ગુજરાતનું શિક્ષણતંત્ર ખાડે ગયું! 2017-18માં પ્રવેશ બાદ 73 હજાર બાળકોએ ભણવાનું છોડયું
। અમદાવાદ ।
૨૦૧૯ના શૈક્ષણિક વર્ષ માટે ૧૩, ૧૪ અને ૧૫મી જૂનના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સ અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તાજેતરમાં એક બેઠક મળી હતી. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષની સિદ્ધીઓ અને આગામી વર્ષ માટેના આયોજન અંગે વીડિયો કોન્ફરન્સમાં કેટલીક માહિતી જાહેર કરી હતી. જેમાં શિક્ષણ વિભાગે કબુલાત કરી હતી કે, વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધા બાદ ૭૩,૫૪૭ જેટલા બાળકોએ ભણવાનું છોડી દીધુ હતું. ભણવાનું છોડી દીધેલા આ બાળકો શું કરે છે તેની કોઈ જાણકારી ન હોવાની પણ કબુલાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રવેશ લીધા બાદ જે બાળકોએ ભણવાનું છોડી દીધુ છે તેવા બાળકોએ ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવી લીધો હોય અને સ્કૂલો દ્વારા તેની કોઈ વિગતો રાખવામાં આવી ના હોય તો પણ આ બાળકો મિસિંગ હોઈ શકે છે તેવુ પણ શિક્ષણ વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેથી નવા શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક શાળામાં અને ત્યાર બાદ ધોરણ.૮ પછી તેમજ ધોરણ.૧૦ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી કઈ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે તેની સંપૂર્ણ માહિતી એકત્રીત કરવા માટે પણ શિક્ષણ વિભાગે સુચના આપી છે. ધોરણ.૮ કે ધોરણ.૧૦ પછી કોઈ વિદ્યાર્થી પ્રોફેશનલ કોર્ષમાં પ્રવેશ મેળવે તો તેની જાણકારી પણ સ્કૂલોએ મેળવી ડેટા ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે, આ સિવાય કોઈ વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે તો તેના કારણો જાણી ભણવાનું શરૂ થાય તેના પ્રયાસો કરવાની પણ સુચના અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે હવે જે બાળકો પ્રવેશ મેળવે છે તેમનો ડેટા ઓનલાઈન અપલોડ કરવા ઉપરાંત દર વર્ષે વર્ષના અંતે તે બાળકોનો ડેટા ફરીથી રિ-કોલ કરાવામાં આવે છે.
નાપાસના નિયમથી મહેકમમાં ફેરફાર થશે
નવા વર્ષથી ધોરણ.૫ અને ૮માં નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિયમ લાગુ થશે. પરંતુ નિષ્ણાંતોના જણાવ્યાં પ્રમાણે, અંદાજે ૩૦ ટકા જેટલા બાળકો નાપાસ થશે. જેથી વર્ષ-૨૦૨૦માં ધોરણ.૫માં અને ધોરણ.૮માં નાપાસ થનાર ૩૦ ટકા બાળકોની સંખ્યા વધશે જ્યારે ધોરણ.૬ અને ધોરણ.૯માં ૩૦ ટકા બાળકોની સંખ્યા ઘટશે. જેના કારણે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના આ વર્ગોમાં મહેકમ તેમજ વહિવટી બાબતોમાં પણ ફેરફાર થશે.
જન્મના આંકડાના આધારે પ્રવેશ આપવાનો ટાર્ગેટ
શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં ૧૦૦ ટકા પ્રવેશ આપવાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે બાળકોની સંખ્યાનો આંકડો જન્મના આધારે નક્કી કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવના જણાવ્યાં પ્રમાણે, વર્ષ-૨૦૧૩માં જન્મેલા ૧૨,૦૯,૦૦૦ જેટલા બાળકોને આ વખતે પ્રવેશ આપવાનો ટાર્ગેટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગુજરાતનું શિક્ષણતંત્ર ખાડે ગયું! 2017-18માં પ્રવેશ બાદ 73 હજાર બાળકોએ ભણવાનું છોડયું appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/73-thousand-students-left-education-after-taking-admission-in-primary-school-in-year-2017-18/
via Best Gujarati News
0 Comments