બાંધકામ ઉદ્યોગ પરના GST માટે સરકારે બહાર પાડેલ સરળ માર્ગદર્શન, જાણો વિગત
ચિટચેટ ઓન GST : નયન શેઠ
બાંધકામ ઉદ્યોગ માટે GSTના નવા દરનું માળખું તા. ૧-૪-૨૦૧૯થી અમલમાં આવેલ છે. આ અંગે સરળ ભાષામાં પ્રશ્નોત્તરી રૂપે ભારત સરકારના ટેક્સ રિસર્ચ યુનિટ દ્વારા તા. ૭-૫-૧૯ના રોજ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આના આમુખમાં જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સ્પષ્ટતાઓને કાયદાકીય પીઠબળ નથી. જ્યારે કાયદાકીય અર્થઘટન કરવાનું હોય ત્યારે તે અંગેના જાહેરનામાં જ આધારભૂત ગણાશે. જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે પૈકીની કેટલીક માહિતી આ લેખમાં આપેલ છે.
રહેણાકના મકાનના બાંધકામ પરનો GSTનો વેરાનો દર શું ?
તા. ૧-૪-૨૦૧૯થી રહેણાકના મકાનના બાંધકામમાં જો એફોર્ડેબલ રહેણાકનું મકાન હોય તો જમીનની કિંમત ૧/૩ જેટલી રકમ બાદ કરતા બાકી રહેતી રકમ પર SGST અને CGST કાયદાના થઇને કુલ ૧ ટકા વેરો લાગશે. જ્યારે એફોર્ડેબલ હાઉસિંગ સિવાયના બાંધકામમાં જમીનની ૧/૩ જેટલી કિંમત બાદ કરતા બંને GST કાયદાના થઇને ૫ ટકા વેરો લાગશે. આવા રાહતના દરના વેરાનો લાભ લેવા માટે અગત્યની શરત એ છે કે કોન્ટ્રાક્ટને માલ કે સેવાની પ્રાપ્તિ પર ચૂકવેલ વેરાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર રહેશે નહીં. ભરવાપાત્ર વેરો રોકડેથી જ ચૂકવવાનો રહેશે. જે પ્રોજેક્ટ તા. ૧-૪-૨૦૧૯થી શરૂ થાય તેને આ વેરાના દર લાગુ પડશે. જે પ્રોજેક્ટ તા. ૧-૪-૨૦૧૯ના રોજ ચાલુ હોય તેમને જૂના વેરાના દરે વેરો ચૂકવવાની છૂટ છે એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની સાથે એફોર્ડેબલ રહેણાકના મકાનમાં જમીન સિવાયની કિંમતનો કુલ GST ૮% અને અન્ય રહેણાકના મકાનમાં ૧૨ % લેખે વેરો ચૂકવવાનો રહેશે.
એફોર્ડેબલ રહેણાકનું મકાન કોને કહેવાય ?
એફોર્ડેબલ રહેણાકનું મકાન એટલે મેટ્રોપોલિટન શહેરમાં ૬૦ સ્કેવર મીટર અને બીજા શહેર કે ગામમાં ૯૦ સ્કેવર મીટરથી વધુ કાર્પેટ એરિયા ન હોય અને જેની કુલ કિંમત રૂ. ૪૫ લાખથી વધુ ન હોય તે મેટ્રોપોલિટન શહેરમાં બેંગ્લુરૂ, ચેન્નઈ, દિલ્હી એનસીઆર કે જે દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ અને ફરિદાબાદ પૂરતું મર્યાદિત રહેશે, હૈદરાબાદ, કોલકાત્તા અને મુંબઈના કેન્દ્ર કે રાજ્ય સરકારે આદેશથી નિયુક્ત કરેલ પ્રાદેશિક વિસ્તારનો સમાવેશ થશે. તા. ૧-૪-૧૯ના રોજ ચાલુ હોય તેવા પ્રોજેક્ટમાં નવા દરો વેરો ભરવાનું સ્વીકારવામાં આવ્યું હશે તો તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નિર્દિષ્ટ રહેણાકની સ્કીમનો પણ સમાવેશ થશે.
તા. ૧-૪-૧૯ના રોજ ચાલુ પ્રોજેક્ટ કોને કહેવાય?
જે પ્રોજેક્ટમાં નીચેની શરતો પરિપૂર્ણ થતી હોય તે પ્રોજેક્ટ તા. ૧-૪-૧૯ના રોજ ચાલુ હતો તેમ ગણવામાં આવશેઃ
(૧) જે પ્રોજેક્ટ શરૂ કરવા માટે પ્રમાણપત્ર જરૂરી હોય ત્યાં સક્ષમ અધિકારી દ્વારા તેવું પ્રમાણપત્ર તા. ૩૧-૩-૧૯ કે તે પહેલા આપવામાં આવ્યું હોય અને નોંધાયેલ આર્કિટેક્ટ, ચાર્ટર્ડ એન્જિનિયર કે લાઇસન્સડ સર્વેયર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય કે તા. ૩૧-૩-૧૯ કે તે પહેલાં સાઇટ પર જમીન સમતોલ કરવાનું કામ પૂર્ણ કરીને પાયા ખોદાવાનું શરૂ થયેલ હતું.
(૨) જ્યાં પ્રોજેક્ટ શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી ન હોય ત્યાં નોંધાયેલ આર્કિટેક્ટ, ચાર્ટર્ડ એન્જિનિયર કે લાઇસન્સડ સર્વેયરનું તા. ૩૧-૩-૧૯ કે તે પહેલાં પ્રોજેક્ટ શરૂ થયેલ હતો તેવું પ્રમાણપત્ર જોઇશે. આવુ પ્રમાણપત્ર તો જ આપી શકાશે જો તા. ૩૧-૩-૧૯ કે તે પહેલા જમીન સમતોલ કરવાનું કામ પૂર્ણ કરીને પાયા ખોદાવાનું શરૂ થઇ ગયેલ હોય.
(૩) તા. ૩૧-૩-૧૯ કે તે પહેલાં પ્રોજેક્ટ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર અપાયેલ ન હોવું જોઇએ અથવા તે પહેલાં તેને પ્રથમ હસ્તગત કરેલ ન હોવું જોઇએ.
(૪) પ્રોજેક્ટના એપાર્ટમેન્ટ પૂરેપૂરા કે આંશિક રીતે તા. ૩૧-૩-૧૯ કે તે પહેલાં બુક થયેલ હોવા જોઇએ. આમ જો બાંધકામ તા. ૩૧-૩-૧૯ પહેલા શરૂ થયેલાં હોય પણ એક પણ બુકિંગ તે તારીખ પહેલા કરવામાં ન આવેલ હોય તો તેને ચાલુ પ્રોજેક્ટ ગણવામાં આવશે નહીં.
બિલ્ડર કે પ્રમોટરને જૂના દરે વેરો ભરવાની છૂટ છે?
તા. ૧-૪-૧૯ના રોજ ચાલુ પ્રોજેક્ટ હોય તેમાં બિલ્ડરને એર્ફોડેબલ રહેણાંકના મકાનમાં જમીન સિવાયની રકમના ૮% અને અન્ય રહેણાકના મકાનમાં ૧૨ % લેખે વેરો ચુકવવાની છૂટ છે. જૂના દરે વેરો ભરવા માટે નિયત નમૂનામાં તા. ૧૦-૫-૧૯ સુધીમાં બિલ્ડરે તેમની અરજી તેમના ક્ષેત્રાધિકાર પર હકૂમત ધરાવતા કમિશનરને રૂબરૂમાં આપવાની રહેશે. જો તેઓ આવી અરજી ન કરે તો તેમણે નવા વેરાના દરનો વિકલ્પ સ્વીકારેલ છે તેમ માની લેવામાં આવશે. જૂના પ્રત્યેક પ્રોજેક્ટ માટે બિલ્ડર પોતાને યોગ્ય લાગે તેવો વિકલ્પ સ્વીકારી શકશે. જે પ્રોજેક્ટ તા. ૧-૪-૧૯થી શરૂ થાય તેમાં વેરાના દરનો વિકલ્પ આપવામાં આવેલ નથી અને તેમાં નવા વેરાના દર મુજબ જ વેરો ભરવાનો રહેશે. આમ જે પ્રોજેક્ટ તા. ૧-૪-૨૦૧૯ના રોજ ચાલુ હોય તેમાં બિલ્ડર નક્કી કરી શકશે કે તેમણે જૂના દર મુજબ વેરાકીય જવાબદારી નિભાવવી છે કે નવા દરે? આમાં ગ્રાહકને કોઈ વિકલ્પ નથી.
ધંધાકીય બાંધકામ પર વેરાનો દર શું છે ?
જમીનની કિંમત પેટે ૧/૩ રકમ બાદ કર્યા બાદની રકમના દુકાનો, ગોડાઉન, ઓફિસ વિ.ના બાંધકામ પર રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ હોય તો ૫% અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ હોય તો ૧૨ % લેખે કુલ GST લાગશે. બાંધકામની સેવા પૂરી પાડનાર બિલ્ડરને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર રહેશે નહીં. આવો વેરો રોકડેથી જ ચૂકવવાનો રહેશે. રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એટલે એવો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ કે જેમાં કોર્મિશયલ એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા બધા જ એપાર્ટમેન્ટના ટોટલ કાર્પેટ એરિયાના ૧૫%થી વધુ ન હોય તે.
બિલ્ડર કે પ્રમોટરે તમામ માલ અને સેવા નોંધાયેલ વ્યક્તિ પાસેથી લેવી જરૂરી છે?
બિલ્ડરે ૮૦% જેટલો માલ અને સેવા નોંધાયેલ વ્યક્તિ પાસેથી મેળવેલ હોવો જોઇએ. ૮૦%ની મર્યાદા નક્કી કરતી વખતે ડેવલપમેન્ટ રાઇટ્સ, લાંબી મુદતના ભાડા પેટે પ્રીમિયમ, સલામી, ડેવલપમેન્ટ ચાર્જિસ વિ. ચૂકવી મેળવેલ જમીન, Additional FSI સહિત FSI વીજળી, હાઇસ્પીડ ડીઝલ, પેટ્રોલ અને નેચરલ ગેસની પ્રાપ્તિને ધ્યાનમાં લેવાની રહેશે નહીં.
બિલ્ડરે ૮૦% જેટલો માલ અને સેવા નોંધાયેલ વ્યક્તિ પાસેથી ન મેળવેલ હોય તો શું?
જો બિલ્ડરે ૮૦% જેટલો માલ અને સેવા નોંધાયેલ વ્યક્તિ પાસેથી ન મેળવેલ હોય તો જેટલી ઓછી પ્રાપ્તિ કરેલ હોય તેટલે અંશે ૧૮% લેખે રિવર્સ ચાર્જ પર વેરો ભરવાનો રહેશે. સિમેન્ટની જો બિનનોંધાયેલ વ્યક્તિ પાસેથી ખરીદી કરી હશે તો કાયદા મુજબના જે હાલ ૨૮% દર છે તે દરે રિવર્સ ચાર્જ પર વેરો ભરવો જ પડશે. સિમેન્ટની બિનનોંધાયેલ વ્યક્તિ પાસેની ખરીદી કાઈ પણ સંજોગોમાં માન્ય રાખવામાં નહીં આવે. આમ માની લો કે સિમેન્ટની તમામ ખરીદી નોંધાયેલ વેપારી પાસેની હોય અને કુલ ૮૦% જેટલી માલ અને સેવાની પ્રાપ્તિ પણ નોંધાયેલ વ્યક્તિ પાસેથી હોય તો બાકીની બિનનોંધાયેલ વ્યક્તિ પાસેથી માલ કે સેવા મેળવવામાં આવેલ હોવા છતાં રિવર્સ ચાર્જ પર વેરો લાગશે નહીં. સિમેન્ટની બિનનોંધાયેલ વ્યક્તિની ખરીદી પર પૂરા દરે વેરો ભરવાનો રહેશે અને આવી રીતે ભરેલ વેરાવાળી સિમેન્ટની ખરીદીને ૮૦%ની મર્યાદા નક્કી કરવા ધ્યાનમાં લઈ શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બાંધકામ ઉદ્યોગ પરના GST માટે સરકારે બહાર પાડેલ સરળ માર્ગદર્શન, જાણો વિગત appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/easy-guidance-issued-by-the-government-to-the-gst-on-the-construction-industry/
via Best Gujarati News
0 Comments