯૦૮.૪૫, હિંદાલ્કો રૂ.૩.૧૫ વધી રૂ.૨૦૫.૫૦ અને હિંદાલ્કો રૂ.૧.૦૫ વધી રૂ.૨૭૬.૮૫ ઉપર બંધ થયા હતા.
ક્રૂડ તેલના ભાવમાં વધારો
ક્રૂડ તેલના ભાવમાં વધારો થયો હતો. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (ડબ્લ્યૂટીઆઈઈ) વાયદો એક બેરલે ૨૬ સેન્ટ વધી ૫૯.૫૬ ડોલર થયો હતો જ્યારે બ્રેન્ટ ક્રૂડ વાયદો એક બેરલે ૩૦ સેન્ટ વધી ૬૮.૧૨ ડોલર થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post સપ્તાહના અંતિમ અને સતત બીજા સેશનમાં શેરબજારમાં વધતી તેજી appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/weekend-end-and-constant-b/
via Best Gujarati News
0 Comments