મારી ટિકિટ કાપનાર જન્મ્યો નથી કહેનારાની જ ટિકિટ કપાઇ, BJP માટે કપરા ચઢાણ
ભાજપ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપીને હાલના લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપવામાં આવ્યા બાદ પ્રભાતસિંહ અને તેમના સમર્થકોમાં નારાજગી વ્યાપી જવા પામી છે. નારાજ પ્રભાતસિંહ દ્વારા હાલ એક જ રાગ આલાપવામાં આવી રહ્યો છે કે મારા ટેકેદારો સાથે બેઠક યોજીશ અને તેઓના આદેશ અને તેમની જે ઈચ્છા હશે તેમ હું કરીશ પરંતુ હું ચુંટણી તો લડીશ.
પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા આજથી પોતાના ટેકેદારો સાથે બેઠકો યોજવાની શરૂઆત કરી છે. પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા આજે કાલોલ ખાતે આવેલ ગાયત્રી મંદિર ખાતે પોતાના સમર્થકો સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, 2009માં મને હરાવવા માટે શંકરસિંહ સામે મને ટિકિટ આપી હતી પરંતુ તેમની સામે પણ આપના આશીર્વાદથી જીત્યો હતો. 2014 માં પણ તમે મને સારી બહુમતીથી જીતાડ્યો હતો. 2019ની ચુંટણી જાહેર થતા મેં પણ ટિકિટની માંગણી કરી હતી અને અમિત શાહને મળ્યો હતો ત્યારે અમિત શાહે મને ઉંમરનું બહાનું બતાવ્યું હતું, ત્યારે મેં તેમને જણાવ્યું હતું કે મારી જન્મ તારીખ ખોટી છે મારી સાચી જન્મ તારીખ મારા મોટા ભાઈએ હાથથી લખેલી છે તે તેમને મેં બતાવી હતી, ત્યારે તેમણે વિચારીશું તેમ જણાયું હતું.
ટિકિટ કપાવા પાછળનું મુખ્ય કારણ પંચમહાલ ડેરી અને પંચમહાલ જિલ્લા સહકારી બેંક છે. આ બંને સંસ્થાઓ પંચમહાલ, દાહોદ અને મહીસાગર અમે 3 જિલ્લા વચ્ચે એક જ છે જેનું વિભાજન કરી અલગ અલગ સ્થાપનની માંગ કરેલી છે. જે જેઠા ભરવાડને પરવડે તેમ નથી માટે તેમણે સ્થાનિક નેતાઓનો સંપર્ક કરી રતનસિંહ રાઠોડને ઉભા કરી તેમને ટિકિટ આપવી છે. જેઠા ભરવાડે મને ટિકિટ કોઇપણ સંજોગોમાં ન મળે તે માટે વિટામીન એમ (રૂપિયા) સહિતના પ્રલોભનો આપી મારી ટિકિટ કપાવી છે. જો રતનસિંહ સાંસદ બને તો લુણાવાડા વિધાનસભા બેઠક ખાલી પડે અને તે બેઠક પર મહીસાગર જિલ્લાના હાલના ભાજપ પ્રમુખ જે.પી પટેલ ધારાસભ્ય બને તેવું જેઠા ભરવાડનું સેટિંગ છે. તેમણે એક કાંકરે 3 પક્ષી માર્યા છે. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ પણ કહેતા હતા કે પંચમહાલ લોકસભા બેઠકનો ઉમેદવાર તો પંચમહાલ જિલ્લાનો જ જોઈએ તો પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલયે તેમણે રતનસિંહ રાઠોડનું સ્વાગત કેમ કર્યું.
આમ પોતાને ટિકિટ ન મળતા નારાજ થયેલા પ્રભાતસિંહ ચૌહાણએ કાલોલ ખાતે સમર્થકો સાથે યોજેલી બેઠકમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને હવે શું કરવું તે માટે કાર્યકરો પાસે પ્રતિભાવો માગ્યા હતા અને સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે આગમી 1 એપ્રિલના રોજ તેઓ ઉમેદવારીપત્ર ભરશે જ પરંતુ તે કોઈ પક્ષમાંથી ભરશે કે અપક્ષ ઉમેદવારી નોંધાવશે તે અન્ય કાર્યકરો સાથે બેઠક યોજીને આવતીકાલે નિર્ણય જાહેર કરશે તેમ જણાવ્યું હતું. પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા કાલોલ ખાતે યોજેલી બેઠકમાં કાલોલ નગરપાલિકાના સભ્યો, તાલુકા પંચાયત કાલોલના સભ્યો તેમજ લઘુમતી સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
આ પણ જુઓ: 4 એપ્રિલ બાદ રાહુલ અને પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post મારી ટિકિટ કાપનાર જન્મ્યો નથી કહેનારાની જ ટિકિટ કપાઇ, BJP માટે કપરા ચઢાણ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/prabhat-sihan-chauhans-was-bjp-disappointed-with-lok-sabha-ticket-cuts-panchamahal/
via Best Gujarati News
0 Comments